કાંદિવલીમાં બાળકોને સફાઈ કરતાં જોઈ વડીલો પણ જોડાયા

21 November, 2014 05:25 AM IST  | 

કાંદિવલીમાં બાળકોને સફાઈ કરતાં જોઈ વડીલો પણ જોડાયા


અંકિતા સરીપડિયા

આ અભિયાનમાં તમામ બાળકોએ ૨૦ રૂપિયા કૉન્ટ્રિબ્યુટ કરી સફાઈ કરવા માટે ઝાડુ, હૅન્ડ-ગ્લવ્ઝ અને ફેસ-માસ્ક જેવાં સાધનો ખરીદ્યાં હતાં. આ બાળકોથી પ્રેરિત થઈને રોડ- નંબર બે પર આવેલી અન્ય સોસાયટીનાં બાળકો તેમ જ અન્ય રહેવાસીઓ પણ આ અભિયાનમાં ઉત્સાહથી જોડાયા હતા અને રસ્તાને ક્લીન અને સુંદર બનાવ્યો હતો.


આ વિશે વધુ માહિતી આપતાં ૧૨ વર્ષની પૃષ્ટિ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સફાઈ-અભિયાનથી પ્રેરિત થયેલા અનેક લોકોએ સફાઈ-અભિયાનોનું આયોજન કર્યું હતું. આ વિશેના ન્યુઝ
ટીવી પર જોઈ તેમ જ ન્યુઝપેપરમાં વાંચીને અમે બાળકોએ પણ અમારા વિસ્તારના અસ્વચ્છ રસ્તા પર સફાઈ કરી રસ્તાને ક્લીન કરવાનું નક્કી કર્યું હતું. સફાઈનાં સાધનો લાવવા માટે ગ્રુપના દરેક ફ્રેન્ડે ૨૦ રૂપિયા કૉન્ટ્રિબ્યુટ કર્યા હતા અને સફાઈનાં સાધનો ખરીદ્યાં હતાં. આ અભિયાનમાં અમે રસ્તાની બન્ને તરફનો કચરો ઉપાડી ઝાડુ મારી સફાઈ કરી હતી અને ભેગો થયેલો કચરો સુધરાઈની કચરાપેટીમાં નાખ્યો હતો.’


આ વિશે વધુ જણાવતાં પૃષ્ટિના પિતા પ્રવીણ જોશીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘બાળકોના આ કામથી પ્રેરિત થઈ અમે મોટી ઉંમરના ૨૫-૩૦ લોકો પણ આ અભિયાનમાં જોડાયા હતા. સવારે ૭.૩૦ વાગ્યાથી ૧૦.૩૦ વાગ્યા સુધી ચાલેલા આ અભિયાનમાં બાળકો રસ્તા પર સફાઈ કરી રહ્યાં હતાં એ સમયે તેમને જોઈ અન્ય સોસાયટીનાં બાળકો અને રહેવાસીઓ મળી કુલ ૭૫થી વધુ લોકો અભિયાનમાં જોડાયા હતા અને રસ્તાને સ્વચ્છ બનાવ્યો હતો. આ કામથી ઉત્સાહિત થયેલાં બાળકોએ આવતા રવિવારે પણ આ રીતે સફાઈ કરવાનું નક્કી કર્યું હતું.’