ચર્ચગેટના આઇકૉનિક કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લરમાં ઉંદર, એક્સપાયરી ડેટવાળી ફ્લેવર્સ

09 July, 2026 07:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

FDAએ અચાનક પાડેલા દરોડામાં જણાઈ આવી જબરદસ્ત ગંદકી, દુકાન તાત્કાલિક સીલ કરી દેવાઈ અને લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવાયું

કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લરમાં ગંદકી તેમ જ ફરતા ઉંદર જોવા મળ્યાં હતાં.

ચર્ચગેટ સ્ટેશન નજીક બ્રેબર્ન સ્ટેડિયમના બિલ્ડિંગમાં આવેલું અને આઇસક્રીમપ્રેમીઓમાં ભારે લોકપ્રિય એવું પ્રખ્યાત કે. રુસ્તમ ઍન્ડ કંપની આઇસક્રીમ પાર્લર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ની કડક કાર્યવાહીનો ભોગ બન્યું છે. FDA દ્વારા ગઈ કાલે આઇસક્રીમ પાર્લરનું લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ સાથે જ જ્યાં સુધી જપ્ત કરાયેલા ખાદ્ય પદાર્થોની લૅબોરેટરી ટેસ્ટનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી આ પાર્લર સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આઇસક્રીમનાં સૅમ્પલ્સ વધુ તપાસ માટે લૅબમાં મોકલવામાં આવ્યાં છે તેમ જ તાત્કાલિક અસરથી આગળના આદેશ સુધી દુકાન સીલ કરી દેવામાં આવી છે.

FDAના કમિશનર તુકારામ મુંઢેના કડક નિર્દેશો હેઠળ હાથ ધરાયેલી આ ઓચિંતી કાર્યવાહીથી મુંબઈની હોટેલ અને રેસ્ટોરાંના સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાજ્યના નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે એ માટે કમિશનર તુકારામ મુંઢેના માર્ગદર્શન હેઠળ ‘સેફ ફૂડ, સેફ મહારાષ્ટ્ર’ નામની વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત FDAની ટીમે કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લર પર અચાનક દરોડો પાડ્યો હતો. 

મુંબઈ FDAના જૉઇન્ટ કમિશનર પી. આર. સિંગારવાડે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે સાંજે કે. રુસ્તમ આઇસક્રીમ પાર્લરમાં અચાનક દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાં તપાસ દરમ્યાન દુકાનમાં સ્વચ્છતાનો ભારે અભાવ અને નિયમોનું ગંભીર ઉલ્લંઘન જોવા મળ્યાં હતાં. સૌથી આઘાતજનક બાબત એ હતી કે દુકાન તેમ જ સ્ટોરેજ એરિયામાં જીવતા ઉંદરો અને માખીઓનો ભારે ત્રાસ જોવા મળ્યો હતો જે અન્ન સુરક્ષા કાયદા હેઠળ ગંભીર ગુનો છે. આ દરોડા દરમ્યાન આઇસક્રીમ પાર્લરમાંથી મોટા પ્રમાણમાં એક્સપાયરી ડેટવાળા આર્ટિફિશ્યલ ફ્લેવરિંગ એજન્ટ્સ અને એસેન્સ મળી આવ્યાં હતાં. આ નકામાં કેમિકલ્સનો આઇસક્રીમ બનાવવામાં આગળ ઉપયોગ ન થાય એ માટે એને બેસિનમાં નાખીને નષ્ટ કરવામાં આવ્યાં હતાં. એમાં પિસ્તા, પાઇનૅપલ, સ્વીટ ઑરેન્જ, ચેરી, આમન્ડ, અમેરિકન આઇસક્રીમ સોડા, મિક્સ ફ્રૂટ, સ્ટ્રૉબેરી, બ્લૅક કરન્ટ, રમ જમૈકા, લેમન અને પ્લમ જેવી અનેક મોંઘી અને નકલી ફ્લેવર્સનો સમાવેશ હતો.’

mumbai news mumbai churchgate food and drug administration food news mumbai food indian food maharashtra news maharashtra government maharashtra