24 June, 2025 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધોંડીરામ ભોસલેએ તેમની દીકરી સાધના
સાંગલીમાં નેલકરંજી ગામની બારમા ધોરણની વિદ્યાર્થિનીને પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતાં તેના પપ્પા સાથે ઉગ્ર બોલચાલી થઈ હતી. દીકરીને પપ્પાને તેમના માર્ક્સની યાદ અપાવતા ગુસ્સામાં પપ્પાએ ઢોરમાર મારીને પથ્થરવાળી ઘંટીનું હૅન્ડલ દીકરીના માથે માર્યું હતું, જેને કારણે તેનો જીવ ગયો હતો.
સાંગલીના આટપાડી તાલુકાના પોલીસ-અધિકારીએ ઘટનાની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘નેલકરંજી ગામની હાઈ સ્કૂલના પ્રિન્સિપાલ ધોંડીરામ ભોસલેએ તેમની દીકરી સાધનાને નૅશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ (NEET)માં ઓછા માર્ક્સ આવતાં દીકરીનો ઊધડો લીધો હતો. સાધનાને ઢોરમાર માર્યા બાદ બાપ-દીકરીમાં માર્ક્સ બાબતે બોલચાલી પણ થઈ હતી. દીકરીએ તેના પપ્પાને કહ્યું હતું કે તમારા પણ ઓછા માર્ક્સ આવ્યા હતાને, તમે પણ ક્યાં કલેક્ટર બની ગયા? આથી ગુસ્સે ભરાયેલા પપ્પાએ નજીકમાં પડેલી પથ્થરની ઘંટીનું લાકડાનું હૅન્ડલ લઈને દીકરીના માથામાં જોરથી ઘા કર્યો હતો. આ સમયે સાધનાની મમ્મી અને ભાઈ પણ હાજર હતાં. બીજે દિવસે સ્કૂલમાં યોગ દિવસની ઉજવણી કર્યા બાદ જ્યારે ધોંડીરામ ભોસલે ઘરે આવ્યા ત્યારે સાધના બેભાન થઈ ગઈ હતી. ત્યાર બાદ તેને સાંગલીની હૉસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમ્યાન સાધનાએ જીવ ગુમાવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટ મુજબ શરીર પર ગંભીર ઈજાઓને કારણે સાધનાનો જીવ ગયો હતો.’
દીકરીના મૃત્યુ બાદ તેની મમ્મી પ્રીતિ ભોસલેએ ધોંડીરામ ભોસલે વિરુદ્ધ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી જેને પગલે ધોંડીરામ ભોસલેની અટકાયત કરવામાં આવી છે.