બહારગામની ટ્રેનોમાં કોવિડના નિયમોનું ઉલ્લંઘન થાય તો રેલવે પ્રધાનને ફરિયાદ કરો

27 July, 2021 12:05 PM IST  |  Mumbai | Priti Khuman Thakur

એક પ્રવાસીએ ટ્વિટર પર ફરિયાદ કરતાં રેલવે મિનિસ્ટ્રીએ ત્વરિત ઍક્શન લઈને કેટરિંગ કૉન્ટ્રૅક્ટરને ૫૦૦૦૦ રૂપિયાનો દંડ કર્યો

એક્સપ્રેસ ટ્રેનમાં માસ્ક વગર ઘુસી ગયેલો ભીખારી.

વસઈના એક જાગ્રત રેલવે પ્રવાસી દ્વારા નિયમનું ઉલ્લંઘન કરનાર કેટરિંગ કૉન્ટ્રૅક્ટર વિશે ટ્વિટરના માધ્યમથી ફરિયાદ કરાતાં કૉન્ટ્રૅક્ટરને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. રામનગર એક્સપ્રેસમાં પાણીની કિંમત વધારીને વેચવામાં આવી રહી હતી, રેલવે કર્મચારીએ માસ્ક લગાડ્યું નહોતું એટલું જ નહીં કૉન્ટ્રૅક્ટરના કર્મચારી ટ્રેનમાં ધૂમ્રપાન કરી રહ્યા હતા. આ બાબતે રેલવે પ્રવાસીએ નવા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ટ્વીટ કરીને ફરિયાદ થયા બાદ આઇઆરસીટીસીએ કૉન્ટ્રૅક્ટરને દંડ ફટકારીને કાર્યવાહી કરી હતી. 
વસઈ-ઈસ્ટના વસંતનગરીના ૪૧ વર્ષના રહેવાસી હોશિયાર ડેસોનીએ કેટરિંગ કૉન્ટ્રૅક્ટરના કર્મચારીઓ અંગે નવા નિયુક્ત કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવને ટ્વીટ કરીને ૦૯૦૭૬ અપ-રામનગરથી બાંદરા ટર્મિનસના એ-વન કોચમાં કોવિડ-19 પ્રોટોકોલનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું કહ્યું હતું. રેલવે પ્રધાને ફરિયાદ પર ઝડપી કાર્યવાહી કરી અને ભારતીય રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કૉર્પોરેશન (આઇઆરસીટીસી)એ કૉન્ટ્રૅક્ટરને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. 
ફરિયાદીના જણાવ્યા પ્રમાણે ‘મેં ઉત્તરાખંડના લાલ કુઆન સ્ટેશનથી વસઈ માટે ટ્રેન પકડી હતી અને હું અૅરકન્ડિશન કોચમાં હતો. પ્રવાસ દરમ્યાન મેં જ્યારે પૅકેજ્ડ ફૂડ અને પાણીનો ઓર્ડર આપ્યો ત્યારે આઇઆરસીટીસીના કૉન્ટ્રૅક્ટર દ્વારા વધુ ચાર્જ લેવાઈ રહ્યો હોવાનું મારા ધ્યાનમાં આવ્યું હતું. એટલું જ નહીં તમાકુના ઉત્પાદનો પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં ખુલ્લેઆમ તેઓ ગુટકા વેચતા હતા તેમ જ કોઈ કર્મચારીઓએ માસ્ક પહેર્યા નહોતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમનું પણ ઉલ્લંઘન કરી રહ્યા હતા. ચાર કર્મચારીઓ તો ખુલ્લેઆમ કોચની વેસ્ટિબ્યુલ એરિયાની નજીક ધૂમ્રપાન કરી રહ્યા હતા. તેઓ સિગારેટ તો પી રહ્યા હતા સાથે-સાથે સળગતી માચીસની કાંડી પણ ત્યાં જ ફેંકતા હોવાથી એ જોખમી પણ સાબિત થઈ શકે એમ હતું.’
ટ્વીટ કરીને ફરિયાદ કરી હતી એમ જણાવતા પ્રવાસીએ કહ્યું હતું કે ‘વર્ષ ૨૦૧૪ના ૮ જાન્યુઆરીના વહેલી સવારે બાંદરા-દહેરાદૂન એક્સપ્રેસના ત્રણ કોચને ઘોલવડ સ્ટેશન નજીક આગ લાગી હતી. જેમાં પ્રવાસીઓએ વેસ્ટિબ્યુલ નજીક સળગતી સિગારેટ ફેંકી દીધી હોવાના કારણે આગ લાગી હોવાથી ટ્રેનમાં ૯ પ્રવાસીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર જખમી થયા હતા તેથી આ બાબતને ગંભીરતાથી લઈને મેં કેન્દ્રીય રેલવે પ્રધાનને ટ્વીટ કરી અને સાથે નાગડા સ્ટેશન પર મેં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આશ્ચર્યજનક રીતે રતલામ સ્ટેશન પર આઇઆરસીટીસી અને આરપીએફના અધિકારીઓ મારા કોચમાં આવ્યા અને ફરિયાદ વિશે પૂછપરછ કરી જેની મેં પુષ્ટિ કરી અને ટ્રેન રતલામથી રવાના થઈ હતી અને મને લાગ્યું કે આ મામલો બંધ થઈ જશે, પરંતુ શનિવારે બપોરે ટ્રેન બાંદરા ટર્મિનસ સ્ટેશન પહોંચી ત્યારે મને આઇઆરસીટીસીના અધિકારીઓનો ફોન આવ્યો કે તેમણે કૉન્ટ્રૅક્ટરને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને કોવિડ-19 નિયમોનું પાલન ન કરવામાં આવે તો કરાર રદ કરવાની કડક ચેતવણી પણ જારી કરી છે. આ ઝડપી કાર્યવાહી બદલ હું રેલવે પ્રધાનનો આભાર માનું છું.’

preeti khuman-thakur Mumbai Mumbai News