તહેવારોમાં ચિલ્લરની તંગી

29 September, 2011 08:00 PM IST  | 

તહેવારોમાં ચિલ્લરની તંગી

 

બૅન્કો કૉઇન્સ આપતી ન હોવાથી વેપારીઓ આંદોલનનો રસ્તો અપનાવે એવી શક્યતા

ઘણા વખત પહેલાં આરબીઆઇએ વેપારીઓને લેટરહેડ પર લખી આપેલું કે અમુક બૅન્કમાંથી તમે વેપાર માટે ઉપયોગમાં લેવા છુટ્ટા કૉઇન લઈ શકો છો, જે અચાનક બંધ થઈ જતાં વેપારીઓએ એને લગતા ડિપાર્ટમેન્ટના હેડ દીપકકુમારનો સંપર્ક કર્યોે ત્યારે જાણવા મYયું કે આ વ્યવસ્થા તેમણે રદ કરી છે અને વેપારીઓને હવે તેમની લોકલ બૅન્કમાંથી જ જોઈતા સિક્કા મળી જશે, પણ એવું નથી થઈ રહ્યું. ‘મિડ-ડે’ને એ વિશે જણાવતાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહે કહ્યું હતું કે ‘બૅન્ક ઑફ મહારાષ્ટ્રની ઠાકુરદ્વાર બ્રાન્ચ અને કૅનેરા બૅન્કની અબ્દુલ રહેમાન સ્ટ્રીટ બ્રાન્ચમાં તેમ જ અન્ય લોકલ બૅન્કોમાં કૉઇન ન હોવાથી અમને કૉઇન મળતા ન હોવાની ફરિયાદ અમે જ્યારે લૂઝ કૉઇન ડિપાર્ટમેન્ટના હેડ દીપકકુમારને કરી તો તેમણે કહ્યું હતું કે અમારા કમ્પ્યુટરમાં તો બતાવે છે કે બૅન્કમાં કૉઇન છે તો તમને મળવા જ જોઈએ. એનાથી વિશેષ કોઈ જ વાત સાંભળવા કે કાર્યવાહી કરવા તે તૈયાર નથી.’


બૅન્કો પાસેથી કૉઇન ન મળતાં વેપારીઓને ૧૫થી ૨૦ ટકાની કિંમતે એજન્ટો પાસેથી કૉઇન ખરીદવા પડી રહ્યા છે અને દિવાળીમાં તો એની કિંમત હજી વધી જશે જેનો ડર પણ રીટેલ વેપારીઓ ઉપરાંત હોટેલ અને કેમિસ્ટ અસોસિએશનને સતાવી રહ્યો છે. આ વિશે વીરેન શાહે કહ્યું હતું કે ‘અમારું માનવું છે કે આરબીઆઇમાંથી કોઈ આ એજન્ટો સાથે મળીને કૉઇનની અછત ઊભી કરી રહ્યું છે એથી હવે અમે અમારી ફરિયાદ આરબીઆઇનાં ગવર્નર ડૉ. શુભા રાવને કરી છે કે વહેલાસર અમારી સમસ્યાનો નિકાલ લાવે, નહીંતર અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે.’