ફરજ પર હાજર ન રહેનાર બોરીવલીના ૬ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

29 June, 2020 04:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફરજ પર હાજર ન રહેનાર બોરીવલીના ૬ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ

પ્રતીકાત્મક તસવીર

અનેક ચેતવણીઓ છતાં ફરજ પર હાજર ન રહેવા અને પોલીસ સ્ટેશનમાં જાણ ન કરવા બદલ છ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફોજદારી કેસ નોંધવામાં આવ્યો છે. બોરીવલી પોલીસ સ્ટેશન સાથે જોડાયેલા ૬ કર્મચારીઓને અગાઉ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તપાસ માટે હાજર રહેવા જણાવ્યું હતું. જોકે તેઓ હાજર રહ્યા નહોતા. રાજ્યમાં કોરોનાના ચેપ જોતા આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે હાજર રહેવું ફરજિયાત છે.

બોરીવલી પોલીસ સ્ટેશનના જ્ઞાનેશ્વર પાટીલ પોલીસ નાઇક, જે ફરજ સોંપવામાં અને અન્ય વહીવટી કામોની દેખરેખ રાખે છે તેની ફરિયાદ પર પ્રથમ માહિતી અહેવાલ (એફઆઇઆર) નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓની ઓળખ પોલીસ નાઇક પ્રદીપ અગાવાણે અને પ્રશાંત ભોસાલે, કૉન્સ્ટેબલ હરીશચંદ્ર ભોસાલે, વિશ્વનાથ નામદાર, પ્રદીપકુમાર બાબર અને પ્રિયંકા ચવ્હાણ તરીકે થઈ છે.  છ આરોપી કર્મચારીઓ લાંબા સમય સુધી ગેરહાજર રહ્યાં છે. બોરીવલી પોલીસ મથક અને ઝોનલ ડેપ્યુટી કમિશનર પોલીસ દ્વારા તેમને અનેક નોટિસ ફટકારી હતી, પરંતુ તેમાંના કોઈએ પ્રતિક્રિયા આપી નહોતી. છમાંથી મહિલા કૉન્સ્ટેબલ ચવ્હાણ ૨૦૧૮થી ગેરહાજર છે.

બોરીવલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે આરોપીને કોલ પણ કર્યા હતા પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો. પોલીસ કર્મચારીઓને તપાસ માટે હાજર રહેવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેઓએ ગેરહાજર રહેવાનું ચાલુ રાખ્યું હતું, જેને પગલે વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમની વિરુદ્ધ ફોજદારી કેસ નોંધાવવાનો નિર્ણય કર્યો હતો. તેમના પર મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૧૪૫ (પોલીસ અધિકારીઓ દ્વારા ગેરવર્તન) અને ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ ૨૦૦૫ની કલમ ૫૬ (ફરજ પરના અધિકારીની નિષ્ફળતા) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

coronavirus covid19 lockdown mumbai mumbai news borivali mumbai police