NCPએ મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને સોંપી દીધી : ચવાણ

07 October, 2014 05:25 AM IST  | 

NCPએ મહારાષ્ટ્રમાં સત્તાની ચાવી પરોક્ષ રીતે નરેન્દ્ર મોદીને સોંપી દીધી : ચવાણ



વિધાનસભાની ચૂંટણી પહેલાં જ સીટ-શૅરિંગના મુદ્દે ૧૫ વર્ષ જૂની કૉન્ગ્રેસ-NCPની યુતિ તૂટ્યા બાદ NCPએએ ટેકો પાછો ખેંચી લેતાં રાજ્યમાં કૉન્ગ્રેસના વડપણ હેઠળની પૃથ્વીરાજ ચવાણની સરકાર ઘરભેગી થઈ અને રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લદાયું. આની કળ વળ્યા બાદ હવે ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે NCPએ સામે મોરચો ખોલતાં કહ્યું હતું કે ‘સરકાર ગબડાવીને NCPએ રાજ્યમાં રાષ્ટ્રપતિશાસન લાવી અને પરોક્ષ રીતે રાજ્યની સત્તાની ચાવી નરેન્દ્ર મોદીને સુપરત કરી દીધી. આ કારસો NCPએ અને BJPએ સાથે મળીને ઘડ્યો હોવાનું લાગે છે.’

પ્રાઇમ મિનિસ્ટરની ટીકા કરતાં ચવાણે નંદુરબારની સભામાં પ્રશ્ન કર્યો હતો કે ‘નરેન્દ્ર મોદી દેશના પ્રાઇમ મિનિસ્ટર છે કે ગુજરાતના? મહારાષ્ટ્રના કેટલાય પ્રોજેક્ટ્સ ગુજરાતમાં કેમ પગ કરી રહ્યા છે?’

બાદમાં નાશિકમાં સભા દરમ્યાન ચવાણે કહ્યું હતું કે ‘સ્થિર સરકાર આવે તો જ વિકાસ થઈ શકે. ૧૫ વર્ષ રાજ્યમાં કૉન્ગ્રેસની યુતિ સરકાર હોવાથી સરકાર ટકાવી રાખવામાં જ સમય વેડફાયો હતો.’

યુતિઓ તૂટ્યા બાદ હવે ચૂંટણીનાં ત્રિશંકુ પરિણામો આવશે તો પાર્ટીઓ વચ્ચે વિધાનસભ્યોના સોદા થવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.