કૉન્ગ્રેસે હવે સંજય રાઉત સામે સત્તાવાર ફરિયાદ કરી

04 April, 2021 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વારંવાર યુપીએના અધ્યક્ષપદે શરદ પવારને બેસાડવાની ભલામણ કરનારા સંજય રાઉતને ઉદ્ધવ ઠાકરેએ ઠપકો આપવો જોઈએ એવી માગણી પ્રધાનોએ એચ. કે. પાટીલ સમક્ષ કરી હતી

સંજય રાઉત

યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (યુપીએ)ના અધ્યક્ષપદે સોનિયા ગાંધીના સ્થાને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારને બેસાડવાની વારંવાર ભલામણ કરનારા સંસદસભ્ય સંજય રાઉતને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ સમજાવવા જોઈએ એવી માગણી કૉન્ગ્રેસના રાજ્ય સ્તરના નેતાઓએ મોવડીમંડળ સમક્ષ કરી હતી. ગઈ કાલે અખિલ ભારતીય કૉન્ગ્રેસ સમિતિનો મહારાષ્ટ્રનો અખત્યાર સંભાળતા મહામંત્રી એચ. કે. પાટીલના નેતૃત્વમાં પક્ષના રાજ્ય સ્તરના નેતાઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મળીને યુપીએ તથા કૉન્ગ્રેસની બાબતોમાં વણમાગી સલાહો ન આપવાની સૂચના સંજય રાઉતને આપવાનો અનુરોધ કર્યો હતો.

આધારભૂત સૂત્રોએ આપેલી માહિતી અનુસાર વારંવાર યુપીએના અધ્યક્ષપદે શરદ પવારને બેસાડવાની ભલામણ કરનારા સંજય રાઉતને ઉદ્ધવ ઠાકરેએ ઠપકો આપવો જોઈએ એવી માગણી પ્રધાનોએ એચ. કે. પાટીલ સમક્ષ કરી હતી. કૉન્ગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે ‘હાલમાં અજંપાના માહોલ અને કોરોના રોગચાળાની સમસ્યા વચ્ચે બિનજરૂરી ​બયાનો આપીને શિવસેનાના પ્રવક્તા સંજય રાઉત મહારાષ્ટ્ર વિકાસ આઘાડીના ઘટક પક્ષો વચ્ચે અવિશ્વાસ અને વૈમનસ્યનું વાતાવરણ ઊભું કરે છે. તેમને ઓછું બોલવાની સૂચના આપવાની, સમજાવવાની, ઠપકો આપવાની જરૂર છે.’

mumbai news mumbai congress shiv sena