સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગનાર સંજય નિરુપમના કાર્યક્રમને કૉન્ગ્રેસે કૅન્સલ કર્યો

06 October, 2016 06:53 AM IST  | 

સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માગનાર સંજય નિરુપમના કાર્યક્રમને કૉન્ગ્રેસે કૅન્સલ કર્યો



મુંબઈ કૉન્ગ્રેસના વડા સંજય નિરુપમે ગઈ કાલે BJP પર ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇકની વાતો ઘડી કાઢેલી છે એવો શાબ્દિક હુમલો ચાલુ રાખ્યો હતો. જોકે આ માટે સંજય નિરુપમની અમુક લોકોએ આકરી ટીકા કરી હતી. દરમ્યાન સંજય નિરુપમ પર દેશદ્રોહનો કેસ કરવામાં આવે એવી માગણી શિવસેનાએ કરી છે.

સંજય નિરુપમના નિવેદનની આકરી ટીકા થતાં અને નાગરી મુદ્દાઓ પર યોજાનારી બેઠકના પૅનલિસ્ટો બેઠકમાંથી હટી જવાથી કૉન્ગ્રેસે બેઠક રદ કરવી પડી હતી.

સંજય નિરુપમે પોતાના વિરોધથી ડગ્યા વિના BJP સામે આરોપ મૂક્યો હતો કે પાર્ટી રાષ્ટ્રીય સુરક્ષાનું બહાનું બનાવીને રાજકીય લાભ મેળવવા માગે છે અને એની નજર આવનારી ચૂંટણી પર છે. સંજય નિરુપમે ટ્વીટ કરી હતી કે ‘રાષ્ટ્રીય સુરક્ષાના બહાને BJPનો રાજકીય તમાશો ચાલુ છે અને રક્ષાપ્રધાન મનોહર પર્રિકરનું ઉત્તર પ્રદેશ BJP સન્માન કરવાની છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી થવાની છે.’

 આ મુદ્દાને ઝડપી લેતાં શિવસેનાએ સંજય નિરુપમ પર દેશદ્રોહનો કેસ કરવાની માગણી કરીને સેનાની પ્રામાણિકતા વિશે પ્રશ્ન ઊભો કરવા બદલ સંજય નિરુપમની ઝાટકણી કાઢી હતી અને કૉન્ગ્રેસ હાઇકમાન્ડને સંજય નિરુપમને પાર્ટીમાંથી બરખાસ્ત કરવાની સલાહ આપી હતી.

કૉન્ગ્રેસની સત્તાવાર ભૂમિકા કરતાં સંજય નિરુપમ વિરુદ્ધનું સ્ટૅન્ડ લેતા દિલ્હીમાં ટોચના કૉન્ગ્રેસી નેતાઓ પણ નારાજ થયા છે.

 બીજી તરફ સંજય નિરુપમના નિવેદનથી નારાજ સિવિલ સોસાયટીના સભ્યોએ મુંબઈ કૉન્ગ્રેસના એક કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જોકે કૉન્ગ્રેસે આ કાર્યક્રમ રદ થવાનું કારણ જણાવ્યું નહોતું. કાર્યક્રમમાં નાગરિકોને લગતા મુદ્દાઓની ચર્ચા થવાની હતી જેમાં સંજય નિરુપમ પણ ભાગ લેવાના હતા.

 ગઈ કાલે બપોરે ત્રણ વાગ્યે કૉન્ગ્રેસનો પૅનલ ડિસ્કશન કાર્યક્રમ થવાનો હતો. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ સૂચના-કમિશનર શૈલેશ ગાંધી, રાઇટ ટુ ઇન્ફર્મેશન (RTI) ઍક્ટિવિસ્ટ ભાસ્કર પ્રભુ સહિત સિવિલ સોસાયટીના સભ્યો ભાગ લેવાના હતા. જોકે મંગળવારે સંજય નિરુપમની સર્જિકલ સ્ટ્રાઇક પર કરવામાં આવેલી ટિપ્પણી પછી સિવિલ સોસાયટીના સભ્યોએ બેઠકનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો.