કાંદિવલીમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે ડાયરો-વૉર

23 December, 2012 04:44 AM IST  | 

કાંદિવલીમાં બીજેપી અને કૉન્ગ્રેસ વચ્ચે ડાયરો-વૉર



સપના દેસાઈ

મુંબઈ, તા. ૨૩

રાજકારણીઓ પોતાના મતદારોને રીઝવવા માટેનો એક પણ મોકો છોડવા નથી માગતા અને હવે તેમણે ડાયરાનું માધ્યમ શોધી કાઢ્યું છે. પહેલાં ડાયરો લોકગીતો માટેનું અને લોકોના મનોરંજન માટેનું માધ્યમ હતું, પણ હવે ડાયરો રાજકારણનું પ્લૅટફૉર્મ બની ગયો છે. ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતા મલાડથી બોરીવલી વચ્ચે સોમવારે એક જ દિવસે ચાર-ચાર ડાયરા યોજાઈ રહ્યા છે અને એમાં કાંદિવલીમાં તો ડાયરાનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે. બીજેપીએ ફક્ત ડાયરો રાખ્યો છે તો કૉન્ગ્રેસ એનાથી એક પગલું આગળ વધીને જમણવાર રાખીને વધુમાં વધુ શ્રોતાઓને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરી રહી છે જે લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

કાંદિવલી (વેસ્ટ)માં વિધાનસભ્ય યોગેશ સાગરે આવતી કાલે શાંતિલાલ મોદી રોડ પર ભૂરાભાઈ આરોગ્ય ભવનમાં સાંજે છથી બાર વાગ્યા સુધી લોકડાયરો અને સંતવાણીનું આયોજન કર્યું છે. એની સામે નૉર્થ મુંબઈના સંસદસભ્ય અને કૉન્ગ્રેસના નેતા સંજય નિરુપમે એ જ દિવસે કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગરમાં કદમવાડી ગ્રાઉન્ડમાં સાંજે છ વાગ્યાથી કાઠિયાવાડી કસુંબલ ડાયરો અને હાસ્ય-દરબાર તથા સ્નેહ-સંમેલન રાખ્યું છે અને એમાં તેમણે શ્રોતાઓ માટે અસલ કાઠિયાવાડી જમણ રાખ્યું છે.

સંજય નિરુપમના માર્ગદર્શનમાં ડાયરાનું આયોજન કરનારા હેમંત ગોલેરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા ડાયરામાં અમે કાઠિયાવાડી જમવાનું રાખ્યું છે. એમાં ગરમાગરમ રોટલો અને ઓળો હશે. ડાયરો સાંભળવા ભાઈ-બહેનો સાંજે છ વાગ્યાથી રાતે બાર વાગ્યા સુધી બેસશે એટલે અમે તેમને ભૂખ્યા રાખવા નથી માગતા.’

સંજય નિરુપમના ડાયરાનું આયોજન અને તેમણે રાખેલા જમણવાર વિશે યોગેશ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું તો છેલ્લાં અનેક વર્ષોથી ડાયરો રાખતો આવ્યો છું. હું સંસ્કૃતિને જીવંત રાખવા માટે ડાયરો રાખું છું. એનાથી લોકોને સંસ્કાર મળે છે, પણ જેમની પાસે પોતાની સંસ્કૃતિ ન હોય તેઓ બીજાની સંસ્કૃતિને શું માન આપશે? સંજય નિરુપમે તો ફક્ત લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ડાયરો રાખ્યો છે અને જ્યાં સુધી તેઓ જમવાનું આપીને પોતાના ડાયરામાં લોકોનાં ટોળાં ઊભાં કરવા માગે છે તો એની સામે મારો ફક્ત એક જ જવાબ છે કે ગુજરાતીઓ મારા બાપના દીકરા છે એટલે તેમને જમવાનું આપું કે ન આપું એ મારી મરજીની વાત છે. ગુજરાતીઓ તેને નહીં પણ પહેલાં મને જ વહાલ કરવાના છે.’

