"લાકડાં વચ્ચે જ રહ્યો છું અને લાકડાં પર જ જવાનો છું" : છેલ વાયડા

13 November, 2014 05:54 AM IST  | 

"લાકડાં વચ્ચે જ રહ્યો છું અને લાકડાં પર જ જવાનો છું" : છેલ વાયડા




રશ્મિન શાહ

૧૯૬૪થી ગઈ કાલ સુધીમાં હિન્દી અને મરાઠી સહિત પાંચસોથી વધુ ગુજરાતી નાટકોનું સેટ-ડિઝાઇનિંગ; ગુજરાતી, હિન્દી, મરાઠી, ઉડિયા અને ભોજપુરી જેવી ત્રીસ ફિલ્મનું આર્ટ-ડિરેક્શન; સોથી વધુ અવૉર્ડ્સ; ૪૯ વર્ષની કારકિર્દી અને એક મકસદ કે નાનકડા સ્ટેજ પર દુનિયા ઊભી કરવી.

સેટ-ડિઝાઇનર છેલ-પરેશની જોડી ગઈ કાલે તૂટી અને છેલ આણંદજી વાયડાનું ગઈ કાલે નિધન થયું. આવતા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેમની સેટ-ડિઝાઇનિંગ કરીઅરને પચાસ વર્ષ પૂરાં થઈ રહ્યાં હતાં. ઘરના બધા તેમને હવે રિટાયરમેન્ટ લેવા સમજાવી રહ્યા હતા. છેલભાઈને સમજાવવાનું કામ અને એ પણ કામ છોડવાની બાબતમાં સમજાવવાનું કામ બહુ અઘરું ગણાય એટલે એ કામ બહુ ધીરજથી અને તેમનો ગુસ્સો કાબૂમાં રહે એ રીતે કરવું પડે. બધાને ધીરજપૂર્વક સાંભળ્યા પછી તેમણે પોતાના એક નાટકના યુનિટના બધા મેમ્બરોને ઘાટકોપરમાં ભૂરીબેન ઑડિટોરિયમની બહાર કહ્યું હતું કે એ લોકો બધા ભલે સમજાવવાનું કામ કરે, પણ આખી જિંદગી લાકડાં વચ્ચે રહ્યો છું અને લાકડાં વચ્ચે જ એ છોડવાનો છું.

દ્વારકા, ભુજ, મુંબઈ

છેલભાઈનો જન્મ દ્વારકામાં ગૂગળી બ્રાહ્મણ એવાં આણંદજીભાઈ અને જયાકુંવરબહેનની ઘરે થયો હતો. ચાર ભાઈ અને ત્રણ બહેનમાં તેમનો સાતમો નંબર એટલે કે ઘરમાં સૌથી નાના. જીવનની શરૂઆતનાં દસ વર્ષ તેઓ દ્વારકામાં રહ્યા અને પછી બા-બાપુજી ભુજ શિફ્ટ થયાં એટલે તેમની સાથે ભુજ આવ્યાં. ભુજમાં તેમણે સ્કૂલ ઑફ આર્ટ્સમાં ઍડ્મિશન લઈને પેઇન્ટિંગમાં એલિમેન્ટરી, ઇન્ટરમિડિયેટ પછીના ઍડ્વાન્સ સુધીનો કોર્સ કર્યો. ભણવાનું ચાલુ હતું ત્યારે છેલભાઈ વાહનની નંબર-પ્લેટથી લઈને દુકાનનાં હોર્ડિંગ્સ ચીતરવા જતા. ૨૦૦૧માં ભુજમાં ધરતીકંપ આવ્યો ત્યારે પર્વતની જેમ કડક રહી શકતા છેલભાઈ પણ રડી પડ્યા હતા. એ સમયે તેમણે કહ્યું હતું કે હવે તો એ દુકાનો પણ રહી નહીં જેના માથે મેં બનાવેલાં પાટિયાં ટક્યાં હતાં.

ભણવાનું પૂરું કર્યા પછી છેલભાઈ વાયડાને સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં અસિસ્ટન્ટ ડ્રાફ્ટ્સમૅનની જૉબ મળી. ત્યાં તેમને ટેક્નિકલ નૉલેજ મળ્યું જે સ્ટેજ પર કામ લાગ્યું.

