આ વિશિષ્ટ બહુરંગી સાપને ભારતીય પ્રાણીશાસ્ત્રીનું નામ

26 December, 2011 04:53 AM IST  | 

આ વિશિષ્ટ બહુરંગી સાપને ભારતીય પ્રાણીશાસ્ત્રીનું નામ

 

સાપ સહિત અન્ય ભૂચર પ્રાણીઓના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ગણાતા જર્મનીના વિજ્ઞાની ડૉ. ગેર્નોટ વોગેલે ભારતના આ વિશિષ્ટ સાપને ‘ડેન્ડ્રેલાફિસગિરિ’ એવું નામ આપીને ભારતીય વિજ્ઞાની વરદ્ગિરિના સંશોધનને આંતરરાષ્ટ્રીય માન્યતા આપી છે. બીએનએચએસના પ્રાણીશાસ્ત્રી વરદ્ગિરિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોવા, ભીમાશંકર, અંબોલી અને કર્ણાટકનાં જંગલોમાં ભાગ્યે જ જોવા મળતો આ સાપ બહુરંગી એટલે કે કથ્થઈ, લીલો, લાલ અને ભૂરો એમ ચાર રંગનો છે. સાડાત્રણથી ચાર ફૂટની લંબાઈ ધરાવતો આ સાપ ગરોળી, ચકલી જેવાં નાનાં પક્ષીઓ અને જીવજંતુઓ આરોગે છે.’

વર્ષના મોટા ભાગના સમયમાં વૃક્ષો પર રહેતો આ સર્પ ભાગ્યે જ જમીન પર જોવા મળે છે. એની જીભ લાલ રંગની હોય છે અને આંખ તથા નાક વચ્ચે બે સ્કેલ્સ (ચામડી પરનાં ભીંગડાં) છે. એના શરીરના મધ્ય ભાગમાં ૧૫ સ્કેલ્સની હાર છે. પેટ પર ૧૬૬થી ૧૭૩ સ્કેલ્સ છે, જ્યારે પૂંછડીની નીચેના ભાગમાં ૧૪૦થી ૧૪૭ જેટલાં સ્કેલ્સ છે. આવાં સ્કેલ્સથી સાપની ચામડીનું રક્ષણ થાય છે.

ડેન્ડ્રેલાફિસગિરિ એવું વિશિષ્ટ નામ ધરાવતા આ સાપના સંશોધન માટે પ્રાણીશાસ્ત્રી વરદ્ગિરિએ ૨૦૦૧થી ૨૦૧૧ સુધી સતત કાર્ય કર્યું છે. આમ તો ડેન્ડ્રેલાફિસગિરિ સાથે થોડીક સમાનતા ધરાવતો સર્પ શ્રીલંકામાં જોવા મળે છે, પરંતુ ભારતમાં જોવા મળેલો આ સાપ ઘણા અંશે અલગ અને વિશિષ્ટ છે એવું પુરવાર થયું છે. ભારતના આ સર્પની વિગતો આંતરરાષ્ટ્રીય માન્યતાપ્રાપ્ત મૅગેઝિન ‘ટેપ્રોબેનિકા’માં પ્રસિદ્ધ થઈ છે.