પન્નાસ ખોકે, એકદમ ઓકે

18 August, 2022 09:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે એકનાથ શિંદે ગ્રુપના વિધાનસભ્યોએ વિધાનભવનમાં એન્ટ્રી મારી ત્યારે કૉન્ગ્રેસ-રાષ્ટ્રવાદી અને શિવસેનાના નેતાઓએ કરી આવી ઘોષણાબાજી

ગઈ કાલે વિધાનભવનમાંથી પોતાના વિધાનસભ્યો સાથે બહાર આવી રહેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે. (તસવીર : પ્રદીપ ધિવાર)

રાજ્યમાં એકનાથ શિંદેની આગેવાનીની સરકારની સ્થાપના થયા બાદ ગઈ કાલે ચોમાસુ સત્રના પહેલા દિવસે વિવિધ મામલે સરકારે વિરોધીઓનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ બીએમસીમાં ૨૩૬ નગરસેવકને બદલે ૨૨૭ નગરસેવક કરવા સંબંધિત બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. આજે બીજા દિવસે વિરોધ પક્ષો મોહિત કમ્બોજની ટ્વીટ અને ચોમાસામાં રાજ્યભરમાં થયેલા નુકસાન બાબતે સરકારને ઘેરી શકે છે.

વિધાન પરિષદમાં એકનાથ શિંદેએ દેવેન્દ્ર ફડણવીસની સભાગૃહના નેતાપદે નિયુક્તિ કરી હતી. બાદમાં ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણપ્રધાન ચંદ્રકાંત પાટીલે એમપીએસસી અને બીએડની સીઈટી પરીક્ષા એક જ દિવસે લેવાની જાહેરાત કરી હતી. વિદ્યાર્થીઓને નુકસાન ન થાય એ માટે તેમને તારીખોનો વિકલ્પ આપવામાં આવશે એવું કહ્યું હતું.

...ઓકે સરકારને ધિક્કાર છે
વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાના થોડા સમય પહેલાં વિરોધ પક્ષના નેતા અજિત પવારની આગેવાનીમાં વિધાનભવનના પગથિયે બેસીને એનસીપી, કૉન્ગ્રેસ અને શિવસેનાના વિધાનસભ્યોએ સરકાર સામે જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. ‘પન્નાસ ખોકે, એકદમ ઓકે’, ‘ગદ્દાર આવ્યા’, ‘ઈડી સરકાર હાય હાય’ જેવો સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે તેમની સાથે આદિત્ય ઠાકરે પણ હતા અને તેમણે એકનાથ શિંદેને વિધાનભવનમાં આવતા જોઈને આ ગદ્દારોની બેઈમાનીથી બનેલી સરકાર છે એવું કહ્યું હતું. એટલું જ નહીં, આ બેઈમાનોની સરકાર ટૂંક સમયમાં જ પડશે એવી આગાહી કરી હતી. વિરોધ પક્ષોએ રાજ્યમાં પૂરની સ્થિતિ છે એટલે લીલો દુકાળ જાહેર કરવાની માગણી કરી હતી.

બીજેપીનું કામ બ્લૅકમેઇલ કરવાનું 
કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોળેએ બીજેપી પર પ્રહાર કરતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘બીજેપી સતત કેન્દ્રની તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરીને વિરોધીઓને બ્લૅકમેઇલ કરે છે. ઈડી, સીબીઆઇ, ઇન્કમ ટૅક્સ જેવી એજન્સીઓને પાળ બનાવીને વિરોધીઓને ડરાવે છે અને તેમનો અવાજ બંધ કરવા માટે ધમકી આપે છે. બીજેપીનો હવે મુખ્ય ધંધો દહેશત ફેલાવવાની સાથે બ્લૅકમેઇલ કરવાનો થઈ ગયો છે.’

જંબોરી મેદાન ઝાંકી હૈ, પિક્ચર અભી બાકી હૈ : આશિષ શેલાર
વરલી શિવસેનાનો ગઢ છે એટલે અહીં દહીહંડીનું આયોજન બીજેપીનો બાલિશ પ્રયાસ છે એવી ટીકા શિવસેનાના નેતા સુનીલ શિંદેએ કરી છે. આ વિશે પત્રકારોએ પૂછતાં બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે કહ્યું હતું કે ‘ગઢ કોનો? કોણે નક્કી કર્યું? ગઢ શેલારમામા સિવાય કોઈ નક્કી ન કરી શકે. આદિત્ય ઠાકરે અહીંથી બીજેપી સાથેની યુતિથી ચૂંટાઈ આવ્યા. આથી અમે વરલી શિવસેનાનો ગઢ માનતા નથી. અમે મુંબઈમાં ૨૨૭ સ્થળે દહીહંડીનું આયોજન કર્યું છે. જંબોરી મેદાન તો ઝાંકી હૈ, પિક્ચર અભી બાકી હૈ.’

આદિત્ય ઠાકરેને તેમણે સવાલ કર્યો હતો કે ‘મોદીનો ફોટો બતાવીને મત મેળવ્યા બાદ સોનિયા ગાંધીના ખોળામાં બેસી જવું બેઈમાની નથી? આદિત્ય ઠાકરેએ ગદ્દાર, બેઈમાન અને લાચારી શબ્દોનો અર્થ સમજવો હોય તો રાજ્યના ઇતિહાસ પર નજર નાખવી જોઈએ. તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની મદદ લઈને સત્તાનો મીઠો સ્વાદ મેળવવા શરદ પવારના ખોળામાં કોણ બેસી ગયું હતું? આ લાચારી નથી તો બીજું શું છે? ગદ્દાર, બેઈમાની અને લાચારીની સમજ આમાંથી જ મળી જશે.’

mumbai mumbai news shiv sena eknath shinde