ડ્રાફ્ટ્સમૅનની જૉબ ચાલુ હતી ત્યારે છેલભાઈના મોટા ભાઈ મુંબઈ આવીને સેટ થઈ ગયા હતા. છેલભાઈને મુંબઈ સહેજ પણ ગમતું નહીં. ભીડ અને ભાગતા લોકો એ સમયે પણ મુંબઈમાં હતા જ અને એ બધાથી તેમને ત્રાસ થતો, પણ વેકેશનમાં એક વાર મોટા ભાઈના ઘરે આવ્યા ત્યારે મોટા ભાઈએ છેલભાઈની જે. જે. સ્કૂલ ઑફ આર્ટના ડિરેક્ટર ડૉ. ડી. જી. વ્યાસ સાથે ઓળખાણ કરાવી અને ડી. જી. વ્યાસે તેમને રણમાંથી નીકળીને દરિયા વચ્ચે આવવાની સલાહ આપી. છેલભાઈ ડી. જી. વ્યાસને તેમના નામથી અને તેમની સાઇનથી ઓળખતા. એક સમયે છેલભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મને પેઇન્ટિંગનાં જે કોઈ સર્ટિફિકેટ મળ્યાં હતાં એ બધામાં વ્યાસસાહેબની જ સાઇન હતી. હું તો તેમને મનોમન ગુરુ માનતો. તેમણે જે. જે. સ્કૂલમાં આવવાનું કહ્યું એટલે બંદા તૈયાર થઈ ગયા અને ૧૯૬૦માં મુંબઈ સેટલ થવા આવી ગયો.’

મુંબઈમાં છેલભાઈની ઓળખાણ ઍક્ટર-ડિરેક્ટર હની છાયા સાથે થઈ અને હની છાયા તેમને રંગમંચ સુધી લઈ આવ્યા. ૧૯૬૩માં છેલભાઈએ ઇન્ટરસ્ટેટ લેવલના ડ્રામા કૉમ્પિટિશનમાં નાટક ‘ઇન્સ્પેક્ટર કૌલ’નું સેટ-ડિઝાઇનિંગ મૉડિફાઈ કર્યું અને એ મૉડિફિકેશને તેમને કાયમ માટે સ્ટેજ પર ગોઠવી દીધા. ૧૯૬૪માં ‘પરિણીતા’ નામનું નાટક આવ્યું જેમાં છેલભાઈએ સ્વતંત્ર રીતે સેટ-ડિઝાઇનર તરીકે કામ કર્યું અને એ તેમના માટે પહેલું નાટક બન્યું. મજાની વાત એ છે કે કૉમ્પિટિશનમાં મુકાયેલા એ નાટકને એક જ પ્રાઇઝ મળ્યું અને એ પણ બેસ્ટ સેટ-ડિઝાઇનિંગનું. ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં એ અગાઉ ક્યારેય કોઈ નાટકના સેટ માટે પ્રાઇઝ આપવામાં આવ્યું નહોતું. છેલભાઈથી એની શરૂઆત થઈ.

અને એન્ટ્રી થઈ પરેશ દરુની...

૧૯૬૬ના વર્ષની વાત છે. ત્યાં સુધીમાં છેલભાઈએ ચારેક નાટકના સેટ ડિઝાઇન કરી લીધા હતા. છેલભાઈએ નાટકના સેટ ડિઝાઇન કર્યા હતા એમાંથી એક નાટક જોઈને જે. જે. સ્કૂલ ઑફ આર્ટના હાઉસ ડેકોરેશનના ક્લાસમાં લેક્ચર લેતા પ્રોફેસર પરેશ દરુએ સામેથી તેની સાથે જોડાવાની ઑફર મૂકી. સર સાથે કામ કેવી રીતે થાય એ દેખીતી અવઢવ છેલભાઈના મનમાં આવી, પણ પરેશભાઈની તૈયારી તો છેલ વાયડાના અસિસ્ટન્ટ બનવાની પણ હતી. છેલ-પરેશ સાથે હતા ત્યારે આ બાબતમાં વાત થઈ હતી. છેલભાઈએ કહ્યું હતું કે ‘હું જેને સાહેબ કહેતો હોઉં તે મારી સાથે પાર્ટનર બને અને પાર્ટનર બન્યા પછી જિગરજાન ભાઈબંધ બને એવું તો ધાર્યું પણ નહોતું, પણ ન જાણ્યું જાનકી નાથે. બધું એવું જ બન્યું જે અમને અને ઈશ્વરને જોઈતું હતું. આજે એવી પરિસ્થિતિ છે કે છેલ બોલે એટલે એ પરેશને પણ મંજૂર હોય એવું લાગે અને પરેશ બોલે એ વાત સાથે છેલ પણ સહમત છે એવું જ બધા ધારી લે છે. અમારે કોઈક વાર તો કહેવું પણ પડે છે કે ભાઈ, અમારા પર આટલો વિશ્વાસ નહીં રાખો; અમને પણ મતભેદ હોઈ શકે છે.’

