મહિલા સાથે સંયમપૂર્વક વર્તનાર ટ્રાફિક કૉન્સ્ટેબલનું સમ્માન

30 October, 2020 01:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા સાથે સંયમપૂર્વક વર્તનાર ટ્રાફિક કૉન્સ્ટેબલનું સમ્માન

ટ્રાફિક કૉન્સ્ટેબલનું કમિશનરે કર્યું સમ્માન

મુંબઈના કાલબાદેવી ટ્રાફિક વિભાગમાં કાર્યરત કૉન્સ્ટેબલ એકનાથ શ્રીરંગ પરઠેને એક મહિલાએ કથિત રીતે માર મારવાનો વિડિયો ખૂબ વાઇરલ થયો હતો જેમાં મહિલાની એલ.ટી. માર્ગ પોલીસે ધરપકડ કરી હતી. વાઇરલ વિડિયોમાં મહિલાએ કૉન્સ્ટેબલનો કૉલર પકડ્યો છતાં કૉન્સ્ટેબલે તેની સાથે સંયમથી વાત કરી હતી. આ વાત સામે આવતાં મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહે તેનું સન્માન કર્યું હતું.

કાલબાદેવી ટ્રાફિક વિભાગમાં કાર્યરત કૉન્સ્ટેબલ એકનાથ પરઠે પોતાની ફરજ બજાવવા કાલબાદેવીમાં કૉટન એક્સચેન્જ ચોકમાં ઊભા હતા. દરમિયાન મોટરસાઇકલ સવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં હેલ્મેટ વિના મોટરસાઇકલ ચલાવી રહ્યા હતા. ત્યારે કાર્યવાહી માટે તેમને અટકાવ્યા હતા. એ સમયે પુરુષ મોટરસાઇકલ સવાર અને મહિલા સવારે પોલીસ સાથે દલીલ શરૂ કરી હતી. ત્યારે મહિલા અપશબ્દ બોલતી હોવા છતાં તેમને પરઠેએ ‘સર’ અને ‘મેડમ’ તરીકે બોલાવ્યાં હતાં અને તેમનું કોઈ અપમાન કર્યું નહોતું. પરંતુ મહિલાએ પોલીસ પર અપમાન અને દુર્વ્યવહારનો ખોટો આરોપ લગાવ્યો હતો.

કોલાબા ડિવિઝન મુંબઈનાં અસિસ્ટન્ટ પોલીસ કમિશનર લતા ધોન્ડેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે મેં ઘટનાસ્થળે જઈ ટ્રાફિક-કૉન્સ્ટેબલ એકનાથ પરઠેને ફૂલોનો પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતા. મહિલાએ સંપૂર્ણ બળથી યુનિફૉર્મ પર હાથ મૂક્યો. યુનિફૉર્મનો મહિલાએ આદર કર્યો નહોતો, પરંતુ તેણે મહિલા પ્રત્યે સંયમ અને આદર જાળવ્યો હતો. એ જોતાં પોલીસ કમિશનરે આ વાત ધ્યાનમાં લઈ તેમનું સન્માન ગુરુવારે સવારે કર્યું હતું.

ટ્રાફિક-કૉન્સ્ટેબલ એકનાથ શ્રીરંગ પરઠેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘મહિલાનું સન્માન મારા માટે એ સમયે મહત્ત્વનું હતું. જો મારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ મહિલાને અપશબ્દ બોલી દેત. આ વિડિયો કમિશનર સાહેબે ધ્યાનમાં લઈ મારું સન્માન કરી મને ૧૦,૦૦૦ રૂપિયાની બક્ષિસ આપી છે.’

mumbai mumbai news mumbai police kalbadevi