ગાંધી જયંતીએ કૉન્ગ્રેસીઓને જાગ્યો કસ્તુરબા પર અચાનક પ્રેમ

03 October, 2012 05:34 AM IST  | 

ગાંધી જયંતીએ કૉન્ગ્રેસીઓને જાગ્યો કસ્તુરબા પર અચાનક પ્રેમ


રોહિત પરીખ

મુંબઈ, તા. ૩

દક્ષિણ મુંબઈના સી. પી. ટૅન્ક સર્કલ પર આવેલા કસ્તુરબા ગાંધી ચોકમાં આવેલા પબ્લિક ટૉઇલેટને હટાવવા ગઈ કાલે ગાંધીજીના જન્મદિવસે કૉન્ગ્રેસ તરફથી દક્ષિણ મુંબઈના સંસદસભ્ય મિલિંદ દેવરા તથા મુંબાદેવી વિસ્તારના વિધાનસભ્ય અમીન પટેલે ધરણાં કરતાં ત્યાંના લોકોમાં આશ્ચર્યની લાગણી પ્રગટી હતી. આ લાગણીનું મુખ્ય કારણ એ હતું કે ટૉઇલેટ ઘણાં વષોર્થી આ વિસ્તારમાં છે ત્યારે કોઈને વિરોધ કરવાનો સમય ન મળ્યો અને અચાનક ગઈ કાલે ગાંધીજીના જન્મદિવસે કૉન્ગ્રેસીઓને યાદ આવ્યું કે આ ટૉઇલેટને લીધે કસ્તુરબા ગાંધીના નામની કિંમત ઘટી રહી છે.

આ વિસ્તારના દુકાનદારોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ નેતાઓ અમારી પરિસ્થિતિ નથી સમજતા કે આ વિસ્તારમાં પબ્લિક ટૉઇલેટની ખૂબ જરૂર છે એટલે એને જ્યાં છે ત્યાં જ રહેવા દેવું જોઈએ. આવો જ મત મહાનગરપાલિકાના ઘ્ વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ચંદા જાધવનો છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કમર્શિયલ એરિયા હોવાથી અત્યારે સી. પી. ટૅન્ક સર્કલ ઉપર જ્યાં ટૉઇલેટ છે ત્યાં જ એ બરાબર છે.

અહીંના એક જાગૃત નાગરિકે આને રાજકીય સ્ટન્ટ ગણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસીઓના અચાનક ગાંધી પ્રત્યેના પ્રેમ સમજી શકાય એવો નથી. આજે દેશભરમાં જેટલા રસ્તાઓ અને ગલીઓને મહાન વિભૂતિઓનાં નામ આપ્યાં છે ત્યાં આવેલી કચરાપેટીઓ અને ટૉઇલેટને હટાવી લેવાં જોઈએ. અચાનક સી. પી. ટૅન્કના કસ્તુરબા ગાંધી ચોકના ટૉઇલેટથી લાગણી દુભાઈ ગઈ તો બાકીના રસ્તાઓ માટે કેમ નહીં? શું આ નેતાઓ દેશભરનાં ટૉઇલેટને હટાવવા માટે અગ્રણી બનશે?’

વિવાદ શું છે?

મુંબાદેવી વિસ્તારના વિધાનસભ્ય અમીન પટેલે મિડ-ડેને કહ્યું હતું કે ‘આજથી ત્રણ વર્ષ પહેલાં સી.પી. ટૅન્ક સર્કલ નજીકના રસ્તાનું કામ ચાલતું હોવાથી ટ્રાફિક આઇલૅન્ડથી ૧૦૦ મીટર દૂર આવેલા પબ્લિક ટૉઇલેટને ટેમ્પરરી ટ્રાફિક આઇલૅન્ડમાં મહાનગરપાલિકાએ શિફ્ટ કર્યું હતું. આ રસ્તા રિપરિંગનું કામ પતી ગયા પછી પણ આ ટૉઇલેટ એ જ જગ્યાએ રહેવા દેતાં કસ્તુરબા ગાંધી ચોકના આસપાસના વિસ્તારોના રહેવાસીઓની લાગણી દુભાઈ રહી છે, પરંતુ મહાનગરપાલિકા એને ત્યાંથી હટાવવા હવે તૈયાર નથી એટલે અમે ગાંધીજીના જન્મદિવસે આ ચોક પર ધરણાં કર્યા હતાં.’

આ વિસ્તારના દુકાનદારો અને મહાનગરપાલિકાના અધિકારીઓ અમીન પટેલની આ વાત સાથે સહમત નથી. આનાથી ઉગ્ર થયેલા અમીન પટેલ હવે આ મુદ્દે મહાનગરપાલિકાના કમિશનર સામે વિરોધ નોંધાવશે એવી તેમણે જાહેરાત કરી છે.