છેલ ભલે ગયો, કામ તો છેલ-પરેશના નામે જ થશે : પરેશ

14 November, 2014 03:29 AM IST  | 

છેલ ભલે ગયો, કામ તો છેલ-પરેશના નામે જ થશે : પરેશ





રશ્મિન શાહ

ગુજરાતી, હિન્દી અને મરાઠી રંગભૂમિ પર છેલ્લાં ૪૯ વર્ષથી એકધારી અને વણલખી પાર્ટનરશિપમાં સેટ-ડિઝાઇનર તરીકે ઍક્ટિવ રહેલા છેલ-પરેશ પૈકીના છેલ વાયડાનું બુધવારે નિધન થયા પછી તેમના પાર્ટનર પરેશ દરુએ છેલ-પરેશનું નામ જ ચાલુ રાખવાનો અને ભાઈબંધ-કમ-પાર્ટનર એવા છેલભાઈની ગેરહાજરીમાં પણ એ પાર્ટનરશિપ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. પરેશભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ ગયો છે, પણ પરેશ તો હજી છે જ અને જ્યાં સુધી પરેશ છે ત્યાં સુધી ‘છેલ-પરેશ’ની ભાગીદારી પણ ચાલુ રહેશે. નાટકોમાં સેટ-ડિઝાઇનિંગનું કામ પણ એ જ રીતે થતું રહેશે જે રીતે છેલની હાજરીમાં થતું હતું અને એ પછી જેકોઈ ઇન્કમ થશે એમાંથી છેલનો ભાગ પણ તેમનાં વાઇફ કુસુમબહેનના હાથમાં પહોંચશે. છેલ-પરેશ એક હતા અને જ્યાં સુધી એક હયાત છે ત્યાં એ બે એક જ રહેવાના છે.’

છેલ-પરેશની જોડી ૧૯૬૫થી સાથે કામ કરી રહી છે. બન્નેએ પોતાની કરીઅર દરમ્યાન ૫૦૦થી વધુ નાટકો, ૩૦થી વધુ ફિલ્મો અને અઢળક ટીવી-સિરિયલોનું આર્ટ-ડિઝાઇનિંગ કર્યું છે. પોતાની ભાઈબંધી અને ભાગીદારી વિશે વાત કરતાં પરેશભાઈએ કહ્યું હતું કે ‘અમે જે દિવસે એક થયા એ જ દિવસે અમારે સ્પષ્ટતા થઈ હતી કે ભાગીદારી તોડાવવાનું કામ ખાલી બે મુદ્દે થાય, એક પૈસો અને બીજો બૈરાં; આપણે આ બેને આપણા કામમાં અને ભાઈબંધીમાં ક્યાંય વચ્ચે નહીં લઈ આવીએ. આ નિયમ અમે કાયમ પાળ્યો છે. બૈરાંઓને વચ્ચે ક્યારેય લાવ્યા નહીં અને વાત રહી પૈસાની, તો ચાર આના તે વધારે લે તો મને ફરક ન પડે અને હું ચાર આના વધારે લઈ લઉં તો તે પૂછે પણ નહીં. જો હયાતીમાં પણ પૈસાની બાબતમાં એકબીજાની ગેરહયાતી જેવું વર્તન રાખ્યું હોય તો પછી આજે શું કામ મને બીજું કાંઈ સૂઝે. નામ એમ જ ચાલુ રહેશે અને ભાગીદારી પણ એવી જ રહેશે.’

મજાની વાત એ છે કે આટલી ઝિંદાદિલીથી નિર્ણય લેનારા પરેશભાઈને નવા નાટકની ઑફર પણ આવી ગઈ છે અને તેમણે એ નાટક ‘છેલ-પરેશ’ નામ સાથે સ્વીકાર્યું છે.