ચિપલૂણના ST ડેપો મૅનેજર 9 લાખ રૂપિયા બચાવવા ડૂબેલી બસની છત પર બેસી રહ્યા

28 July, 2021 01:56 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચિપલૂણના એસટી ડેપો મૅનેજર નવ લાખ રૂપિયા બચાવવા માટે ડૂબેલી બસની છત પર કલાકો સુધી બેસી રહ્યા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના ચિપલૂણ શહેરમાં ગયા અઠવાડિયે અનરાધાર વરસાદ વચ્ચે રાજ્ય પરિવહનના બસડેપોના મૅનેજરે ભારે હિંમત દાખવતાં રોજની આવકપેટે એકત્રિત થયેલી નવ લાખ રૂપિયાની રોકડ પૂરના પાણીમાં ગરકાવ ન થઈ જાય એટલા માટે ડૂબી ગયેલી બસની છત પર નવ કલાક બેસી રહ્યા હતા.
ડેપો મૅનેજર રણજિત રાજે-શિર્કેના આ સાહસની તેમના સહકર્મચારીઓ અને અન્ય લોકોએ ભારે સરાહના કરી હતી. કોંકણ પ્રદેશના રત્નાગિરિ જિલ્લાના ચિપલૂણ શહેરમાં ગયા ગુરુવારે ભારે વરસાદને કારણે ગંભીર પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
શહેરના મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન કૉર્પોરેશન (એમએસઆરટીસી) ડેપો ખાતે પણ પાણીનું સ્તર વધી રહ્યું હતું, જેના કારણે સંકુલમાં પાર્ક થયેલી બસો પાણીમાં ડૂબી ગઈ હતી. એમ છતાં હવામાનની પરવા કર્યા વિના રાજે-શિર્કે એક ડૂબી ગયેલી બસની છત પર ચડી ગયા હતા અને રોકડ રકમને બચાવવા માટે નવ કલાક સુધી ત્યાં બેઠા રહ્યા હતા.
કટોકટીની એ સ્થિતિને યાદ કરતાં રાજે-શિર્કેએ મંગળવારે જણાવ્યું હતું કે ‘હું જ્યારે મળસકે ૩.૪૫ વાગ્યે સંકુલમાં પહોંચ્યો ત્યારે મારી ઑફિસમાં ગળાડૂબ પાણી હતું. એમ છતાં હું ઑફિસમાં ગયો અને ત્યાં રાખેલા રોજિંદી આવકના નવ લાખ રૂપિયા લઈ લીધા. જોકે ભારે પૂરના કારણે હું ડેપો છોડી શક્યો નહીં. રોકડને નુકસાન ન થાય એથી મેં એને પ્લાસ્ટિકની થેલીમાં વીંટી દીધી અને હું અને મારો અન્ય સહકર્મચારી સવારે છ વાગ્યે એક ડૂબેલી બસની છત પર ચડી ગયા.આખરે પોલીસે આવીને અમને બચાવ્યા હતા.’

Mumbai Mumbai news Chiplun