બજારમાં સિક્કાઓની અછત બ્લૅકમાર્કેટમાં રેલમછેલ

24 December, 2011 05:01 AM IST  | 

બજારમાં સિક્કાઓની અછત બ્લૅકમાર્કેટમાં રેલમછેલ

 

એક હજારથી વધુ કેમિસ્ટ્સના સંગઠન રીટેલ ઍન્ડ ડિસ્પેન્સિંગ કેમિસ્ટ્સ અસોસિએશને (આરડીસીએ) તાજેતરમાં ૫૦ પૈસાથી માંડીને પાંચ રૂપિયા સુધીના સિક્કાઓની વર્તાઈ રહેલી તંગી વિશે આરબીઆઇ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા)ને પત્ર લખ્યો હતો.

આરડીસીએએ કહ્યું હતું કે ‘પહેલાં આરબીઆઇ વેપારી સંગઠનોને ડાયરેક્ટ સિક્કા આપતી હતી, પરંતુ હવે એ બૅન્કને સિક્કા આપે છે અને અમારે બૅન્ક પાસેથી સિક્કા મેળવવા પડે છે. બૅન્કોએ પણ હાલ સિક્કા આપવાનું બંધ કરી દીધું છે. આથી સિક્કાઓ મેળવવા માટે અમારે મંદિરોમાં જવું પડે છે અથવા બ્લૅકમાર્કેટનો આશ્રય લેવો પડે છે. બ્લૅકમાર્કેટમાં સિક્કાઓની રેલમછેલ છે. જોકે તેમની પાસેથી સિક્કા મેળવવાના બદલામાં તેમને ૧૨.૫ ટકા વધુ રકમ ચૂકવવી પડે છે.’

સિક્કાઓની અછત વિશેના વેપારીઓના દાવાને આરબીઆઇએ નકારી કાઢ્યો હતો. આરબીઆઇએ જણાવ્યું હતું કે ‘હાલ દેશમાં ૧૧૨.૧૮૪ અબજ સિક્કાઓ ફરી રહ્યા છે. આ મુજબ વ્યક્તિદીઠ ૯૪ સિક્કા થાય. મુંબઈમાં પણ સિક્કાઓની જરાય અછત નથી. સંગ્રહખોરીને કારણે સિક્કાઓની અછત વર્તાઈ રહી છે.’