ભારત માટે પાકિસ્તાન કરતાં ચીન વધારે જોખમી : શરદ પવાર

13 July, 2020 11:32 AM IST  |  Mumbai Desk | Agencies

ભારત માટે પાકિસ્તાન કરતાં ચીન વધારે જોખમી : શરદ પવાર

શરદ પવાર (ફાઇલ ફોટો)

લદ્દાખની ગલવાન સરહદ પર તંગદિલીના માહોલના અનુસંધાનમાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના પ્રમુખ શરદ પવારે જણાવ્યું હતું કે ભારત માટે પાકિસ્તાન કરતાં વધારે મોટો દુશ્મન ચીન છે અને ચીન સૌથી વધારે જોખમી દેશ છે. શિવસેનાના મુખપત્ર ‘સામના’માં ત્રણ ભાગની મુલાકાતનો બીજો ભાગ ગઈ કાલના અંકમાં પ્રકાશિત થયો હતો.
ભૂતપૂર્વ સંરક્ષણપ્રધાને જણાવ્યું હતું કે ‘ચીનની લશ્કરી તાકાત ભારત કરતાં દસ ગણી છે. વળી નેહરુથી માંડીને મોદી સુધી ચીન પ્રત્યેની વિદેશનીતિ જેમની તેમ રહી છે. ચીને ભારતના પાડોશી દેશોને લલચાવી-ફોસલાવીને પોતાની તરફેણમાં કરી લીધા છે. માત્ર પાકિસ્તાન નહીં, પણ નેપાલ, બાંગલા દેશ અને શ્રીલંકાને પણ પોતાની તરફેણમાં કરી લીધા છે. મોદી વડા પ્રધાન બન્યા પછી કાઠમંડુમાં પશુપતિનાથના મંદિરે દર્શન કરવા ગયાં ત્યારે તેમણે નેપાલનાં વખાણ કરતાં એ હિન્દુ રાષ્ટ્ર ભારતનું ખરું મિત્ર હોવાનો દાવો કર્યો હતો. આજે નેપાલ કેમ ભારતને સાથ આપતું નથી ? આ સંજોગોમાં ભારતે વાટાઘાટો અને રાજદ્વારી માર્ગોના માધ્યમથી ચીન પર આંતરરાષ્ટ્રીય દબાણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.’
શરદ પવારે જણાવ્યું હતું કે ‘આપણે દુશ્મનની વાત કરીએ તો સૌથી પહેલાં પાકિસ્તાનનું નામ આપણી નજર સામે આવે છે, પરંતુ આપણે પાકિસ્તાનની ઝાઝી દરકાર કરવાની જરૂર નથી, કારણ કે ભારતનાં હિતોને નુકસાન કરવાની શક્તિ, દૃષ્ટિ અને આયોજનબદ્ધ કાર્યક્રમ ચીન પાસે છે. ફક્ત દોસ્તીનું ચિત્ર ઊભું કરીને બે દેશો વચ્ચેના વાંધા અને સમસ્યાઓ ઉકેલી ન શકાય. આપણે ચીન પર આક્રમણ તો કરી શકીએ, પરંતુ એમાં ડહાપણ નથી. એક આક્રમણની આખા દેશે ભારે કિંમત ચૂકવવી પડે એમ છે.’

sharad pawar china pakistan mumbai international news national news