સાઇક્લોનથી પ્રભાવિત રાયગડમાં સરકાર 100 કરોડની સહાય કરશે

06 June, 2020 08:21 AM IST  |  Mumbai | Agencies

સાઇક્લોનથી પ્રભાવિત રાયગડમાં સરકાર 100 કરોડની સહાય કરશે

બુધવારે ‘નિસર્ગ’ સાયક્લોન ત્રાટકવાથી નુકસાનનું નિરીક્ષણ કરવા ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાયગઢ જિલ્લાના અલીબાગ પહોંચ્યા હતા.

ત્રણ દિવસ પહેલાં ‘નિસર્ગ’ વાવાઝોડાને કારણે સૌથી વધારે નુકસાન સહન કરનારા રાયગડ જિલ્લાને ૧૦૦ કરોડ રૂપિયાની સહાયની જાહેરાત ગઈ કાલે મુખ્ય પ્રધાને કરી હતી. રાયગડ જિલ્લાની મુલાકાતે ગયેલા મુખ્ય પ્રધાને જિલ્લામાં નુકસાનનું નિરીક્ષણ કર્યા પછી અલીબાગમાં સહાયની જાહેરાત કરી હતી. નુકસાનનો ક્યાસ કાઢવાની કાર્યવાહી વહેલી તકે પૂરી કરવાનો આદેશ સરકારી અધિકારીઓને આપવામાં આવ્યો હોવાનું પણ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું. મુખ્ય પ્રધાન સાથે મુંબઈ શહેરના પાલક પ્રધાન આદિત્ય ઠાકરે, મુંબઈના ઉપનગર ક્ષેત્રના પાલક પ્રધાન અસલમ શેખ અને રાયગડ જિલ્લાનાં પાલક પ્રધાન અદિતિ તટકરે હતાં. રાયગડનાં જિલ્લા કલેક્ટર નિધિ ચૌધરીએ વાવાઝોડું પસાર થઈ ગયા પછીની સ્થિતિની માહિતી મુખ્ય પ્રધાનને આપી હતી.

વરસાદમાં કોરોનાનો રોગચાળો વધવાની શક્યતા દર્શાવતાં મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે ‘હાલમાં જિલ્લાને ફાળવવામાં આવેલી ૧૦૦ કરોડ રૂપિયાની રકમ ‘ઇમર્જન્સી રિલીફ’ રૂપે આપવામાં આવી છે. આ કોઈ પૅકેજ નથી. આપણે રહેઠાણના સમારકામ ઉપરાંત સંદેશવ્યવહાર અને વીજપુરવઠો રાબેતા મુજબનો કરવાની કામગીરી પાર પાડવાની છે. કોરોનાનો રોગચાળો વરસાદમાં વધવાની શક્યતા છે. એ ઉપરાંત આપણે ચોમાસાની ચેપી બીમારીઓને પણ ડામવાની છે.’

ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે ‘નિસર્ગ’ સાઇક્લોન રાયગડ જિલ્લાના શ્રીવર્ધન-મુરુડના દરિયાકિનારે ત્રાટક્યું હતું, જેને કારણે અહીં ભારે વરસાદ અને હવાને લીધે મોટા પાયે નુકસાન થયું હતું.

પુણેમાં વાવાઝોડાથી થયેલા નુકસાનની અજિત પવારે સમીક્ષા કરી

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે પુણેમાં નિસર્ગ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની ગુરુવારે સમીક્ષા કરી હતી અને જિલ્લાના વહીવટી તંત્રને નુકસાનની આકારણી કરવા માટે તત્કાળ તપાસ હાથ ધરવાની સૂચના આપી હતી.

એક સત્તાવાર યાદી અનુસાર અજિત પવારે સ્થાનિક જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓ સાથે વાત કરીને પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લાના શહેરી તથા ગ્રામીણ વિસ્તારોમાં થયેલા નુકસાનની વિગતો જાણી હતી.

પવારે સ્થાનિક વહીવટી તંત્રને વાવાઝોડાને કારણે થયેલા નુકસાનની તત્કાળ આકારણી કરવા માટે સ્થળોની તપાસ હાથ ધરવાની સૂચના આપી છે. યાદી અનુસાર વાવાઝોડાને કારણે જિલ્લાના માવળ, અંબેગાંવ, જુન્નર, ખેડ, વેલ્હે અને મુળશી તાલુકાઓને નુકસાન પહોંચ્યું હતું.

બુધવારે બપોરે રાયગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારો પર ત્રાટકેલા વાવાઝોડામાં સ્કૂલ, લોકોનાં ઘરો, શાકભાજીના પાક અને વાડીઓને તથા વીજળીના વાયરોને નુકસાન પહોંચવાની સાથે વીજળીના થાંભલા પડી ગયા હતા.

અજિત પવારે પોલીસ જવાનો, એનડીઆરએફની ટીમો, લાઇફ ગાર્ડ, સ્થાનિક વહીવટી તંત્ર, સ્વાસ્થ્ય કાર્યકરો, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા રાહત કાર્યમાં ભાગ લેનારા અન્ય કર્મચારીઓનો આભાર માન્યો હતો.

mumbai mumbai news uddhav thackeray raigad cyclone nisarga