ફાઉન્ટન હોટેલના કર્મચારીઓ અને ઘોડબંદરના ગ્રામજનો વચ્ચે થયો સંઘર્ષ

07 October, 2019 12:36 PM IST  |  મુંબઈ

ફાઉન્ટન હોટેલના કર્મચારીઓ અને ઘોડબંદરના ગ્રામજનો વચ્ચે થયો સંઘર્ષ

મીરા રોડ પર પાર્કિંગ બાબતે માથાકૂટ

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર ઘોડબંદર નાકા પાસે આવેલી પ્રખ્યાત ફાઉન્ટન હોટેલના સ્ટાફ અને સ્થા‌નિક ગ્રામીણો વચ્ચે ગાડીના પા‌ર્કિંગને મુદ્દે શ‌નિવારે મોડી રાતે ‌વિવાદ થયો અને આ ‌વિવાદ એટલો વધી ગયો કે આખું પ્રકરણ મારપીટ સુધી પહોંચી ગયું હતું. એને કારણે આજે વહેલી સવાર સુધી સંખ્યાબંધ પોલીસ ઘોડબંદર વિસ્તારમાં જોવા મળ્યા હતા. આ દંગલમાં એક પોલીસ અ‌ધિકારી સ‌હિત ૧૦ જણ ગંભીર રીતે જખમી થયા હતા. પોલીસે લગભગ ૪૪ જેટલા લોકો પર ગુનો નોંધ્યો છે.
શ‌નિવારે મોડી રાતે એક વાગ્યે ઘોડબંદર ગામના અમુક યુવકો ફાઉન્ટન હોટેલમાં જમવા ગયા હતા ત્યારે ગાડીના પા‌ર્કિંગને લઈને હોટેલના સ્ટાફ અને યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલા પ્રમાણમાં વધી ગઈ કે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. બૂમાબૂમ સાંભળીને પાસે આવેલા વર્સોવા ગામના અમુક લોકો મહિલાઓ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે તેમની પણ મારપીટ કરવામાં આવી હતી. બન્ને બાજુએથી ૫૦થી ૬૦ લોકો ભેગા થયા હતા. હોટેલના કર્મચારીઓએ બામ્બુ વડે મારપીટની શરૂઆત કરતાં ગ્રામસ્થ ચીડાઈ ગયા હતા અને તેમણે પથ્થરમારો કરીને ત્યાં પાર્ક કરેલી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. એથી ચિડાઈ ગયેલા હોટેલના કર્મચારીઓએ તલવાર જેવા ધારદાર શસ્ત્રથી ગ્રામીણો પર હુમલો કર્યો હતો. ગ્રામીણ લોકોએ આક્ષેપ કર્યો છે કે હોટેલના કર્મચારી ખુલ્લેઆમ તલવાર લઈને આવ્યા હતા. બન્ને તરફથી પથ્થર અને બૉટલ ફેંકાઈ હતી. ઝઘડાને કારણે રસ્તા પર ઊભેલી અમુક કારને પણ નુકસાન થયું હતું. કાચના ટુકડા રસ્તા પર પડ્યા હતા.
ઝઘડામાં ધમાલ વધતાં પોલીસને જાણ કરવામાં આવી અને ઘટનાસ્થળે પહોંચેલા કાશીમીરા પોલીસ-સ્ટેશનના ‌‌અ‌સિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર આનંદ ભગતને પથ્થર વાગતાં તેઓ જખમી થયા હતા. એ ઉપરાંત અનેક ગ્રામીણ યુવકોને ગંભીર ઈજા થઈ હતી. અંતે પોલીસે વધુ કુમક બોલાવી અને પ‌રિ‌સ્થિતિ કાબૂમાં લઈ લીધી હતી. ઍ‌ડિશનલ સુ‌પરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ સંજય પાટીલે કહ્યું કે ‘આ બનાવ બાદ કાશીમીરા પોલીસે કુલ ૪૪ લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાં ફાઉન્ટન હોટેલના ૩૬ કર્મચારીઓ અને ૮ ગ્રામવાસીઓનો સમાવેશ છે. પોલીસે બધા સામે કલમ ૩૫૩, મારપીટ અને દંગલ અંતર્ગત કેસ નોંધ્યો છે. જોકે આ બનાવ બાદ ઘોડબંદર ગામના રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. મામૂલી ‌વિવાદમાં હોટેલના કર્મચારીઓએ તલવારથી હુમલો કર્યો.

mumbai mira road