વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટ ઑફિસનો સ્ટાફ કરશે પીવાના ખરાબ પાણી સામે પ્રોટેસ્ટ

05 November, 2012 05:11 AM IST  | 

વેસ્ટર્ન રેલવેની ચર્ચગેટ ઑફિસનો સ્ટાફ કરશે પીવાના ખરાબ પાણી સામે પ્રોટેસ્ટ



ચર્ચગેટમાં આવેલા વેસ્ટર્ન રેલવેના મુખ્યાલયના આઠ માળના બિલ્ડિંગ અને એની સામે આવેલા જનરલ મૅનેજરના હેરિટેજ બિલ્ડિંગમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે ચર્ચગેટ ઑફિસ બિલ્ડિંગની ઉપર આવેલી પાણીની ટાંકીમાંથી મરેલી બિલાડી અને ઉંદરો દેખાતાં એમને કાઢવામાં આવ્યાં હતાં.

સ્ટાફે દાવો કર્યો હતો કે ઘણા લોકોએ પાણી વાસ મારતું હોવાની અને એના સ્વાદમાં ફરક પડ્યો હોવાની ફરિયાદ કરતાં પાણીની ટાંકી ચેક કરવામાં આવી હતી. ઘણા કર્મચારીઓએ કહ્યું હતું કે ‘અમે રોજ ઘરેથી જ પાણી લઈને આવીએ છીએ. અમે અહીંના નળમાંથી આવતું પાણી પીવાનું બંધ કરી દીધું છે. જે કર્મચારીઓ ખૂબ લાંબે રહે છે તેમણે નાછૂટકે પાણીની બૉટલો ખરીદવી પડે છે.’

વેસ્ટર્ન રેલવેના મુખ્યાલયમાં પાણી સુધરાઈ સપ્લાય કરે છે. એ સિવાય પાણીનાં ટૅન્કરો પણ પાણી પૂરું પાડે છે. રોજ ૧૦,૦૦૦ લિટર પાણી ધરાવતાં ૩૦ વૉટર-ટૅન્કર વેસ્ટર્ન રેલવે લે છે. કેટલાક અધિકારીઓએ એવો તર્ક વ્યક્ત કર્યો હતો કે સિવરેજની લાઇનો ફૂટીને એ પાણી પાઇપલાઇનમાં ઘૂસી જતાં વાસ મારતું પાણી આવતું હશે.

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘના જનરલ સેક્રેટરી અજય સિંહે કહ્યું હતું કે મંગળવાર સુધીમાં પાણીની સમસ્યા દૂર નહીં થાય તો તેઓ ચર્ચગેટ મુખ્યાલય બિલ્ડિંગ સામે ધરણાં કરશે. આ મુદ્દે તેઓ જનરલ મૅનેજર મહેશકુમાર અને પ્રિન્સિપલ ચીફ એન્જિનિયર અનિરુદ્ધ જૈનને મળ્યાં હતા.

વેસ્ટર્ન રેલવેના ડિવિઝનલ રેલવે-મૅનેજર સંદીપ સિલસે કહ્યું હતું કે ‘અમે પાણી શુદ્ધ કરવા માટે પ્યુરિફાયરો પણ લગાવી રહ્યા છીએ. સ્ટાફને મિનરલ વૉટરની બૉટલો પણ આપીએ છીએ. અમે વૉટર-ટૅન્કરના પાણી અને સુધરાઈ દ્વારા સ્ાપ્લાય કરવામાં આવતા પાણીને અલગ-અલગ રાખીએ છીએ.’ વૉટર સપ્લાયના ચીફ એન્જિનિયર રમેશ બામ્બલેએ કહ્યું હતું કે હવે પરિસ્થિતિ કાબૂમાં છે.