નરેન્દ્ર મોદીના નિવેદન સામે કૉન્ગ્રેસી કાર્યકરો રસ્તા પર

10 October, 2012 08:46 AM IST  | 

નરેન્દ્ર મોદીના નિવેદન સામે કૉન્ગ્રેસી કાર્યકરો રસ્તા પર



મુલુંડ-વેસ્ટમાં એસએલ રોડ અને એમજી રોડના જંક્શન પર આવેલા કૉન્ગ્રેસના કાર્યાલય પાસે મુંબઈ નૉર્થ ઈસ્ટ જિલ્લાના કૉન્ગ્રેસી કાર્યકરોએ ગુરુવારે ૪ ઑક્ટોબરે બપોરે ૩ વાગ્યે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સોનિયા ગાંધી વિરુદ્ધ કરેલા આક્ષેપો સામે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને ‘જૂઠા હૈ ભાઈ જૂઠા હૈ નરેન્દ્ર મોદી જૂઠા હૈ’ તેમ જ ‘નરેન્દ્ર મોદી માફી માગો’ના નારા લગાવ્યા હતા.

આ વિરોધ-પ્રદર્શન વિશે કૉન્ગ્રેસના મુંબઈ નૉર્થ ઈસ્ટ જિલ્લાના સેક્રેટરી રાજેશ ઇંગળેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના ઇલાજ માટે સરકારના ૧૮૮૦ કરોડ રૂપિયા ખર્ચ કર્યા હોવાનો ખોટો આરોપ નરેન્દ્ર મોદીએ કર્યો હોવાથી અમે કૉન્ગ્રેસના કાર્યકરોએ ગુરુવારે મુલુંડમાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું. કૉન્ગ્રેસના વિરોધ પ્રદર્શનમાં હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા. નરેન્દ્ર મોદીના આ આક્ષેપ પછી સીઆઇસી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કૉન્ગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાના ઇલાજ માટે સરકારના પૈસામાંથી કોેઈ ખર્ચ કર્યો નથી તેમ જ તેમણે પોતાના ઇલાજમાં થયેલા ખર્ચની ભરપાઈ માટે પણ સરકારને કોઈ અરજી નથી કરી.’

સેક્રેટરી રાજેશ ઇંગળેએ ઉમેર્યું હતું કે ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદીએ જનતાનું ધ્યાન પોતાની તરફ આકર્ષવા માટેના હેતુથી આ કાવતરું કર્યું છે. આ વિરોધ-પ્રદર્શનમાં બ્લૉક કૉન્ગ્રેસના અધ્યક્ષ વિજય હડકર, યુવા કૉન્ગ્રેસના સેક્રેટરી સંતોષ સોનવણે, મુલુંડ યુવા કૉન્ગ્રેસના અધ્યક્ષ ડૉ. સચિન સિંહ વગેરે નેતાઓ હાજર રહ્યા હતા. એ સિવાય પ્રમોદ યાદવ, રમેશ શર્મા, અશોક સરવૈયા, મુન્ના યાદવ, સતીશ સોનવણે, રાજન નવલે, એન. વદીવેલ, પ્રકાશ જાધવ, ક્રિષ્ના શર્મા, રાજુ કદમ, અશોક ગાયકવાડ, શાનુ શેખ, હરીશ ગુપ્તા, સંજય ઝા, ગણેશ નિકમ, બડકન ખાન, અનિલ સિંહ, બાલુ નટરાજન, દિલીપ કોટક, રાજન અરોસન વગેરે કૉન્ગ્રેસના કાર્યકરો પણ વિરોધ-પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. જોકે વિરોધ-પ્રદર્શન કરનારા કૉન્ગ્રેસીઓની પોલીસે ધરપકડ કરી હતી અને બાદમાં છોડી મૂક્યા હતા.