25 August, 2026 07:27 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
ગૅસ-લીકેજની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓના કર્મચારીઓ દ્વારા ૯૦૦ કિલોની કૅપેસિટી ધરાવતા ક્લોરિન ગૅસ-સિલિન્ડરને બહુ જ સાવધાનીપૂર્વક હૅન્ડલ કરીને સીલ કરવામાં આવ્યું હતું.
નાગપુરના ગોધની નગરપંચાયતની હદમાં આવેલા ફાગુજીનગરમાં આવેલા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી રવિવારે મધરાત બાદ ૩ વાગ્યે ક્લોરિન ગૅસ-લીકેજની ઘટના બની હતી. એથી સાવચેતીના પગલે પ્લાન્ટના ૨૦૦ મીટર સુધીના વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતો. આ ગૅસ-લીકેજને કારણે ૪૦ કરતાં વધુ લોકોને ઊબકા આવવા માંડ્યા હતા અને ઊલટીઓ થવા માંડતાં તેમને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા જેમાંથી સારવાર બાદ ૧૩ જણને રજા આપવામાં આવી હતી, ૩ જણને ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં દાખલ કરાયા હતા જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. એ સાથે ૧૬ લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડતાં તેમને પણ હૉસ્પિટલમાં દાખલ કરી સારવાર અપાઈ હતી.
મૂળમાં પ્લાન્ટમાં ક્લોરિનનાં બે ગૅસ-સિલિન્ડર હતાં જેમાંથી એક ઑપરેશનલ હતું અને એક સ્ટૅન્ડ-બાય હતું. જે સ્ટૅન્ડ-બાય હતું એ સિલિન્ડરમાંથી ગૅલ લિક થયો હતો. ગૅસ લીકની આ ઘટનામાં પ્લાન્ટ પરિસરમાં રહેતા બે કૂતરામાંથી એકનું મોત થયું હતું જ્યારે બીજાને સારવાર આપી બચાવી લેવામાં આવ્યો હતો. બીજી બાજુ ઘટનાની ગંભીરતા જોઈ નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ અને નાગપુર મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા રેસ્કયુ ઑપેરશન ચાલુ કરવામાં આવ્યું હતું. જોકે એમ છતાં લોકોમાં ગભરાટ ફેલાયેલો હતો.
બંધ પ્લાન્ટના ક્લોરિનના સિલિન્ડર સાથે કોણે છેડછાડ કરી એની તપાસ ચાલુ
ગોધનીના રહેવાસીઓને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે આ વૉટર ફિલ્ટરેશન પ્લાન્ટ ઊભો કરાયો હતો, અેનું કામ ચાલી રહ્યું છે. અત્યારે એ પ્લાન્ટ બંધ જ છે અને એમાંથી પાણીની સપ્લાય થતી નથી. રાતના સમયે પ્લાન્ટ બંધ હતો ત્યારે જ્યારે કોઈ કામગાર હાજર નહોતો ત્યારે એ ક્લોરિનના સિલિન્ડર સાથે કોણે અને શા માટે છેડછાડ કરી હશે કે એમાંથી ગૅસ લીકેજ થયો એની તપાસ ચલાવાઈ રહી છે.