સીએમ અને એચએમ પડદા પાછળના લોકોને બહાર લાવવાની હિંમત દાખવશેઃ ફડણવીસ

11 April, 2020 08:22 AM IST  |  Mumbai Desk | shirish shivdekar

સીએમ અને એચએમ પડદા પાછળના લોકોને બહાર લાવવાની હિંમત દાખવશેઃ ફડણવીસ

કપિલ વાધવાન

કરોડો રૂપિયાના કૈભાંડમાં સંડોવાયેલા ડીએચએફએલ ગ્રુપના પ્રમોટર, તેમના ભાઈ કપિલ અને ધીરજ વાધવાન તથા તેમના પરિવારને હાલમાં કોરોનાને કારણે લૉકડાઉન હોવા છતા ખંડાલાથી મહાબળેશ્વર જવાની પરવાનગી આપતો પાસ ઇશ્યુ કરાયો હોવાથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખ હાલમાં ભેરવાઈ ગયા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ બાબતે તેમને પડકાર ફેંક્યો છે કે જો તમારામાં હિંમત હોય તો આ માટે પડદા પાછળ દોરીસંચાર કોનો છે તેમનાં નામ જાહેર કરો, તેમને બહાર લાવો. વાધવાન પરિવારને ખંડાલાથી મહાબળેશ્વર જવા દેવાની પરવાનગી આપનાર આઇપીએસ ઑફિસર અમિતાભ ગુપ્તા જે હાલમાં ગૃહખાતામાં સ્પેશ્યલ સક્રેટરીની ફરજ પર તહેનાત છે તેમને તેમના આ કૃત્ય બદલ હાલમાં ફરજિયાત રજા પર ઉતારી દેવાયા છે. જોકે વિરોધ પક્ષ બીજેપીએ આ મુદે હાલની મહા વિકાસ આઘાડી સરકાર પર પસ્તાળ પાડી છે. દરમ્યાન વાધવા પરિવારના ૨૩ જણ સામે સાતારા જિલ્લામાં પોલીસ-ફરિયાદ દાખલ કરીને ગુનો નોંધવામાં આવ્યો છે.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે આઇપીએસ ઑફિસર દ્વારા પાસ ઇશ્યુ કરાય એ ખોટું છે, પણ ખેરખર આની પછળ કોણ છે એ શોધી કાઢવું જરૂરી છે. શું ઉદ્ધવ ઠાકરેની મહા વિકાસ આઘાડી સરકાર એ શોધી કાઢવાની હિંમત દાખવશે?
આ વિવાદ વકરી શકે છે એની જાણ થતાં રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે તાત્કાલિક ધોરણે અમિતાભ ગુપ્તાને રજા પર ઉતારી દીધા છે. અનિલ દેશમુખે આ બાબતે ટ્વિટર પર માહિતી આપતાં કહ્યું હતું કે મેં આ બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે ચર્ચા કરી છે, એટલું જ નહીં, અમિતાભ ગુપ્તાને રજા પર ઉતારી દેવાયા છે અને તેમની સામે ઇન્ક્વાયરી પણ બેસાડી દેવામાં આવી છે.
કિરીટ સોમૈયાએ પોલીસમાં અરજી કરી
બીજેપીના નેતા અને ભૂતપૂર્વ સંસદસભ્ય કિરીટ સોમૈયાએ આ સંદર્ભે મુલુંડ પોલીસ-સ્ટેશનમાં એક અરજી આપી હતી એના આધારે ગુનો નોંધવાની માગણી કરી છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા વાધવાન પરિવારને ગૃહખાતામાં ફરજ બજાવતા આઇપીએસ ઑફિસર કઈ રીતે પાસ ઇશ્યુ કરી શકે અને એમાં પણ એમ કહે છે કે તેઓ અમારા ફૅમિલી ફ્રેન્ડ છે એ કઈ રીતે ચલાવી લેવાય? આ બહુ ગંભીર બાબત છે. અમિતાભ ગુપ્તાએ તપાસ-એજન્સીને તેઓ ક્યાં છે એ જણાવવું જોઈએ એને બદલે તેઓ તેમને મહાબળેશ્વર નાસી જવામાં મદદ કરી રહ્યા છે એવુ જણાઈ રહ્યું છે. જોકે એ પછી વાધવાન પરિવારને પંચગિનીમાં તાબામાં લેવાયો હતો અને ક્વૉરન્ટીન કરાયો છે.
રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે આ બાબતે કહ્યું કે બધાને ખબર છે કે કિરીટ સૌમૈયા એક ઉપદ્રવી પ્રવૃત્ત‌િવાળા માણસ છે. તેમની આ જ પ્રવૃત્ત‌િને કારણે બીજેપીએ તેમને લોકસભાની ટિકિટ નહોતી આપી અને ઘરે બેસાડ્યા હતા. આઇપીએસ સામે કાર્યવાહી કરવાની સત્તા કેન્દ્ર સરકારને જ છે. કેન્દ્રમાં બીજેપીની સરકાર છે. અમિતાભ ગુપ્તાને ડિસમિસ કરવા કિરીટ સોમૈયાએ કેન્દ્ર સરકારને કહેવું જોઈએ.
રાજીનામાની માગણી
કોરોનાનો કેર હોવા છતાં દિલ્હીમાં મર્કઝમાં લોકોને ભાગ લેવા કેમ દીધો અમ કહીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના રાજીનામાની માગણી અનિલ દેશમુખે કરી હતી. હવે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે અમિત શાહનું રાજીનામું માગનાર અનિલ દેશમુખ હવે લૉકડાઉનમાં વાધવાન પરિવારને મહાબળેશ્વર જવાની પરવાનગી અપાઈ છે એથી એ બાબત કોરોનાના ફેલાવા માટે જોખમી છે માટે અનિલ દેશમુખ રાજીનામું આપે. આમ હાલમાં બીજેપી આ મુદ્દે મહા વિકાસ આઘાડી સરકાર પર પસ્તાળ પાડી રહી છે.

mumbai mumbai news devendra fadnavis