02 June, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અહિલ્યાનગરના ચૌંડીમાં આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ.
પુણ્યશ્ળોક રાજમાતા અહિલ્યાદેવી હોળકરની ૩૦૦મી જન્મજયંતી નિમિત્તે ગઈ કાલે અહિલ્યાનગરના ચૌંડીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહિલ્યાદેવીએ હિન્દુઓને જાગૃત કરવા કેવા-કેવા પરાક્રમ અને દૂરંદેશી દાખવી હતી એનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રના સોમનાથમાં મહાદેવનું મંદિર ઔરંગઝેબે તોડાવી નાખ્યા બાદ કોઈ રાજા ફરીથી મંદિર બનાવવાની હિંમત નહોતા કરતા ત્યારે અહિલ્યાદેવીએ સોમનાથનું મંદિર બનાવ્યું હતું. જોકે તેમણે હિન્દુઓને જગાડવા માટે તોડી પાડવામાં આવેલા મંદિરના અવશેષને એમને એમ રાખ્યા હતા અને એની બાજુમાં મંદિર બંધાવ્યું હતું. અહિલ્યાદેવી માનતાં હતાં કે આપણા હિન્દુઓ અવશેષ નહીં જુએ ત્યાં સુધી જાગશે નહીં, તેમનામાં હિન્દુની ભાવના નહીં જાગે અને ભાવના નહીં જાગે ત્યાં સુધી વિધર્મીઓ આપણાં મંદિર તોડતાં જ રહેશે. આપણા મહારાષ્ટ્રની કન્યાએ હિન્દુ ધર્મને જાગૃત કરવા માટે અથાક પ્રયાસ કર્યા હતા. કાશી વિશ્વનાથના આંગણામાં અહિલ્યાદેવીનું પૂતળું જોઈ દિલ ભરાઈ આવે છે. રાજમાતા અહિલ્યાદેવી કાયમ કહેતાં કે સ્નાન કરવાથી શરીર શુદ્ધ થાય છે, ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે અને દાન કરવાથી ધન શુદ્ધ થાય છે. દેશભરમાં તેમણે મોટા પ્રમાણમાં દાન આપ્યું. અનેક મંદિરોનાં નિર્માણ કરાવ્યાં. આ માટે તેમણે રાજ્યની તિજોરીમાંથી નહીં પણ પોતાની પાસેના રૂપિયા ખર્ચ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજને શ્રીમંત યોગી કહેવામાં આવે છે, કારણ કે તેમની પાસે તમામ જાહોજહાલી હોવા છતાં યોગીની જેમ તેઓ જીવ્યા. અહિલ્યાદેવી હોળકર પાસે આટલું મોટું રાજ્ય હતું, અખૂટ રૂપિયા હતા આમ છતાં તેઓ એક નાના ઘરમાં રહેતાં. તેમણે પોતાના માટે ધનનો ઉપયોગ નહોતો કર્યો. આ જ કારણસર તેઓ પુણ્યશ્ળોક થયાં, લોકમાતા કહેવાયાં.’