સ્ટુડન્ટ્સને લોકલમાં ટ્રાવેલની પરવાનગી મળી જતાં કૉલેજોની ઑફલાઇન મોડમાં જવાની તૈયારી

18 October, 2021 11:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે કૉલેજોમાં ઑફલાઇન ક્લાસ ચાલુ છે ત્યાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે એવું પ્રિન્સિપાલોનું માનવું છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવતાં સરકારે ચોથી ઑક્ટોબરથી ૮થી ૧૧ ધોરણ સુધીના વર્ગો શરૂ કર્યા હતા, પણ લોકલ ટ્રેનમાં ૧૮ વર્ષથી નીચેની વયના વિદ્યાર્થીઓને એન્ટ્રી ન હોવાથી અનેક કૉલેજે ઑફલાઇન ક્લાસ શરૂ નહોતા કર્યા. જોકે હવે સ્ટુડન્ટ્સ માટે ટ્રેન શરૂ થતાં કૉલેજો ઑફલાઇન ક્લાસ શરૂ કરવા કે નહીં એ બાબતે પેરેન્ટ્સ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાનું વિચારી રહી છે. બીજી અમુક કૉલેજો એવી પણ છે જ્યાં અત્યારે ઑફલાઇન ક્લાસ ચાલુ છે અને એમનું કહેવું છે કે ટ્રેન શરૂ થવાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે.

વિલે પાર્લેની એન. એમ. કૉલેજના પ્રિન્સિપાલ પરાગ અઝગાવકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમારી કૉલેજમાં સ્માર્ટબોર્ડ છે અને એનાથી કમ્પ્યુટર કનેક્ટ કરી શકાય છે એથી ઑફલાઇન અને ઑનલાઇન બન્ને રીતે વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે છે. ૪ ઑક્ટોબરથી કૉલેજ શરૂ થઈ ત્યારથી અમે બારમા ધોરણના ઑફલાઇન ક્લાસ શરૂ કર્યા હતા, જેમાં હાલમાં ૧૦ ટકા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને અગિયારમા ધોરણના ક્લાસ અમે ઑનલાઇન જ રાખ્યા છે. લોકલ ટ્રેનમાં વિદ્યાર્થીઓને પરવાનગી અપાઈ હોવાનો નિર્ણય હાલમાં લેવાયો હોવાથી એના પર કૉલેજમાં રિવ્યુ લઈને પેરન્ટ્સ સાથે પણ વાત કરવામાં આવશે. ટ્રેનમાં પરવાનગી મળી હોવાથી કદાચ વિદ્યાર્થીઓની સંખ્યામાં ફેરફાર જોવા મળી શકે છે. જોકે તેમના માટે વૅક્સિન આવી ન હોવાથી અનેક વિદ્યાર્થીઓના પેરન્ટ્સને બાળકોને ટ્રેનમાં અને કૉલેજમાં મોકલતાં ચિંતા થઈ રહી છે.’

કાંદિવલીની શ્રી ટી. પી. ભાટિયા કૉલેજ-સાયન્સનાં પ્રિન્સિપાલ સંગીતા શ્રીવાસ્તવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં અમારા ૧૨મા ધોરણના ઑનલાઇન-ઑફલાઇન બન્ને ક્લાસ ચાલી રહ્યા છે. વસઈ-વિરાર, બાંદરા, ખાર વગેરે જગ્યાએ રહેતા વિદ્યાર્થીઓ ટ્રેન ચાલુ ન હોવાથી આવી શકતા નહોતા. હવે કદાચ તેમની સંખ્યામાં વધારો થઈ શકે છે. છતાં ઑનલાઇન ક્લાસ તો ચાલુ જ રહેવાના છે. અમારા ૧૧મા ધોરણના ક્લાસ તો ઑફલાઇન ચાલી જ રહ્યા છે. હાલમાં ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને લૅબમાં પ્રૅક્ટિકલ કરવાનું જરૂરી છે. ટ્રેનમાં પરવાનગી મળતાં અમે દિવાળીના વેકેશન પહેલાં એકાદ અઠવાડિયા માટે ૧૧મા ધોરણના વિદ્યાર્થીઓને ક્લાસ માટે બોલાવીશું જેથી તેઓ કૉલેજ અને ટીચર્સને મળી શકે.’

ઘાટકોપરની એચવીકે તન્ના જુનિયર કૉલેજનાં પ્રિન્સિપાલ હિના ઠાકરે કહ્યું હતું કે ‘શિક્ષણ વિભાગના જીઆર પ્રમાણે અમે સ્કૂલ-કૉલેજ શરૂ કરી દીધી હતી. વિદ્યાર્થીઓની સંખ્યા ધીરે-ધીરે વધી રહી છે અને ટ્રેનમાં વિદ્યાર્થીઓને પરવાનગી અપાઈ હોવાથી કલ્યાણ-ડોમ્બિવલી જેવા દૂરના અંતરેથી આવતા વિદ્યાર્થીઓ પણ ઑફલાઇન ક્લાસમાં જોડાઈ શકે એમ છે.’

mumbai mumbai news mumbai local train preeti khuman-thakur