17 February, 2026 08:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાશિક ગ્રામીણ પોલીસે સોમવારે જણાવ્યું હતું કે ૪૦૦ કરોડ રૂપિયાની કૅશ લઈને જતી ટ્રકમાંથી ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કરીને હુમલો કર્યો હોવાની ડ્રાઇવરે નોંધાવેલી ફરિયાદ ખોટી હતી અને આવી કોઈ ઘટના નથી બની. આ કેસમાં ધરપકડ કરાયેલી તમામ ૭ વ્યક્તિઓને ઇગતપુરી કોર્ટે મુક્ત કર્યા છે અને નકલી ફરિયાદ બદલ ટ્રક-ડ્રાઇવર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે એમ એક ઑફિસરે જણાવ્યું હતું.
ટ્રક-ડ્રાઇવર સંદીપ પાટીલે ઘોટી પોલીસને જણાવ્યું હતું કે ગયા વર્ષે બાવીસમી ઑક્ટોબરે ૭ વ્યક્તિઓએ તેનું અપહરણ કર્યું હતું અને તેમના પર ૪૦૦ કરોડ રૂપિયાની નોટો ધરાવતી ટ્રક લૂંટવાનો આરોપ લગાવ્યો એ પછી તપાસ શરૂ થઈ હતી. પોલીસ-ઑફિસરે વિગત આપતાં કહ્યું હતું કે ‘સંદીપ પાટીલે દાવો કર્યો હતો કે પાડોશી કર્ણાટકના બેલગામ જિલ્લાના ચોરલા ઘાટ વિસ્તારમાં મારા પર હુમલો થયો હતો એના પગલે મહારાષ્ટ્રની પોલીસને પણ ચેતવણી આપવામાં આવી હતી. તેણે દાવો કર્યો હતો કે ટ્રક કર્ણાટકથી મહારાષ્ટ્ર હવાલાના પૈસા લઈને જઈ રહી હતી. તેણે સોશ્યલ મીડિયા પર પોતાનો વિડિયો અપલોડ કર્યો હતો. અમે પાટીલ પર હુમલો કરવા બદલ ૭ જણની ધરપકડ કરી હતી. જોકે ટ્રક વિશેની તપાસમાં પાટીલની વાર્તા જેમાં રૂટ, કૉલ-રેકૉર્ડ, સમય વગેરેનો સમાવેશ થાય છે એમાં ગાબડાં પડ્યાં હતાં. ઇગતપુરી કોર્ટે ધરપકડ કરેલા તમામ ૭ જણને મુક્ત કર્યા છે.’
નાશિક ગ્રામીણ પોલીસ ખોટી ફરિયાદ સંદર્ભે આગળનું પગલું ભરવાનું વિચારી રહી છે.