Congress Leader Shivraj Patil Death: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલનું નિધન

12 December, 2025 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Congress Leader Shivraj Patil Death: ઘણાં વર્ષોથી તેઓ રાજકારણથી દૂર જ રહ્યા હતા અને લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા થોડાક દિવસોથી તેમના ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ અનુસાર આજે સવારે આશરે ૬.૩૦ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

શિવરાજ પાટિલ ચાકુરકર

પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલ ચાકુરકરનું આજે નિધન (Congress Leader Shivraj Patil Death) થયું છે. નેવું  વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. છેલ્લા ઘણાં વર્ષોથી તેઓ રાજકારણથી દૂર જ રહ્યા હતા અને લાંબા સમયથી બીમાર હતા. છેલ્લા થોડાક દિવસોથી તેમના ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી. રિપોર્ટ અનુસાર આજે સવારે આશરે ૬.૩૦ કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

લાતુર નગરપાલિકાથી રાજકારણમાં એન્ટ્રી 

શિવરાજ પાટિલ (Congress Leader Shivraj Patil Death)નો જન્મ ૧૨મી ઓક્ટોબર, ૧૯૩૫ના રોજ લાતુર જિલ્લાના ચાકુર ગામમાં થયો હતો. તેઓએ ઉસ્માનિયા યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો ત્યારબાદ તેઓએ મુંબઈ યુનિવર્સિટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી. ૧૯૬૭-૬૯માં લાતુર નગરપાલિકામાં તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ હતી. તેઓ પહેલીવાર ૧૯૮૦માં લાતુર લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ૧૯૯૧થી ૧૯૯૬ સુધી ૧૦મી લોકસભાના તેઓ સ્પીકર પણ રહી ચુક્યા છે.  તેઓની સંસદની કાર્યવાહી દરમિયાન મહત્વના પગલાઓ લેવાયા. જેમાં સંસદનું આધુનિકીકરણ, કોમ્પ્યુટરાઈઝેશન, જીવંત પ્રસારણ અને નૂતન પુસ્તકાલયભવનનો સમાવેશ થાય છે. વળી, દેશમાં ઉત્કૃષ્ટ સાંસદ-પુરસ્કારની શરૂઆત પણ તેઓએ જ કરાવી હતી. તેઓએ સફળ અને સુચારું રીતે દેશ અને વિદેશમાં વિવિધ સંસદીય પરિષદોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૯૯ સુધી સતત સાત વખત લોકસભામાં પહોંચ્યા હતા. કોંગ્રેસના સંસદીય નેતાઓમાં તેમનો પ્રભાવ જુદો જ હતો. ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં તેમણે સંરક્ષણ, વાણિજ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, અણુ ઊર્જા, ઇલેક્ટ્રોનિક્સ અને અવકાશ સહિત અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં રાજ્યમંત્રી તરીકે મહત્વપૂર્ણ કામગીરી પણ બજાવી છે.વર્ષ ૨૦૦૮માં થયેલા મુંબઈ આતંકવાદી હુમલા બાદ સુરક્ષામાં થયેલી ભૂલોની નૈતિક જવાબદારી સ્વીકારીને ૩૦મી નવેમ્બર, ૨૦૦૮ના રોજ તેઓએ રાજીનામું આપ્યું હતું. તેમણે ૨૦૧૦થી ૨૦૧૫ સુધી પંજાબના રાજ્યપાલ અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના વહીવટકર્તા તરીકે પણ સેવા આપી હતી. લગભગ પાંચ દાયકાના સંસદીય અને વહીવટી અનુભવ, વિવિધ મંત્રાલયોમાં કામ અને લોકસભાના અધ્યક્ષ તરીકે યોગદાન સાથે શિવરાજ પાટિલને ભારતીય રાજકારણમાં ઉમદા વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેઓનું વ્યક્તિત્વ (Congress Leader Shivraj Patil Death) અને વ્યવહાર બન્ને ખુબ પંકાયા હતા.

વાત તેમના અંગત જીવનની..... 

તેમના અંગત જીવનની વાત કરીએ તો તેઓએ ૧૯૬૩માં તેમણે વિજયા પાટિલ (Congress Leader Shivraj Patil Death) સાથે લગ્ન કર્યા હતા.  તેમને એક પુત્ર અને એક પુત્રી છે.  પુત્રવધૂ ડૉ. અર્ચના પાટિલ ચાકુરકર પણ રાજકારણમાં સક્રિય છે. શિવરાજ પાટિલ ચાકુરકર મહારાષ્ટ્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા હતા. તેમના નિધનથી મહારાષ્ટ્રમાં રાજકીય શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે. કોંગ્રેસ અને તેના તમામ કાર્યકરોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

mumbai news mumbai celebrity death congress maharashtra news maharashtra latur political news indian politics