ચૂંટણી પરિણામ : કેડીએમસીમાં શિવસેનાએ અને કોલ્હાપુરમાં ભાજપે બાજી મારી

02 November, 2015 11:06 AM IST  | 

ચૂંટણી પરિણામ : કેડીએમસીમાં શિવસેનાએ અને કોલ્હાપુરમાં ભાજપે બાજી મારી


 

 

કલ્યાણ ડોમ્બિવલી સુધરાઈ ચૂંટણીમાં શિવસેનાને જબરદસ્ત સફળતા મળી છે.  આ લેખ લખાઈ રહ્યો છે તે દરમ્યાન કુલ 122 બેઠકોમાંથી શિવસેનાએ 52 બેઠકો કબજે કરી સૌથી આગળ છે. જોકે  શિવસેનાની મેયર રહેલી કલ્યાણી પાટિલ ભાજપનાં ઉમેદવાર સામે હારી ગયા છે. રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને ભારે નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ અસદુદ્દીન ઔવેસીની પાર્ટી એમઆઈએમનું ખાતું ખુલ્યું છે. આ લેખ લખાઈ રહ્યો છે તે દરમ્યાન શિવસેનાએ 52, ભાજપે 42, કોંગ્રેસ એનસીપીએ 4, જ્યારે એમએનએસે 9, બસપાએ  1 બેઠક પર જીત નોંધાવી છે જ્યારે અન્યનાં ખાતામાં 9 બેઠકો પર જીત નોંધાઈ છે.


આ વખતે કલ્યાણ- ડોમ્બિવલી સુધરાઈની ચૂંટણીમાં 122માંથી 117 વોર્ડમાં 750 ઉમેદવારોએ પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. ઉલ્લેખનીય છેકે, કલ્યાણ કોમ્બિવલીમાં 2010માં ભાજપને 9 , એનસીપીને 14, કોંગ્રેસને 15 અને શિવસેનાને 31 બેઠકો મળી હતી.


કોલ્હાપુરની 81 બેઠકોમાંથી ભાજપ (+) ને  32 બેઠકો, કોંગ્રેસને  27 બેઠકો પર જીત મેળવી છે જ્યારે એનસીપી  15 અને શિવસેનાને 4 બેઠકો પર જીત મેળવીને સંતોષ માન્યો છે. ઉલ્લેખનીય છેકે કોલ્હાપુરમાં વર્ષ 2010માં ભાજપને 3, એનસીપીને 25, કોંગ્રેસને 31 અને શિવસેનાને 4 બેઠકો મળી હતી.


ઉલ્લેખનીય છેકે કલ્યાણ ડોમ્બિવલીમાં 47 ટકા અને કોલ્હાપુરમાં 68.82 ટકા મતદાન થયું હતું. ભાજપ અને શિવસેના છેલ્લાં 20 વર્ષથી કલ્યાણ ડોમ્બિવલીમાં સત્તા પર  છે. પણ આ વખતે કલ્યાણ ડોમ્બિવલીમાં શિવસેના અને ભાજપ આ વખતે સ્વતંત્ર રીતે ચૂંટણી લડ્યાં હતાં.


બીડમાં ભાજપને ઝટકો લાગ્યો છે. ભાજપ નેતા પંકજા ગોપીનાથ મુંડેનો આ વિસ્તાર હોવા છતાં અહીં ચારમાંથી ત્રણ નગરપાલિકાઓ પર એનસીપી આરૂઢ થઈ છે.