સ્મૉલ સેવિંગ્સ સ્કીમ એજન્ટોનું ૧૫ જાન્યુઆરી બાદ જેલભરો આંદોલન

22 December, 2011 07:50 AM IST  | 

સ્મૉલ સેવિંગ્સ સ્કીમ એજન્ટોનું ૧૫ જાન્યુઆરી બાદ જેલભરો આંદોલન



પ્રીતિ ખુમાણ

આઝાદ મેદાન, તા. ૨૨

કેન્દ્ર સરકાર દ્વારા પીપીએફ અને સિનિયર સિટિઝન સ્કીમમાં આપવામાં આવતું કમિશન રદ કરવામાં આવતાં તેમ જ બીજી સ્કીમો પરનું કમિશન અડધું કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં મહારાષ્ટ્રભરના ૩૦૦૦ જેટલા એજન્ટોએ ગઈ કાલે આઝાદ મેદાનમાં વિરોધપ્રદર્શન કર્યું હતું. હવે એજન્ટો ભારતભરમાં એરિયાવાઇઝ આંદોલન કરશે અને પોતપોતાના એરિયામાં આવેલી પોસ્ટઑફિસો સામે ધરણાં કરશે. ત્યાર બાદ ૧૫ જાન્યુઆરી સુધી પણ પરિસ્થિતિ આવી રહી તો જેલભરો આંદોલન કરવામાં આવશે.

ભીખ માગવાનો વારો આવશે

ભાઈંદર (વેસ્ટ)માં શિવસેના ગલીમાં રહેતાં જૈન સમાજનાં પુષ્પા શાહે ધ્રુસકે-ધ્રુસકે રડતાં ‘મિડ-ડે’ દ્વારા પોતાનો સંદેશ સરકારને મોકલવાની કોશિશ કરી હતી.

૫૮ વર્ષનાં પુષ્પાબહેન છેલ્લાં ૧૧ વર્ષથી એકલાં રહે છે. બીમારીને કારણે તેમના પતિનું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ તેમના ૧૫ વર્ષના દીકરાનું અકસ્માતમાં મૃત્યુ થતાં તેઓ એકલાં થઈ ગયાં હતાં. તેમના પતિના મૃત્યુ બાદ તેમણે આ ફીલ્ડમાં પ્રવેશ કર્યો અને એજન્ટના કમિશનમાંથી મળતા પૈસાથી તેમણે દીકરીનાં લગ્ન કરાવ્યાં. આ જ કમિશનથી તેઓ પોતાનું ભરણપોષણ અને સમાજમાં થતા વ્યવહાર જેમતેમ કરી રહ્યાં છે એમાં સરકારના આવા નિર્ણયને કારણે તેમના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

પોતાનું દુ:ખ અને પરિસ્થિતિ વિશે જણાવતાં પુષ્ષાબહેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એજન્ટના કમિશનમાંથી મળતા પૈસાથી જેમતેમ કરીને હું પોતાનું ઘર ચલાવી રહી છું. એકની એક દીકરીને કંઈ આપવું હોય તો પણ કમિશનનાં નાણાં જ કામ લાગે છે. એથી કમિશન મારા માટે એક આધારસ્તંભ છે, પણ સરકારના આ નિર્ણયથી મારે ભીખ માગવાનો વારો આવવાનો છે. આવા દિવસો આવે એ પહેલાં ભગવાન ઉપર લઈ લે તો સારું. સરકારને જ્યારે આવા નિર્ણય લેવા જ હતા તો પછી પહેલાં જ વિચારવું જોઈતું હતું. આજે મારા જેવી કેટલીયે બહેનોનાં ઘર એના પર જ ચાલે છે. એક તરફ સરકાર દેશને આગળ વધારવાની વાત કરે છે તો બીજી બાજુ આવા બેબુનિયાદ નિર્ણય લે છે.’

સરકારે મજબૂર ક્ર્યા

ધ સ્મૉલ સેવિંગ્સ સ્કીમ એજન્ટ્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ જયેશ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે અમે રાજ્ય સરકારને અમારા તરફથી નિવેદનપત્ર મોકલાવ્યો હતો. રાજ્ય સરકારે આ પત્ર સ્વીકાર્યો નહોતો એથી અમે આઝાદ મેદાનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા, પણ સરકારે અમને અંતે આંદોલન કરવા મજબૂર કર્યા હતા.’

૨૦,૦૦૦થી વધુ એજન્ટો

ધ સ્મૉલ સેવિંગ્સ સ્કીમ એજન્ટ્સ વેલ્ફેર અસોસિએશનના ભારતભરમાં કુલ ૭ લાખ આસપાસ એજન્ટો છે તેમ જ મુંબઈમાં ૨૦,૦૦૦થી પણ વધુ એજન્ટો છે જે પૈકી મોટા ભાગના ગુજરાતી છે. આ અસોસિએશન દ્વારા ભારતના ૨૦ કરોડ ઇન્વેસ્ટરોને સર્વિસ આપવામાં આવે છે તેમ જ સરકારને ૩૦ હજાર કરોડ રૂપિયાની રેવન્યુ ઊભી કરી આપવામાં આવે છે.