નાગરિક જૂથે ગૃહપ્રધાન સમક્ષ કરી આ માગણી

25 December, 2020 08:53 AM IST  |  Mumbai | Gaurav Sarkar

નાગરિક જૂથે ગૃહપ્રધાન સમક્ષ કરી આ માગણી

ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં કાંદિવલી પૂર્વમાં સીએએના વિરોધમાં કરવામાં આવેલા પ્રદર્શનની ફાઈલ તસવીર

નવા કૃષિ કાયદાઓ સામે દેશભરના ખેડૂતોનાં વિરોધ-પ્રદર્શનો ઉગ્ર બની રહ્યાં છે ત્યારે ઍન્ટિ-સીએએ અને નાગરિક આંદોલન જૂથ ‘હમ ભારત કે લોગ’નું પ્રતિનિધિ મંડળ ગુરુવારે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખને તેમના નિવાસસ્થાન જ્ઞાનેશ્વરી ખાતે મળ્યું હતું અને તેમને ઍન્ટિ-સીએએ સંબંધિત તમામ પેન્ડિંગ કેસો પાછા ખેંચી લેવાની તથા તેમને ખેડૂતોના સમર્થનમાં શાંતિપૂર્ણ વિરોધ નોંધાવવાની પરવાનગી આપવાની વિનંતી કરી હતી.

પ્રતિનિધિ મંડળમાં ફિરોઝ મીઠીબોરવાલા, પ્રકાશ રેડ્ડી, વર્ષા વિદ્યાવિલાસ, બિલાલ ખાન, અમોલ મદામે અને અપર્ણા દલવીનો સમાવેશ થતો હતો. પ્રતિનિધિ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી અનુસાર, ‘દેશમુખે પ્રતિનિધિ મંડળને તમામ કેસો વહેલી તકે પાછા ખેંચી લેવાની ખાતરી આપી હતી.’

સાથે જ ડેલિગેશને ખેડૂતોના સમર્થનમાં કાર્યક્રમ યોજવામાં તેમને પડી રહેલી મુશ્કેલીની દેશમુખને જાણ કરી હતી અને પોલીસ સહકાર આપે અને શાંતિપૂર્ણ દેખાવો કરવાની છૂટ આપે એ માટે વિનંતી કરી હતી. ઍક્ટિવિસ્ટ ફિરોઝ મીઠીબોરવાલાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અમે જ્યારે પોલીસ-સ્ટેશનોને ખેડૂતોના સમર્થનમાં શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શન યોજવાની જાણ કરતો પત્ર સુપરત કરીએ ત્યારે તેઓ અમને લેખિતમાં પરવાનગી આપવાનું ટાળે છે. અમે ઇચ્છીએ છીએ કે એમવીએ સરકાર શહેરભરનાં જાહેર સ્થળોએ શાંતિપૂર્ણ દેખાવો કરવાની પરવાનગી આપવાની પોલીસને સૂચના આપે.’ ગૃહપ્રધાન સાથેની બેઠક વિશે તેમણે જણાવ્યું હતું, ‘તેઓ ઉષ્માપૂર્ણ, મૈત્રીપૂર્ણ હતા અને અમારી સમસ્યા વિશે સમજ મેળવી હતી. ઍન્ટિ-સીએએ વિરોધ સંબંધિત તમામ કેસો રદ કરવાની અમારી વિનંતીના સ્વરૂપથી તેઓ પરિચિત હતા.’

mumbai mumbai news gaurav sarkar