કોલગેટ અને એ પ્રકારનાં કૌભાંડોને કારણે થાય છે જબરી સામાજિક હાનિ

26 October, 2012 05:10 AM IST  | 

કોલગેટ અને એ પ્રકારનાં કૌભાંડોને કારણે થાય છે જબરી સામાજિક હાનિ



અરિંદમ ચૌધરી

ભારતમાં કૌભાંડો અને ભ્રષ્ટાચાર જ્યાં જુઓ ત્યાં જોઈ શકાય એવાં છે. આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે બહાર આવતી જોવા મળે છે. ભારતમાં એવો એક પણ દિવસ કે મહિનો જતો નથી, જેમાં આપણને આ પ્રકારનાં કૌભાંડો જોવા મળતાં ન હોય! વાસ્તવિકતા એ છે કે આ પ્રકારનાં ડૉલરોનાં કૌભાંડો પ્રાદેશિક અને રાષ્ટ્રીય રીતે વ્યાપક જનતા પર નકારાત્મક અસર કરતાં હોય છે.

મારે તાજેતરમાં આવેલા એક કૌભાંડ વિશે ચર્ચા કરવી છે. એણે સમગ્ર દેશને અંદરથી હલબલાવી નાખ્યો છે. આ કૌભાંડ છે કોલગેટ! કોલસાની ખાણ વિશેનું આ કૌભાંડ આખા દેશને હલાવી રહ્યું છે. દેશની કુલ વીજળીના ૬૬ ટકા જેમાંથી ઉત્પાદિત થાય છે એ વીજળી કોલસામાંથી આવે છે અને એને એકદમ અપૂરતી રીતે દેશમાં ચાલી રહી છે અને હું એ વાત તમને વિસ્તારથી કહેવા માગું છે. આપણે ત્યાં દેશમાં કાયદા હોવા છતાં પણ ખાણ ખોદવા માટેના પરવાનાઓને બાયપાસ કરી દેવામાં આવ્યા છે અને એ રીતે પર્યાવરણના નિયમોને પણ વળોટી જવાયા છે. મતલબ કે એ રીતે પર્યાવરણના નિયમોનું કાસળ કાઢી નાખવામાં આવી રહ્યું છે. આ સેક્ટરમાં ભ્રષ્ટાચાર એકદમ વ્યાપક અને કોઈની કલ્પનામાં ન આવે એવો છે. દાખલા તરીકે : ત્યાં સુધી કે કોલસાની જૂની ખાણોને પણ એકદમ નીચા ભાવે ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવેલી છે. આ પ્રકારનું વાતાવરણ જ્યાં ઊભું થયું છે ત્યાં ઊહાપોહ અને વિરોધ પણ થયા છે અને આવું ખાસ કરીને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં જોવા મળ્યું છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારના ખનન સામે લોકોએ પ્રદૂષણનો, પર્યાવરણને નુકસાન કરવાનો અને જમીન પચાવી પાડવાનો આક્ષેપ કર્યો છે, પણ એના વિશે સરકારે કોઈ પગલાં ભયાર઼્ નથી. અહીં સરકાર દ્વારા જમીન ખરીદવામાં આવી છે અને એ ઉપરાંત કોલસાની ખાનગી કંપનીઓ દ્વારા પણ આ કામ કરવામાં આવેલું છે અને જેમની જમીનો ખરીદવામાં આવેલી છે એ જમીનના માલિકો સાથે વિશ્વાસ સાથે કરાર કરવામાં આવેલા છે અને તમે ધ્યાનમાં રાખો કે આ પ્રકારની પ્રવૃત્તિઓ છેલ્લા એક દાયકાથી ચાલી રહી છે, મતલબ કે દેશમાં કોલસાકૌભાંડ બહાર આવ્યું એ પહેલાંનું આ બધું ચાલી રહ્યું છે.

તમે કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઇએલ)નો દાખલો લો. આ કંપની દેશની અડધાથી વધુ ઊર્જાજરૂરિયાત પૂરી કરે છે. એ દેશનો ૮૦ ટકા કોલસો સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ સાથે વેચે છે અને મજાની વાત એ છે કે એ સરકાર પાસેથી સબ્સિડીના દરે કોલસો મેળવે છે. વાસ્તવમાં, આ તમામ લાભ ઊર્જાકંપનીઓને ફાળે જાય છે, જે લોકો સીઆઇએલ પાસેથી સબ્સિડીના ભાવે કોલસો મેળવે છે અને એને બજારના ભાવે લોકોમાં વેચે છે. તેઓ કાં તો ત્રીજી પાર્ટીને કોલસા ડિસ્કાઉન્ટ રેટ પર વેચી નાખે છે અથવા તો ગ્રાહકને બજારભાવે વેચીને એમાંથી મોટો નફો રળતા હોય છે અને આમ છતાં સરકાર સીઆઇએલનો એમ કહીને બચાવ કરે છે કે આ લોકો ગરીબ માણસોને સબ્સિડાઇઝ્ડ રેટ પર કોલસો આપી રહ્યા છે. મોટા ભાગની આ ખાણો ‘નો ગો ઝોન્સ’માં આવેલી છે.

મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને પૂર્વીય મહારાષ્ટ્રમાં આવેલી ખાણોમાં કામ કરતા મોટા ભાગના માણસોને કાયમ અહીંના વાઘ અભયારણ્ય સાથે પનારો પાડવો પડતો હોય છે. ઘણી વાર એવું પણ બને છે કે આ લોકોને અહીં રહેતા વાઘો સાથે સીધા ઘર્ષણમાં ઊતરવું પડે છે. એ જ રીતે કોલસાની ખાણોની અહીં રહેતા આદિવાસી લોકો પર અને તેમના જીવનયાપન પર પણ અસર થઈ છે. એટલું જ નહીં, આ કહાણી અહીં કે ત્યાં એકસરખી જ છે. એક વખતે જ્યાં હરિયાળાં મેદાનો હતાં ત્યાં આજે પર્વતાળ પ્રદેશ થઈ ગયો છે અને એ માનવવસાહત માટે એકદમ નકામો થઈ ગયો છે. એના કારણે અહીં રહેતા લોકો તેમના જીવનગુજારાથી એકદમ અલગ અને અળગા થઈ ગયા છે અને તેમની જીવન જીવવાની પદ્ધતિમાં પણ ઘણો ફેર પડી ગયો છે. પ્રસંગોપાત્ત જે લોકો તેમના મૂળમાંથી ઊખડી ગયેલા છે એવા આદિવાસીઓને કોલસાની ખાણમાં નિમ્ન સ્તરની નોકરીઓ આપવામાં આવે છે, પણ તેમને કોલસાની ખાણને કારણે જે નુકસાન થયું છે એના માટે કોઈ વળતર ચૂકવવામાં આવતું નથી.

એવી દલીલ કરવામાં આવે છે કે કોલસાની ખાણ ખોદવાનો આશય દેશમાં સૌને વીજળી પૂરી પાડવાનો છે, પણ કરુણતા તો એ છે કે દેશની ૪૦ ટકા વસ્તી આજે પણ અંધકારમાં જીવી રહી છે. એનો અર્થ એ થયો કે આ દેશના અડધા લોકો આજે પણ સીધી કે પ્રત્યક્ષ રીતે એનો લાભ મેળવી રહ્યા નથી. એમાં પણ ખાણનું ખનન જે વિસ્તારમાં થઈ રહ્યું છે ત્યાં ગરીબ માણસો દ્વારા જે નાણાં ખર્ચાયાં છે એ તેમને કામ લાગ્યાં નથી. તેમના કસમયના મૃત્યુ માટે પણ આ કોલસાની ખાણો જવાબદાર બને છે. આશ્ચર્ય એ વાતનું છે કે દેશમાં જે વીજળી પેદા થાય છે એના પચાસ ટકા જ બિલ પર જાય છે, જેમાંના ચાલીસ ટકા ગ્રાહકો જ નિયમિત રીતે બિલ ભરતા હોય છે. દર વર્ષે દેશને વીજળીચોરીના કારણે ૪૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. આજે દેશનો શ્રીમંત રાજકારણી પણ મફતમાં વીજળી મેળવે છે અને જે લોકો બિલ ચૂકવતા નથી એ લોકોમાં સંસદસભ્યો અને પ્રધાનો પણ છે. ત્યાં સુધી કે સરકારી વિભાગો પણ બિલની ચુકવણી કરતા નથી (એમાં કોર્ટનો પણ સમાવેશ થાય છે) અને એમાં પણ આપણા રાજકારણીઓ તો તેમને મળતાં વીજળીનાં નાણાં બારોબાર ચાંઉ કરી જાય છે. આપણાં હજારો ગામડાંઓ એના કારણે આજે પણ અંધારામાં અટવાઈ રહ્યાં છે. સાદા શબ્દોમાં કહીએ તો વીજકંપનીઓને ચોરીને કારણે, વીજમાફીને કરણે, બ્લૅકઆઉટને કારણે ભયંકર નુકસાન થાય છે અને એના કારણે પ્રતિ યુનિટે વીજકંપનીઓ દ્વારા વધુ પડતું મોટું બિલ ચૂકવવામાં આવતું હોય છે. આજે ભારતમાં કૌભાંડો રોજિંદી ઘટનાઓ બની ગયાં છે અને દેશના અર્થતંત્ર સાથે એકમેક રીતે જોડાઈ ગયેલી ઘટના છે. બીજાં બધાં કૌભાંડોની જેમ કોલગેટ કૌભાંડ પણ ભારતના બિઝનેસ વાતાવરણને અંધકારમાં મૂકી શકે એમ છે. આવું એક કૌભાંડ દેશના ગરીબ માણસને વધુ ગરીબ બનાવે છે.