ડ્રેજર જહાજની નાયગાંવ રેલવે-બ્રિજ સાથે ટક્કર

15 February, 2021 12:28 PM IST  |  Mumbai | Diwakar Sharma

ડ્રેજર જહાજની નાયગાંવ રેલવે-બ્રિજ સાથે ટક્કર

ડ્રેજર જહાજ બ્રિજ સાથે ટકરાતાં લોખંડના પાઇપ પાણીમાં ડૂબી ગયા. (તસવીર: હનીફ પટેલ)

વસઈની ખાડીની નીચેથી શુક્રવારે રાત્રે સ્પીડબોટ દ્વારા ખેંચીને ગેરકાયદે લાવવામાં આવી રહેલું ડ્રેજર જહાજ બે પિલરની વચ્ચેના ગર્ડર સાથે ટકરાતાં એને નુકસાન પહોંચ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર બ્રિજને ભારે નુકસાન પહોંચ્યું છે, પરંતુ પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ માત્ર પ્લાસ્ટર ઊખડ્યું હોવાનું જણાવ્યું હતું.

પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમીત ઠાકુરે કહ્યું હતું કે ભારતીય રેલવેના કોઈ પણ બ્રિજની નીચેથી પસાર થવા માટે અગાઉથી પરવાનગી લેવી પડતી હોય છે. શુક્રવારે રાત્રે બ્રિજ-નંબર ૭૫ની નીચેથી કોઈ પ્રકારની પરવાનગી લીધા વિના ગેરકાયદે ડ્રેજરને લઈ જવામાં આવી રહ્યું હતું. સૂચિત દુર્ઘટના બાદ અમારા અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, માત્ર પ્લાસ્ટર પડી ગયું હતું તથા પશ્ચિમ રેલવેનો ટ્રાફિક અવરોધાયો ન હોવાનું તેમણે કહ્યું હતું.

આ ઘટના શુક્રવારે મોડી રાત અને શનિવારે વહેલી સવાર વચ્ચેના સમય દરમ્યાન બની હોવાનું જણાવતાં ઉત્તર અને દક્ષિણ ખાડી વચ્ચે આવેલા પણજુ ગામના એક રહેવાસી પ્રવીણ મ્હાત્રેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ઘોડબંદરમાં એવી અનેક ડ્રેજિંગ કંપનીઓ છે, જ્યાં જહાજનાં તળિયાં તૈયાર કરવામાં આવે છે અને લગભગ અડધો ડઝન જેટલી સ્પીડબોટની મદદથી એને ભાઉચા ધક્કા જેવાં સ્થળોએ એન્જિનમાં સાથે ફિટ કરવા લઈ જવાય છે. આવી કંપનીઓ ચોકી પર બ્રિજ-ગાર્ડની ગેરહાજરી તેમ જ કસ્ટમ્સ ઑફિસરની દેખરેખ ન હોવાથી રાતે બ્રિજ નીચેથી ડ્રેજર પસાર કરતા હોય છે. ઘટના બની ત્યારે ભરતી હોવાથી ડ્રેજિંગ જહાજ ફસાઈ જતાં અનેક ઠેકાણે બ્રિજને નુકસાન પહોંચ્યું છે.

સુમીત ઠાકુરે કહ્યું હતું કે પશ્ચિમ રેલવેએ ભારતીય રેલવે ઍક્ટ અને આઇપીસીની વિવિધ કલમ હેઠળ માણિકપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

mumbai mumbai news naigaon diwakar sharma