વિનાયક મેટે અકસ્માત કેસની CID તપાસ કરાવો: મુખ્યપ્રધાન એકનાથ શિંદેનો આદેશ

17 August, 2022 06:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિનાયક મેટેની પત્ની જ્યોતિ મેટેએ સવાલ કર્યો છે કે અકસ્માતના બે કલાકમાં શું થયું? આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગણી પણ કરી છે

ફાઇલ તસવીર

શિવસંગ્રામના દિવંગત નેતા વિનાયક મેટેનું અકસ્માતને કારણે નિધન થયું છે. અકસ્માત બાદ અનેક સવાલો ઊભા થયા હતા, જે બાદ મુખ્યપ્રધાન એકનાથ શિંદે વિનાયક મેટેના અકસ્માતે મોતની સીઆઈડી તપાસના આદેશ આપ્યા છે. મુખ્યપ્રધાને પોલીસ મહાનિર્દેશકને આ આદેશ આપ્યો છે.

વિનાયક મેટેની પત્ની જ્યોતિ મેટેએ સવાલ કર્યો છે કે અકસ્માતના બે કલાકમાં શું થયું? આ અંગે તપાસ થવી જોઈએ તેવી માગણી પણ કરી છે. આ રીતે હવે સોશિયલ મીડિયા પર એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. આ ઓડિયો ક્લિપમાં અવાજ અણ્ણાસાહેબ મૈકરનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે જે અકસ્માત પહેલાં વિનાયક મેટે સાથે હતા અને તેમની નજીક હતા, જે બાદ મેટેના આકસ્મિક મૃત્યુને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું છે.

વિનાયક મેટેની કારને 14 ઑગસ્ટના રોજ સવારે 5 વાગ્યે મુંબઈ પુણે એક્સપ્રેસ હાઈવે પર એક ભયાનક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં તેમનું કમનસીબે મોત થયું હતું. આ પછી મુખ્યપ્રધાને શિંદે તરત જ નવી મુંબઈની એમજીએમ હોસ્પિટલમાં ગયા હતા. તે સમયે મીડિયા સાથે વાત કરતાં તેમણે જાહેરાત કરી હતી કે મૃત્યુની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. તે મુજબ, આજે તેમણે રાજ્યના પોલીસ મહાનિર્દેશક રજનીશ સેઠને મૃત્યુની સીઆઈડી તપાસ કરવા અને તેના તારણો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

દરમિયાન, વિનાયક મેટેના ભત્રીજા બાળાસાહેબ ચવ્હાણે મેટેના ડ્રાઇવર પર શંકા કરી છે અને તપાસની માગ કરી છે. વિનાયક મેટેનો ડ્રાઈવર હાલ પોલીસ કસ્ટડીમાં છે. મેટેના ભત્રીજાએ આક્ષેપ કર્યો છે કે વિનાયક મેટેનો ડ્રાઈવર અલગ-અલગ જવાબો આપી રહ્યો છે. એવો પણ આરોપ છે કે મેટેના ડ્રાઇવરે લોકેશન પૂછ્યું હતું અને તેણે જવાબ આપ્યો ન હતો.

mumbai mumbai news maharashtra eknath shinde