ગંધાતાં બાથરૂમ-ટૉઇલેટની સાફસફાઈ કરવાની ફરિયાદ બહેરા કાને અથડાઈ

25 September, 2020 08:19 AM IST  |  Mumbai | Mehul Jethva

ગંધાતાં બાથરૂમ-ટૉઇલેટની સાફસફાઈ કરવાની ફરિયાદ બહેરા કાને અથડાઈ

બાથરૂમું સફાઈકામ કરતા દરદીઓ.

કોરોના મહામારીમાં બીએમસીએ અનેક તૈયારીઓ કરી હતી જેમાં પાલિકા દ્વારા મુંબઈમાં મોટાં જમ્બો કોવિડ સેન્ટર શરૂ કર્યાં છે, પણ એમાં જરૂરી સુવિધા આપવામાં પાછળ રહી છે એવી મુલુંડની એક ઘટના સામે આવી છે. મુલુંડના જમ્બો કોવિડ સેન્ટરમાં સી-હૅન્ગરમાં બાથરૂમમાં અનેક સમસ્યા હોવાથી ત્યાંના દરદીઓએ અહીંના મૅનેજમેન્ટને આ સંબંધે વારંવાર ફરિયાદ કરી હતી, પણ તેઓ એના પર જરાય ધ્યાન આપતા ન હોવાથી અહીંના દરદીઓએ પોતે બાથરૂમ-ટૉઇલેટની સાફસફાઈ કરી હતી.
મુલુંડ-વેસ્ટમાં રિચર્ડસન ઍન્ડ ક્રુડાસમાં બીએમસીનું જમ્બો કોવિડ સેન્ટરની છે, જેમાં ‘એ’થી શરૂ કરીને ‘ડી’ સુધીનાં ૪ અલગ હૅન્ગરની સ્થાપના થઈ છે અને એમાં આશરે ૭૫૦ કરતાં વધુ દરદીઓ સારવાર લઈ રહ્યા છે. બુધવારે સી-હૅન્ગરમાં આવેલા બાથરૂમની હાલત તદ્દન ખરાબ થતાં અહીંના દરદીઓએ મૅનેજમેન્ટને ફરિયાદ કરી હતી. ચાર-પાંચ વખત ફરિયાદ કરતાં પણ એનો નિવેડો ન આવતાં ગુરુવારે સવારે અહીંના ૫૦ જેટલા દરદીઓએ ભેગા મળીને બાથરૂમ-ટૉઇલેટની સાફસફાઈ કરી હતી.
રિચર્ડસન ઍન્ડ ક્રુડાસમાંના પાલિકાના જમ્બો કોવિડ સેન્ટરના મુખ્ય ડૉક્ટર પ્રદીપ આંગ્રએ જણાવ્યું હતું કે ‘અહીં બુધવારે રાતે સી-હૅન્ગરના બાથરૂમની ડ્રેનેજલાઇન તૂટી ગઈ હતી. રાત હોવાથી એને માટેનો જરૂરી સામાન મળી શક્યો નહોતો એટલે કામમાં મોડું થયું હતું. હાલમાં અહીં બધું બરોબર છે.

રિચર્ડસન ઍન્ડ ક્રુડાસમાંના બીએમસીના જમ્બો કોવિડ સેન્ટરમાં પહેલા દિવસથી જ મિસમૅનેજમેન્ટ થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મને મળી છે. પાલિકા અને પ્રશાસન આ કોવિડ સેન્ટર બાબતે અનેક ચીજોમાં આંખ આડા કાન કરી રહ્યાં હોવાનું વારંવાર સામે આવ્યું છે. - મિહિર કોટેચા, મુલુંડના એમએલએ

ફરિયાદ કર્યા છતાં અહીંના મૅનેજમેન્ટે આના પર ધ્યાન આપ્યું નહોતું એટલે અમારે પોતે સાફસફાઈ કરવી પડી.
- તેજસ શાહ, પેશન્ટ

અહીં સ્ટાફની અછતને લીધે અમારે બાથરૂમની સાફસફાઈ કરવી પડી હતી. . બાથરૂમ વગર તો દરેક જણે પરેશાની ભોગવવી પડતી હતી.
- રાહુલ શાહ, પેશન્ટ

પાલિકા પાસે સ્ટાફની અછત હોવાથી આ કામ અટકી ગયું હતું. બાથરૂમ બરાબર ન હોવાથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડતો હતો.
- નિમિત્ત છેડા, પેશન્ટ

mumbai mumbai news mulund