મુંબઈની ઑફિસોમાં મચ્છરોનું ઉદ્ભવસ્થાન

23 October, 2012 05:13 AM IST  | 

મુંબઈની ઑફિસોમાં મચ્છરોનું ઉદ્ભવસ્થાન



ઑક્ટોબર હીટમાં ડેન્ગીના મચ્છરોની ઉત્પત્તિ થતી હોવાથી દરદીઓની સંખ્યા વધી ગઈ હોવાનું કારણ સુધરાઈ આગળ ધરી રહી હતી ત્યાં ડેન્ગીને લીધે જાણીતા ફિલ્મનિર્માતા-દિગ્દર્શક યશ ચોપડાનું મૃત્યુ થતાં સુધરાઈના આરોગ્ય ખાતાની ઊંઘ ઊડી ગઈ છે અને એટલે હાંફળીફાંફળી થઈ ઊઠેલી સુધરાઈએ હવે મુંબઈની તમામ ઑફિસોમાં મચ્છરોના ઉત્પત્તિનાં સ્થળો પર ત્રાટકવાની શરૂ કરી દીધી છે.

મલેરિયા નિયંત્રણમાં આવ્યો હોવાથી આ વર્ષે ગાફેલ રહેનારી મુંબઈ સુધરાઈ હવે ડેન્ગીને લીધે પરેશાન થઈ ગઈ છે. ઑક્ટોબરનાં પ્રથમ ત્રણ અઠવાડિયાંમાં ડેન્ગીના ૧૧૮ દરદીઓ મળી આવ્યા છે. એમાંથી ૬૦ ટકા દરદીઓ તેમના કામને સ્થળે મળી આવ્યા હતા છતાં સુધરાઈનું આરોગ્ય ખાતું ઑક્ટોબર હીટને જ જવાબદાર ગણી રહી છે.

જોકે યશ ચોપડાના મૃત્યુ બાદ સફાળી જાગેલી સુધરાઈએ ગઈ કાલથી મુંબઈની ઑફિસોમાં ચેકિંગ શરૂ કરી દીધું છે. ઑફિસમાં રહેલા વૉટર-કૂલરની ટ્રેમાં જમા થયેલા પાણીમાં મચ્છરો પેદા થઈ શકે છે. એ સિવાય ઍરકન્ડિશનર, ફૂલદાની અને ફેંગ શુઇ ઝાડ વગેરેમાં જમા થયેલા પાણીમાં પણ ડેન્ગીના મચ્છરો તૈયાર થઈ શકે છે એટલે આ બધા પર સુધરાઈની કડક નજર રહેશે.

ડેન્ગીના વધી રહેલા કેસ બાદ સુધરાઈએ દિવસ દરમ્યાન જે ઑફિસોમાં મચ્છર કરડતા હોય ત્યાં ધુમાડો કરવાનું શરૂ કરી દીધું છે. જે વિસ્તારમાં કોઈને ડેન્ગી થયો હોય એ વિસ્તારોમાં આજુબાજુમાં ડેન્ગીનાં લક્ષણો કોઈનામાં જોવા મળે છે કે એના પર પણ એ નજર રાખી રહી છે તેમ જ ઑફિસોમાં જનજાગૃતિ અભિયાન હાથ ધરવાની છે. એ અંતર્ગત ૨૬ અને ૨૭ ઑક્ટોબરે આરોગ્ય શિબિર યોજાવાની છે તેમ જ પ્રાઇવેટ હૉસ્પિટલમાંથી દરદીઓની માહિતી લઈને ડેન્ગીના ટ્રેન્ડનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

યશજીના મૃત્યુની તપાસ થશે

પીઢ ફિલ્મસર્જક યશ ચોપડા ડેન્ગીથી મૃત્યુ પામ્યા હોવાની શંકા છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ તપાસ કરવાની છે કે ખરેખર તેમનું મૃત્યુ ડેન્ગીને લીધે જ થયું હતું કે નહીં. એણે એટલે હૉસ્પિટલમાંથી તેમનું ડેથ-સર્ટિફિકેટ પણ મગાવ્યું છે. સુધરાઈના અધિકારીઓના કહેવા મુજબ યશ ચોપડાના મૃત્યુનું એક્ઝૅક્ટ કારણ શોધી કાઢવામાં આવશે અને એ વિશે આરોગ્ય મંત્રાલયને જાણ કરવામાં આવશે. હાલમાં જ આરોગ્ય ખાતાના પ્રધાન ગુલામ નબી આઝાદે જાહેરાત કરી હતી કે ડેન્ગીથી થયેલા મૃત્યુનું ઑડિટ થશે.