15 December, 2025 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે ગઈ કાલે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે હાઉસને સંબોધતાં કહ્યું હતું કે ‘રાજ્યની તિજોરી છલકાઈ રહી છે એવું નથી. રાજ્ય સરકાર પણ નાણાભીડ ભોગવી રહી છે. એમ છતાં રાજ્યની આર્થિક પરિસ્થિતિ મજબૂત છે અને ચિંતાનું કોઈ કારણ નથી.’
વિધાનસભાના શિયાળુ સત્રના છેલ્લા દિવસે વિધાનસભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા અનેક મુદ્દાઓના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની નાણાકીય સ્થિતિ નબળી પડી રહી હોવાના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે ‘આપણી તિજોરી ભરેલી છે એમ નહીં કહું, પણ હું ખાતરીપૂર્વક કહી શકું છું કે દેશનાં મોટાં રાજ્યોમાં મહારાષ્ટ્રનું અર્થતંત્ર આજે પણ મજબૂત છે. મહારાષ્ટ્ર ૨૦૨૯ અને ૨૦૩૦ની વચ્ચે ભારતનું પ્રથમ એક ટ્રિલ્યન ડૉલરનું રાજ્ય અર્થતંત્ર બનશે. આનું કારણ લાંબા ગાળાનું પ્લાનિંગ અને ફાઇનૅન્શિયલ ડિસિપ્લિન છે. અમે ડેવલપમેન્ટ માટે ૨૦૪૭ સુધીનો રોડમૅપ બનાવ્યો છે જે ૨૦૩૦, ૨૦૩૫ અને ૨૦૪૭ સુધીમાં તબક્કાવાર અચીવ કરવામાં આવશે. મહારાષ્ટ્રની નાણાકીય ખાધ ૩ ટકા જેટલી છે અને અમે એ મુખ્યમંત્રી માઝી લાડકી બહિણ યોજના અને ખેડૂતોને રાહત આપ્યા બાદ જાળવી શક્યા છીએ. રાજ્યની તાકાત અને નિષ્ઠા વિશે કોઈ શંકા નથી. મુંબઈ રાજ્યનો ભાગ હતું, છે અને રહેશે.’
વિધાનસભામાં પણ ‘ધુરંધર’ની બોલબાલા
કોણ છે રહમાન ડકૈત કે જેણે મુંબઈની તિજોરી લૂંટી? : એકનાથ શિંદે
વિધાનસભાના નાગપુરમાં ચાલી રહેલા શિયાળુ સત્રના છેલ્લા દિવસે હાઉસમાં પણ ‘ધુરંધર’ છવાયેલી રહી હતી. ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેએ વિરોધીઓ પર ખાસ કરીને શિવસેના (UBT) પર શાબ્દિક ફટકાબાજી કરી હતી. એકનાથ શિંદેએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આવી રહેલી ચૂંટણીઓના સંદર્ભે ટૉન્ટ મારતાં કહ્યું હતું કે ‘કોણ છે રહમાન ડકૈત કે જેણે મુંબઈની તિજોરી લૂંટી? હું કોઈના પર વ્યક્તિગત હુમલો નહીં કરું, પણ આવા ઘણા રહમાન ડકૈત આવ્યા અને ગયા. આ ધુરંધર મહાયુતિ હવે તેમને જડબાતોડ જવાબ આપશે. આ મહાયુતિ તો હજી ટેલર છે, અસલી પિક્ચર બાકી છે.’