અને નવરાત્રિના આયોજકોને મુખ્ય પ્રધાને કહ્યું... પુઢચ્યા વર્ષી લવકર યા

09 October, 2012 03:02 AM IST  | 

અને નવરાત્રિના આયોજકોને મુખ્ય પ્રધાને કહ્યું... પુઢચ્યા વર્ષી લવકર યા



બકુલેશ ત્રિવેદી


મંત્રાલય, તા. ૯

મુંબઈગરા ગુજરાતીઓને નવરાત્રિમાં માત્ર બે જ દિવસ રાતના બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકર પર રમવાની પરવાનગી આપવામાં આવી છે. તેમને વધુ એક દિવસ રાત્રે બાર વાગ્યા સુધી રમવા મળે એ માટે મુંબઈમાં નવરાત્રિનું આયોજન કરતા આયોજકોનું એક પ્રતિનિધિમંડળ ગઈ કાલે કૉન્ગ્રેસના ઉત્તર મુંબઈ વિસ્તારના સંસદસભ્ય સંજય નિરુપમની આગેવાની હેઠળ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણને મળ્યું હતું. આ બાબતે પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે આ વર્ષે‍ તો એ શક્ય નથી, પણ આવતા વર્ષે‍ શિવજયંતી, આંબેડકરજયંતી અથવા મહારાષ્ટ્ર ડેના દિવસમાંથી ઍડ્જસ્ટ કરીને નવરાત્રિમાં એક દિવસ વધુ ફાળવવાનો પ્રયાસ કરવામાં આવશે.

મુંબઈના ગુજરાતીઓનું પ્રતિધિનિત્વ કરતા ઘાટકોપરના કૉન્ગ્રેસી નગરસેવક પ્રવીણ છેડા, મુલુંડના બીજેપીના નગરસેવક મનોજ કોટક, મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના કચ્છી-ગુજરાતી સેલના પ્રમુખ ભરત દનાણી અને ઘાટકોપરના અગ્રણી નવરાત્રિ આયોજક જિજ્ઞેશ ખિલાણી વગેરેએ ગઈ કાલે બપોરે મંત્રાલયમાં મુખ્ય પ્રધાનને મળીને રજૂઆત કરી હતી. જોકે વધુ એક દિવસ રાતના બાર વાગ્યા સુધી ઉજવણીની પરવાનગીની માગણી પર જવાબ આપતાં પૃથ્વીરાજ ચવાણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નૉઇઝ પૉલ્યુશનના મુદ્દાને લઈને વર્ષના માત્ર ૧૫ દિવસ રાતના બાર વાગ્યા સુધી તહેવારોની ઉજવણી માટે પરવાનગી આપી શકાય છે. આ વર્ષે એ માટેના બધા જ દિવસો ઑલરેડી અલૉટ થઈ ગયા છે. હવે જે દિવસો બાકી છે એમાં દિવાળીના બે દિવસ, ઈદ અને ૩૧ ડિસેમ્બરનો સમાવેશ છે. જોકે શિવજયંતી, આંબેડકર જયંતી અને પહેલી મેના દિવસે ઉજવણી દિવસ દરમ્યાન થતી હોય છે અને મોડી રાત સુધી ઉજવણીની જરૂર નથી રહેતી. આ વખતે તો એ રજાઓ પસાર થઈ ગઈ છે. એ દિવસોમાંથી કેટલાક દિવસ ઍડ્જસ્ટ કરીને ગણેશોત્સવ અથવા નવરાત્રિ જેવા તહેવારો માટે ફાળવી શકાય. અમે આવતા વર્ષે‍ એ માટે પ્રયાસ કરીશું, પણ એ માટે પુઢચ્યા વર્ષી લવકર યા. આ વર્ષે‍ હવે કોઈ ફેરફાર શક્ય નથી. એમ છતાં જો તમારે રજૂઆત કરવી હોય તો દિલ્હીમાં કરી શકો છો.’  

મુંબઈગરાના ગુજરાતીઓની બીજી માગણી એ હતી કે જે નાની-નાની સોસાયટીઓમાં પ્રોફેશનલ નવરાત્રિ નથી થતી ત્યાં પરંપરાગત વાદ્યો ઢોલ-શરણાઈ સાથે બાર વાગ્યા સુધી લાઉડ-સ્પીકર વગર રાસ-ગરબા રમવાની પરવાનગી હોવા છતાં પોલીસ આવીને એ બંધ કરાવે છે અને હેરાન કરે છે. એ બદલ મીટિંગ પત્યા પછી સંસદસભ્ય સંજય નિરુપમે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે પ્રાઇવેટ જગ્યાઓ પર નવરાત્રિ થાય છે ત્યાં પરંપરાગત વાદ્યો સાથે મહિલાઓ માતાજીની પૂજા કરે અથવા ગરબા અને દાંડિયા રમે છે એના પર કોઈ બંધી નથી. એથી આ બાબતે પોલીસ કનડગત ન કરે એ માટે રાજ્ય સરકાર પોલીસને આદેશ આપશે. પોલીસને ચેઇન-સ્નૅચિંગ થાય છે એ નથી દેખાતું, ઘરફોડી થાય છે એ નથી દેખાતું અને મુંબઈગરા નવરાત્રિ રમે એ જ દેખાય છે?’

નવરાત્રિમાં એક દિવસ વધુ બાર વાગ્યા સુધીની પરવાનગી માટે રજૂઆત કર્યા પછી પણ પરવાનગી અપાઈ ન હોવાથી એ બદલ બળાપો કાઢતાં મુલુંડના નગરસેવક અને બીજેપીના નેતા મનોજ કોટકે કહ્યું હતું કે ‘આ કૉન્ગ્રેસની સરકાર છે. એ ક્યારેય આપણી વાત નહીં માને. અમે દર વર્ષે‍ રજૂઆત કરીએ છીએ, પણ પરિણામ નથી આવતું. જો આપણા તહેવારો માટે પરવાનગી જોઈતી હોય તો એ માટે હવે બીજેપીને જ રાજ્યમાં સત્તા પર લાવવી જોઈએ.’

ગયા વર્ષે‍ મુલુંડમાં નવરાત્રિનું આયોજન કરનાર જિજ્ઞેશ ખિલાણીએ કહ્યું હતું કે ‘પ્રોફેશનલ નવરાત્રિની વાત અલગ છે, પણ નાની-નાની સોસાયટીમાં રમતાં બાળકો અને બહેનોની નવરાત્રિ પોલીસ બંધ કરાવે છે એ ખોટું છે. મૂળમાં નોટિફિકેશન પ્રમાણે પ્રાઇવેટ સોસાયટીઓમાં લાઉડ-સ્પીકર વગર કરવામાં આવતી ઉજવણીને બાર વાગ્યા સુધી પરવાનગી છે જ. જોકે ઘણાં નાનાં મંડળો આ બાબતથી અજાણ છે અને પોલીસ આવીને તેમની કનડગત કરે છે.’ 

કયા બે દિવસ ૧૨ વાગ્યા સુધી?

૨૨ અને ૨૩ ઑક્ટોબરે, આઠમ અને નોમના દિવસે રાત્રે બાર વાગ્યા સુધીની પરમિશન છે.