વેપારીઓ અને વેપારી સંગઠનો નરેન્દ્ર મોદી અને અમિત શાહને ઈમેઇલ કરે

13 March, 2024 11:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સે કરી આવી અપીલ : નવા ૪૩(બી) એચ નિયમના અમલીકરણને સ્થગિત કરવાની માગણી

ફાઇલ તસવીર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ દ્વારા દેશભરના વેપારીઓને અને વેપારી સંગઠનોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ઈમેઇલ કરીને કહે કે પેમેન્ટ‌ની ૪૫ ‌દિવસની અંદરની ચુકવણીના નિયમને અને આવકવેરાની કલમ ૪૩(બી) એચની આડઅસરોને જ્યાં સુધી સુધારવામાં ન આવે ત્યાં સુધી આ નિયમને સ્થગિત કરવામાં આવે. એવી પણ અપીલ કરવામાં આવી છે કે નરેન્દ્ર મોદીને અને અમિત શાહને pro.pmo@gov.in, pmo@nic.in, appt.pmo@gov.in અને hm@nic.in પર ઈમેઇલ  કરીને કહો કે પહેલાં વેપારીઓની તકલીફ સમજો, સુધારા કરો અને પછી અમલીકરણ કરો

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મુંબઈ યુનિટના ચૅરમૅન રમણીક છેડાએ આ બાબતમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા વરિષ્ઠ નેતાઓ દિલ્હીના વરિષ્ઠ નેતાઓને આ નિયમને હાલમાં મુલતવી રાખવા સતત વિનંતી કરી રહ્યા છે. આ માટે અનેક સંબંધિત ‌વિભાગોના અધિકારીઓ સાથે અનેક વાર મુલાકાત કરીને આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમને વેપારીઓની આ નિયમથી થઈ રહેલી તમામ ચિંતાઓથી વાકેફ કર્યા છે. બજારમાં એવા ઘણા વ્યવસાયો છે જ્યાં લાંબા સમય સુધી ઉધાર લેવું એ વ્યવસાયનો અભિન્ન ભાગ છે. આ સિસ્ટમમાં ફેરફાર થવાથી મોટી કંપનીઓ નાના વેપારીઓ પાસેથી માલ નહીં ખરીદે એવી પરિસ્થિતિનું ઑલરેડી નિર્માણ થઈ ચૂક્યું છે. ઘણા મોટા ખરીદદારોએ નાના ઉદ્યોગો પાસેથી સામાન ખરીદવાનું બંધ કરી દીધું છે.’

રમણીક છેડાએ વધુમાં કહ્યું હતું કે ‘આના કારણે ઘણા માઇક્રો અને સ્મૉલ ઉદ્યોગોનો વ્યવસાય બંધ થઈ ગયો છે. આવી જ સ્થિતિ રહી તો બે મહિનાની અંદર અનેક ઉદ્યોગોને નૉન-પર્ફોર્મિંગ અસેટ્સ (એનપીએ) તરીકે જાહેર કરવામાં આવી શકે છે. એનપીએ એ મૉર્ગેજ અથવા ઍડ્વાન્સ છે જેના સંબંધમાં વ્યાજ અથવા મુદ્દલની નેવું દિવસમાં ચુકવણી કરવાની હોય છે. આ ૯૦ દિવસનો સમયગાળો પ્રમાણભૂત સમયમર્યાદા છે. આવી એનપીએને બૅડ લોન પણ કહેવાય છે.’

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ, મુંબઈ યુનિટના અધ્યક્ષ દિલીપ મહેશ્વરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ નિયમના ફાયદા અને ગેરફાયદા પર પુનર્વિચાર કરવા માટે સમય આપીને તેમને આ કાયદો એક વર્ષ અથવા ઓછામાં ઓછા છ મહિના માટે મુલતવી રાખવા કેન્દ્ર સરકારને વિનંતી કરવાની આવશ્યકતા છે. આથી અમે અમારા બધા જ વેપારીઓ અને વેપારી સંગઠનોને પોતપોતાની સમસ્યાઓ અને એના અમલી ઉકેલો સમજાવતી ઈ-મેઇલ નરેન્દ્ર મોદી અને અમિત શાહને મોકલવાની અપીલ કરી છે. બધાં જ સંગઠનો આ ઈ-મેઇલની કૉપી કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સની ઈ-મેઇલ caitmumbaiunit@gmail.com પર મોકલી આપે.’

આની સામે ધ ક્લોધિંગ મૅન્યુફૅક્ચરર્સ અસોસિએશન ઑફ ઇ​ન્ડિયાના અધ્યક્ષ રાજેશ માસંદે પુનઃ ઉચ્ચાર કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા અસોસિએશને પહેલા દિવસથી જ કેન્દ્ર સરકાર પાસે માગણી કરી છે કે તમે લાગુ કરેલા નિયમના અમલીકરણને એક વર્ષ માટે સ્થગિત રાખો અને એનો તબક્કાવાર અમલ કરો.

પ્રથમ વર્ષ માટે ૯૦ દિવસ, બીજા વર્ષ માટે ૬૦ દિવસ અને ત્રીજા વર્ષે એને ઘટાડીને ૪૫ દિવસ કરો. આ રીતે ત્રણ વર્ષમાં લોકો વધારાનું ભંડોળ લાવી શકશે અને નાના ઉત્પાદકો કાર્યકારી મૂડીની અછતને પણ વ્યવસ્થિત રીતે મૅનૅજ કરી શકશે.’

narendra modi amit shah caa 2019 citizenship amendment act 2019 gujarati mid-day mumbai mumbai news