શહેરોમાં ભારે વરસાદ અને સરોવરો ટીપે-ટીપે ભરાય છે

13 August, 2020 11:15 AM IST  |  Mumbai Desk | Prajakta Kasale

શહેરોમાં ભારે વરસાદ અને સરોવરો ટીપે-ટીપે ભરાય છે

શહેરમાં ભારે વરસાદ પડ્યો છે ત્યારે કૅચમેન્ટ એરિયામાં ઓછો વરસાદ પડ્યો છે. તસવીર : આશિષ રાજે

મુંબઈ અને થાણે શહેરોમાં વરસાદ જોરદાર વરસે છે, પરંતુ મહાનગર મુંબઈને પાણી પુરવઠો આપતાં સરોવરોમાં વરસાદ પડવાની અને જળસંગ્રહમાં વૃદ્ધિની ગતિ સાવ ધીમી છે. શહેરના પાણી પુરવઠામાં કાપ મૂકવાની હિલચાલો વચ્ચે બાર મહિના પીવાના પાણીની તંગીનું નિવારણ થાય એટલો વરસાદ પડવાની રાહ જોવાઈ રહી છે. છેલ્લા પખવાડિયા જેટલા સમયગાળામાં શહેરમાં વરસાદ ચાલીસેક ઇંચ પડ્યો હોવાનો અંદાજ છે, પરંતુ સરોવરોમાં જળ સંગ્રહનું પ્રમાણ 29 ટકાથી વધીને હાલ પંચાવન ટકા પર પહોંચ્યું છે. સાત જળાશયોમાંથી ફક્ત મુંબઈનું તુલસી સરોવર છલકાયું છે, એક પણ મોટું જળાશય છલકાયું નથી.
ગઈ કાલે મુંબઈનાં ઉપનગરોમાં ભારે વરસાદ પડ્યો હતો. સવારે આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના ગાળામાં પશ્ચિમનાં ઉપનગરોમાં 35 મિલીમીટર અને પૂર્વનાં ઉપનગરોમાં 32 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલું પાણી પશ્ચિમના પરાંમાં સાત વૉટર પમ્પ્સ વડે અને પૂર્વનાં પરાંમાં પાંચ વૉટર પમ્પ્સ વડે ઉલેચવામાં આવ્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાને વૃક્ષો તૂટી પડવાની 25 ફરિયાદો મળી હતી. હવામાન ખાતાએ આજે કલાકના 40થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવા સાથે ઝાપટાં પડવાની આગાહી કરી છે. શહેરને પાણી પુરવઠો આપતાં સરોવરોના જળગ્રાહી વિસ્તારોમાં ભારે વરસાદ પડતો નથી. રોજ ઇંચ-ઇંચના પ્રમાણમાં જળસપાટી વધે છે. સરોવરોના જળસંગ્રહમાં એક દિવસમાં બે ટકા અને અઠવાડિયામાં 18 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. જળસંગ્રહનું પ્રમાણ 5.39 લાખ મિલ્યન લિટરથી વધીને 8.03 લાખ મિલ્યન લિટર (કુલ ક્ષમતાના 55.52 ટકા) પર પહોંચ્યું છે.

prajakta kasale mumbai mumbai news