કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓમાં શાબ્દિક ટપાટપી ચરમસીમાએ

07 November, 2012 05:58 AM IST  | 

કૉન્ગ્રેસ અને એનસીપીના નેતાઓમાં શાબ્દિક ટપાટપી ચરમસીમાએ



રવિકિરણ દેશમુખ

મુંબઈ, તા. ૭

રાજ્યમાં શાસન ચલાવી રહેલી ડેમોક્રેટિક ફ્રન્ટ સરકારના આધાર સમા રાજકીય પક્ષો કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચેનું વાગ્યુદ્ધ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. ગઈ કાલે કૉન્ગ્રેસે એના રાજકીય પક્ષ એનસીપીને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી કે જો તેઓ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ પરનો હુમલો ચાલુ રાખશે તો તેઓ પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવશે.

સોમવારે એનસીપીના સ્ટેટ યુનિટ ચીફ મધુકર પિચડે નાંદેડ જિલ્લામાં યોજાયેલી રૅલીમાં મુખ્ય પ્રધાન વિરુદ્ધ આકરી ટીકા કરી હતી જેથી કૉન્ગ્રેસ બહુ અપસેટ છે. આ રૅલીમાં મધુકર પિચડે મુખ્ય પ્રધાનને હિંમતવિહોણા ગણાવીને તેમના પક્ષના કાર્યકરોને ઝડપી નિર્ણયો લેવા માટે જાણીતા અજિત પવારને નેક્સ્ટ મુખ્ય પ્રધાન તરીકે રજૂ કરવા જણાવ્યું હતું. એ સિવાય થોડા દિવસ પહેલાં ગૃહપ્રધાન આર. આર. પાટીલે પણ કૉન્ગ્રેસના મોટા ભાગના નેતાઓ જેલમાં છે એવી ટિપ્પણી કરતાં કૉન્ગ્રેસે નાખુશી વ્યક્ત કરી હતી. તેમણે દહાણુની નગરપાલિકાની ચૂંટણી વખતે યોજાયેલી રૅલીમાં આ કમેન્ટ કરી હતી, કારણ કે ત્યાંનો એક ટોચનો કૉન્ગ્રેસી નેતા ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં છે.

એ વખતે આર. આર. પાટીલની કમેન્ટ સામે પ્રત્યાઘાત આપતાં મહારાષ્ટ્ર કૉન્ગ્રેસના વડા માણિકરાવ ઠાકરેએ કહ્યું હતું કે એનસીપી તો ક્રિમિનલ નેતાઓનો જ પક્ષ છે. આ પ્રત્યાઘાતથી અપસેટ થઈને એનસીપીએ વળતો ઘા મારીને સવાલ કર્યો હતો કે તો પછી કૉન્ગ્રેસ ૧૨ વર્ષથી એની સાથે શા માટે જોડાણ કરી રહી છે? ત્યાર બાદ એનસીપીના નેતા અને યુનિયન ઍગ્રિકલ્ચર મિનિસ્ટર શરદ પવારે પણ આ ઉગ્ર ચર્ચામાં ઝંપલાવતાં વ્યંગ કર્યો હતો કે શક્ય છે કે માણિકરાવને આ મામલે વધુ જાણ હોય, કારણ કે તેઓ પહેલાં રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હતા.

એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે પણ શરદ પવારને ટેકો આપતાં કહ્યું હતું કે માણિકરાવ પાસે અડધી જ માહિતી છે, કારણ કે તેઓ માત્ર રાજ્યકક્ષાના પ્રધાન હતા અને તેમના પર આખી હોમ મિનિસ્ટ્રીનો બોજ નહોતો. જોકે તેમણે જ્યારે કમેન્ટ કરી કે મુખ્ય પ્રધાન વિલંબથી નિર્ણય લેતા હોવાને કારણે બિનકાર્યક્ષમ છે ત્યારે આખા વિવાદે વધુ ગંભીર વળાંક લઈ લીધો હતો. નવાબ મલિકે કમેન્ટમાં કહ્યું હતું કે નિર્ણય લેવામાં વિલંબ થતો હોવાથી જનતાનું હિત જોખમાય છે જે સ્વીકાર્ય નથી.