યોગેશ સાગરના આક્ષેપો સામે ગયા વર્ષથી ડાયરાનું આયોજન કરનારા સંજય નિરુપમે કહ્યું હતું કે ‘ઇલેક્શન અને વોટર્સને રીઝવવા જેવી વાતો બકવાસ છે. ડાયરો રાખવો એ કંઈ બીજેપીનો કૉપીરાઇટ નથી. ગુજરાતીઓનું પોતાનું સમૃદ્ધ લોકસંગીત છે અને આવો લોકપ્રિય કાર્યક્રમ અમે રાખીએ તો એમાં શું થયું છે? બીજેપીનું જોઈ-જોઈને આવા કાર્યક્રમો અમે પણ રાખીએ અને લોકો માટે જમવાનું રાખીએ એમાં મને કંઈ ખોટું નથી લાગતું.’

ડાયરાની મોસમ છલકે : બીજેપી દ્વારા આજે બોરીવલીમાં તથા કાલે બીજા ત્રણ કાર્યક્રમ

બીજેપીના નગરસેવક ડૉ. રામ બારોટે પણ સોમવારે સાંજે સાતથી બાર વાગ્યા દરમ્યાન મલાડ (ઈસ્ટ)માં રામલીલા મેદાનમાં ભજનસંધ્યા અને ડાયરાનું આયોજન કર્યું છે. ડાયરાના આયોજન બાબતે ડૉ. રામ બારોટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું છેલ્લાં પચીસેક વર્ષથી ડાયરાનું આયોજન કરતો આવ્યો છું. પહેલાં હું દશેરાના દિવસે ડાયરો રાખતો હતો; પણ છેલ્લાં દસેક વર્ષથી ૨૪ ડિસેમ્બરે રાખું છું, કારણ કે એ દિવસે રાતના બાર વાગ્યા સુધીનો સમય મળે છે. મારું જોઈને બાકીના લોકોએ પણ લોકોને રીઝવવા માટે ડાયરાનું માધ્યમ શોધી લીધું છે.’

આ વર્ષે પહેલી વાર બીજેપીના મુંબઈના મહાસચિવ અતુલ ભાતખળકરે પણ સોમવારે કાંદિવલી (ઈસ્ટ)માં અશોકનગર મ્યુનિસિપલ સ્કૂલના મેદાનમાં ડાયરાનું આયોજન કર્યું છે. તેમના ડાયરામાં પણ લોકો માટે ચા-પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ચાર ડાયરા સોમવારે યોજાઈ રહ્યા છે ત્યારે બોરીવલીના નગરસેવક પ્રવીણ શાહના પુત્ર નૈનેશે બોરીવલી (વેસ્ટ)ના વીર સાવરકર ઉદ્યાનમાં આજે સાંજે છ વાગ્યે ડાયરો અને ભજનસંધ્યાનું આયોજન કર્યું છે. જોકે આ ડાયરાનું આયોજન પાછલે બારણે વિધાનસભ્ય ગોપાલ શેટ્ટીએ જ કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિધાનસભ્ય યોગેશ સાગરના ડાયરાના એક દિવસ પહેલાં એટલે કે રવિવારે ડાયરાનું આયોજન થતાં બીજેપીના કાર્યકરોમાં ડાયરો આગળ-પાછળ રાખવો એ ચર્ચાનો વિષય બની ગયો છે. બીજેપીના કાર્યકરોમાં તો એટલે સુધી ચર્ચા થઈ રહી છે કે યોગેશ સાગરની સાથે જ ગોપાલ શેટ્ટી પણ બીજેપી તરફથી ઉત્તર-મુંબઈની સંસદની બેઠક લડવા ઇચ્છુક હોવાથી તેમણે અત્યારથી ડાયરાના માધ્યમથી લોકોને રીઝવવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે ગોપાલ શેટ્ટીનો કૉન્ટૅક્ટ કરવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘ફક્ત ડાયરો રાખીને ગુજરાતીઓનો વોટ મેળવવો એ હાસ્યાસ્પદ વાત છે. હું અનેક વર્ષોથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું. લોકોને ઇમ્પ્રેસ કરવા મને ડાયરાનું આયોજન કરવાની જરૂર લાગતી નથી.’

સોમવારે ઘાટકોપર (ઈસ્ટ)માં વિધાનસભ્ય પ્રકાશ મહેતાના નેતૃત્વમાં બીજેપી-ઘાટકોપરે પણ કીર્તિદાન ગઢવીના ડાયરાનું આયોજન કર્યું છે. તિલક રોડ પર આવેલી ગુરુકુળ હાઈ સ્કૂલમાં સાંજે સાત વાગ્યાથી મોડી રાત સુધી આ ડાયરો ચાલશે જેમાં ચા-પાણીની સાથે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ડાયરામાં પ્રવેશ ફ્રી છે.