07 August, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ
છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં વૈજાપુર તાલુકામાં રામગિરિ મહારાજ દ્વારા આયોજિત એક કાર્યક્રમ દરમ્યાન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વોટ જેહાદ વિરુદ્ધ સંતોના આધ્યાત્મિક બળને કારણે મહાયુતિ ગઠબંધન સત્તામાં આવી શક્યું હતું. સોશ્યલ એન્જિનિયરિંગે પણ મહાયુતિને જિતાડવામાં બહુ મોટો ભાગ ભજવ્યો હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.
દેવેન્દ્ર ફડણવીસે ગુરુઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરી હતી કે ‘લોકસભાની ચૂંટણી દરમ્યાન અમુક પક્ષોએ રાષ્ટ્રવાદી વિચારધારાને હરાવવા માટે વોટ જેહાદનો રસ્તો અપનાવ્યો હતો. ત્યારે અમે આધ્યાત્મિક ગુરુઓ પાસે ગયા અને કહ્યું કે વોટ જેહાદ આપણી સંસ્કૃતિ પર એક હુમલા સમાન છે, જો એની સામે આંખ આડા કાન કરાશે તો છાને પગલે હિન્દુ મંદિરો પર પણ હુમલો થવા લાગશે, સત્તા કાયમી નથી પણ દેશ અને ધર્મ અમર છે.’
ત્યારે ગુરુઓએ જ્ઞાતિવાદના વાદા તોડીને સામાન્ય પ્રજાને એક થવાનું આહ્વાન કર્યું હતું જેને કારણે મહાયુતિને અભૂતપૂર્વ સફળતા મળી હોવાનું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.