સોમવારે પણ એનસીપીના નેતાઓ દ્વારા કેટલીક વિવાદાસ્પદ કમેન્ટ્સ કરવામાં આવી હતી. કોલ્હાપુરમાં શરદ પવાર, નાંદેડ જિલ્લામાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને મધુકર પિચડ તથા મુંબઈમાં નવાબ મલિકે મુખ્ય પ્રધાનની કાર્યશૈલીની ઘસાતી ભાષામાં ટીકા કરી હતી. આને પગલે ગઈ કાલે કૉન્ગ્રેસે એના રાજકીય પક્ષ એનસીપીને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો તેઓ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ પરનો હુમલો ચાલુ રાખશે તો તેઓ પણ જેવા સાથે તેવાની નીતિ અપનાવશે. મુખ્ય પ્રધાનના વલણ વિશે કૉન્ગ્રેસ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મુખ્ય પ્રધાન તરફથી નિર્ણયો પ્રાઇવેટ કૉન્ટ્રૅક્ટરો અને બિલ્ડરોને લાભ થાય એ રીતે નહીં પણ સમજીવિચારીને લેવામાં આવે છે. ભૂતકાળમાં જે ઉતાવળા નિર્ણયો લેવામાં આવ્યા હતા એને કારણે રાજ્યને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આ જોડાણ સાથે સંકળાયેલા એક સભ્યે કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાન પાસે કેટલાક નિર્ણયો પેન્ડિંગ પડ્યા હોવાથી એનસીપી અપસેટ છે. એનસીપી લાંબા સમયથી કૅબિનેટમાં ફેરબદલની પણ માગણી કરી રહી છે. જોકે મુખ્ય પ્રધાન આ ડિમાન્ડને માનવામાં વિલંબ કરી રહ્યા હોવાથી એનસીપી અત્યારે કૉન્ગ્રેસના અભિગમથી અપસેટ છે.’

એનસીપીએ કૉન્ગ્રેસ પાસે માગેલું એમએમઆરડીએનું શ્વેતપત્ર તૈયાર

સિંચાઈના મુદ્દે શ્વેતપત્ર કાઢવાનો મુદ્દો છેલ્લા થોડા વખતથી ચર્ચાઈ રહ્યો છે ત્યારે  એમએમઆરડીએનું શ્વેતપત્ર તૈયાર થઈ ગયું છે અને એ ફાઇનલ કરવા ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણને મોકલવામાં આવ્યું છે. ચીફ મિનિસ્ટરે એનસીપીને સિંચાઈના મુદ્દે શ્વેતપત્ર તૈયાર કરવા કહ્યું હતું. એની સામે એનસીપીએ તેમને એમએમઆરડીએ પર શ્વેતપત્ર કાઢવાની માગણી કરી હતી.

એમએમઆરડીએના આ શ્વેતપત્રમાં એના બધા જ પ્રોજેક્ટ્સની માહિતી આપવામાં આવી છે. પ્રોજેક્ટ ક્યારથી શરૂ થયો, ક્યારે પૂરો થશે, અત્યારે શું પરિસ્થિતિ છે, એના પર કરવામાં આવેલો ખર્ચ વગેરેની માહિતી એમાં આપવામાં આવી છે. સાથે જ ચાલુ પ્રોજેક્ટ્સના કલર ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવ્યા છે.

સિંચાઈ પરના શ્વેતપત્રને લઈને કૉન્ગ્રેસ અને એનસીપી વચ્ચે રાજકારણ ચાલી રહ્યું છે ત્યારે એમએમઆરડીએ સામે આંગળી ન ચીંધાય એ માટે એનું શ્વેતપત્ર જલદી તૈયાર કરવામાં આવે એમ મુખ્ય પ્રધાને જણાવ્યું હોવાનું એક અધિકારીએ કહ્યું હતું.

એમએમઆરડીએનું શ્વેતપત્ર બનાવવા ઉતાવળ કરનાર ચીફ મિનિસ્ટર સિંચાઈના શ્વેતપત્ર મુદ્દે ઢીલ કરી રહ્યા હોવાનો આક્ષેપ એનસીપીએ કર્યો છે. એનસીપીનું કહેવું છે કે સિંચાઈ ખાતાના અધિકારીઓને આ શ્વેતપત્ર બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પણ સિંચાઈ વિભાગના તત્કાલીન સચિવ દેવેન્દ્ર શિક્રે‍ની સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો થતાં ચીફ મિનિસ્ટરે તેમની પાસેથી એ જવાબદારી આંચકી લેવાનો આદેશ આપ્યો હતો. હવે તેમની જગ્યાએ જેમને આ ડિપાર્ટમેન્ટ બદલ કશી જાણ નથી એવા વી. ગિરિરાજની નિમણૂક કરવામાં આવી છે જેને કારણે શ્વેતપત્ર બનાવવામાં મુશ્કેલીઓ આવી રહી હોવાનો આક્ષેપ એનસીપીએ કર્યો છે. 

એમએમઆરડીએ = મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી,