ચાઇનાના મેડ ઇન ઇન્ડિયા ફટાકડાની દિવાળીમાં ધૂમ

23 October, 2011 06:19 PM IST  | 

ચાઇનાના મેડ ઇન ઇન્ડિયા ફટાકડાની દિવાળીમાં ધૂમ

 

 

(કાજલ ગોહિલ-વિલ્બેન)

લાલબાગ, તા. ૨૩

લાલબાગમાં આવેલા ખામકર મસાલે ફટાકડાની દુકાનની સ્થાપના ૧૯૭૩માં થયેલી. બારે માસ ફટાકડા સિવાય મરચાં-હળદર જેવા ગરમ મસાલાનો વેપાર કરતા ખામકર મસાલેના માલિક સંકેત ખામકરે આ દિવાળી પર ધૂમ મચાવનાર ‘મેડ ઇન ઇન્ડિયા’ ચાઇના ફટાકડા વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી બજારમાં ચીનના સસ્તા ફટાકડા મળી રહ્યા હતા, પણ આ ફટાકડાઓ ખૂબ જોખમી પુરવાર થતાં ચાઇનીઝ કંપનીઓએ સેફ પણ ચીપ ફટાકડાઓ બનાવવા માટે ચેન્નઈના શિવાકાશી ગામના કેટલાક ફટાકડા બનાવનારાઓ સાથે ટાઇ-અપ કર્યું છે. આ ગામમાં મોટા ભાગે ફટાકડાનું કામ થતું હોય છે, કારણ કે અહીં દારૂગાળો વધુ  પ્રમાણમાં સરળતાથી મળી રહે છે. ચીનના આ ‘મેડ ઇન ઇન્ડિયા’ ફટાકડાને લીધે સસ્તી અને સેફ દિવાળીની ઉજવણી શક્ય થશે.’

બાળકો માટેની ખાસ વરાઇટી

વેસ્ટર્ન મુંબઈ આખું અને સેન્ટ્રલ મુંબઈના એક મોટા ફટાકડાના ડીલર તરીકે ઓળખ ધરાવતા ખામકર મસાલેના માલિક સંકેત ખામકરે બાળકો માટે બજારમાં મૂકવામાં આવેલા ખાસ ફટાકડા વિશે કહ્યું હતું કે ‘વનિતા નામની નવી કંપનીએ બાળકોની સેફ્ટીને ધ્યાનમાં લઈને એક ખાસ પ્રકારની મૅજિક સ્ટિક (પેન્સિલ) બજારમાં મૂકી છે જેને હાથમાં પકડીને સળગાવો અને ભૂલથી એના તણખલા કોઈ વ્યક્તિ પર ઊડે તો તે દાઝતી નથી. આ આઇટમની ડિમાન્ડ પણ બાકી ફટાકડાઓની સરખામણીમાં ઘણી વધુ છે. એનો માલ આવે કે તરત જ વેચાઈ જાય છે. આ ઉપરાંત બાળકો માટે વિવિધ પ્રકારના હાથમાં તેમ જ જમીન પર પછાડીને ફોડવાના (આપટી) બૉમ્બ, રંગબેરંગી નાના-મોટા ફુવારા તથા માચીસ જેવા દેખાતા બૉમ્બ પણ બજારમાં આવ્યા છે. નાનાં બાળકોના કાનના પડદાની નાજુકતા અને ધ્વનિપ્રદૂષણના કાયદાને ધ્યાનમાં લઈને આ વખતે બજારમાં આવેલા સૂતળી બૉમ્બમાં દારૂગોળાનું પ્રમાણ ઓછું કરી નાખ્યું છે, જેથી મોટા અવાજને લીધે લોકો અને પ્રકૃતિને થતું નુકસાન ઘટાડી શકાય.’

મોંઘવારીની અસર

સરકાર દ્વારા થઈ રહેલા સતત ભાવવધારાની કેટલીક અસર આ દિવાળી પર પડશે એ વિશે સંકેત ખામકરે કહ્યું હતું કે ‘આમ તો છેલ્લાં દસ વર્ષમાં ફટાકડાના વેપારને મોંઘવારી ઘણી નડી છે. પહેલાં લોકો દિવાળીના પાંચ-છ દિવસ પહેલાં અને પાંચ દિવસ બાદ એમ કુલ પંદર દિવસ ફટાકડા સાથે દિવાળીની ઉજવણી કરતા હતા. એની જગ્યાએ તેઓ હવે ફક્ત દિવાળીના મુખ્ય પાંચ-છ દિવસ જ ફટાકડા ફોડે છે. હાલમાં થયેલા ભાવવધારાની અસરરૂપે જે લોકો ૫૦૦૦ રૂપિયાના ફટાકડા લેતા હશે તે આ વર્ષે ૩૦૦૦ રૂપિયાના ફટાકડા સાથે પોતાની દિવાળી ઊજવશે અને ૧૦૦૦ રૂપિયાના ફટાકડા મુશ્કેલીથી લઈ શકનારને ૫૦૦ કે ૩૦૦ રૂપિયાના ફટાકડા સાથે જ પોતાનું અને પોતાનાં બાળકોનું મન મનાવવું પડશે. એક સમય હતો જ્યારે લોકો દિવાળીના પાંચ દિવસે લડી (ફટાકડાની લાંબી લૂમ) લગાવતા, પણ હવે ખિસ્સાની મયાર્દાને લીધે પારંપરિક રીતે લક્ષ્મીપૂજનના દિવસે જ લોકો ફટાકડાની લૂમ સળગાવે છે.’

ફટાકડાઓમાં પ્રમુખ ગણાતી ભારતીય કંપનીઓ સ્ટાન્ડર્ડ, સોની અને અનિલ છે; પણ વનિતા નામની નવી કંપની દ્વારા લૉન્ચ કરવામાં આવેલી મૅજિક સ્ટિકને લીધે લોકો એને એક સેફ ફટાકડા કંપની તરીકે જોવા લાગ્યા છે. આ ઉપરાંત ખૂબ જ ઓછા બજેટ ધરાવતા લોકો માટે ‘મેડ ઇન ઇન્ડિયા’ ચાઇના ફટાકડા આર્શીવાદરૂપ સાબિત થશે.