કુલ ૫૬ ડિરેક્ટર

પાંચસોથી વધુ નાટકો કરનારા છેલ-પરેશે નાટકોનો આંકડો ગણવાનું બંધ કરી દીધું હતું અને છેલ્લા થોડા સમયથી ડિરેક્ટર ગણવાનું શરૂ કરી દીધું હતું. આ જોડીએ અત્યાર સુધીમાં ૫૬ ડિરેક્ટર સાથે કામ કર્યું છે. એમાં ચંદ્રવદન ભટ્ટ, કાન્તિ મડિયા, વિજય દત્ત, પ્રવીણ જોષી, અરવિંદ જોષી, અરવિંદ ઠક્કર, શૈલેશ દવેથી લઈને હોમી વાડિયા અને વિપુલ મહેતાનો સમાવેશ થાય. નાટક-જગતની ત્રીજી પેઢી સાથે છેલભાઈ અત્યારે કામ કરતા હતા. નવી પેઢી પાસેથી નવું લેવાની અને જૂની પેઢીમાંથી શીખ્યા હોય એ બધું આપવાની તૈયારી તે હંમેશાં રાખે. છેલભાઈ દૃઢપણે માનતા કે નાટકમાં સેટ બનાવવો એટલે ખાલી ઘર ઊભું કરવું કે ઘરને ડેકોરેટ કરવું એમ નહીં, પણ આર્ટ ઑફ હિસ્ટરી પણ એમાં જોડાયેલી છે. ઘર કોનું છે, એની કમ્યુનિટી કઈ છે, એ કમ્યુનિટીની ખાસિયત શું છે, એની લાક્ષણિકતા અને પરંપરાગત શૈલીથી લઈને ઘરમાં રહેનારાનો સ્વભાવ પણ એ સેટ પરથી દેખાવો જોઈએ.

છેલભાઈએ નાટકો ઉપરાંત ‘દાદા હો દીકરી’, ‘કંકુ’, ‘લાખો ફુલાણી’, ‘કાશીનો દીકરો’ જેવી ગુજરાતી ફિલ્મોનું આર્ટ-ડિરેક્શન કર્યું તો દીકરા સંજય છેલની ‘ખૂબસૂરત’ જેવી હિન્દી ફિલ્મોનું આર્ટ-ડિરેક્શન પણ કર્યું. જોકે આ બધાં કામોના અંતે તો તેમને ફરીથી નાટકો જ સૂઝતાં અને એ નાટકો માટે ફરીથી રંગભૂમિ તરફ વળી જતા. ૨૦૧૦ પછી તો તેમણે માત્ર રંગભૂમિ સાથે જ જોડાયેલા રહેવાનો મનોમન નિર્ધાર કરી લીધો જે અંતિમ શ્વાસ સુધી જાળવી રાખ્યો. ગઈ કાલે સવારે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે પણ તેમણે હાથમાં રહેલા નાટક ‘મારી વાઇફ મૅરી કૉમ’ના સેટની ડિઝાઇન અને એના સ્કેલ પૉઇન્ટ્સ ફાઇનલ કર્યા અને એ પછી અંતિમ શ્વાસ લઈ લાકડાં વચ્ચેની જિંદગી લાકડાં વચ્ચે જઈને પૂરી કરી.

નવા નાટકના સેટની ફાઇનલ ડિઝાઇન પૂરી કરીને એક્ઝિટ લીધી

રંગભૂમિના પાયાના પથ્થર જેવા સેટ-ડિઝાઇર છેલ-પરેશ પૈકીના છેલ વાયડા છેલ્લી ક્ષણ સુધી સ્ટેજ સાથે જોડાયેલા રહ્યા હતા અને ગઈ કાલે તેમનો દેહાંત થયો એ પહેલાં તેમણે પ્રોડ્યુસર સંજય ગોરડિયાના આવતા મહિને ઓપન થનારા નાટક ‘મારી વાઇફ મૅરી કૉમ’ના સેટની ડિઝાઇન પણ પૂરી કરી હતી. મંગળવારે સંજય ગોરડિયાએ તેમને ફોન કર્યો હતો અને ફોન પર ડિઝાઇનની ઉઘરાણી કરી હતી. સંજય ગોરડિયા કહે છે, ‘અમારી વચ્ચે કોડવર્ડથી વાત થાય. માલ ક્યાં છે ભાઈ એવું હું પૂછું એટલે તે જવાબ પણ કંઈક એવો જ આપે. મંગળવારે વાત થઈ ત્યારે તેમણે કહ્યું હતું કે સવાર પહેલાં મળી જશે, તારો મિસ્ત્રી મોકલી દેજે... અને જો, સૈયદ સિવાય બીજા કોઈને નહીં મોકલતો.’

મંગળવારે રાતે છેલભાઈએ મોડે સુધી કામ કર્યું અને સવારે જાગ્યા પછી પણ તે સીધા ‘મારી વાઇફ મૅરી કૉમ’ના કામ પર લાગી ગયા હતા. આખા સેટની પર્ફે‍ક્ટ ડિઝાઇન રેડી થયા પછી જ તે ઊભા થયા. સંજય ગોરડિયા કહે છે, ‘સવારે મને છેલભાઈના સન સંજયનો ફોન આવ્યો. તેણે મને કહ્યું કે તમારા સેટની ડિઝાઇન સ્કેલ સાથે રેડી છે, ટેબલ પર જ પડી છે. તમારા સજેશનનો કાગળ અને નાટકમાં તમારી જે જરૂરિયાત છે એનો કાગળ પણ ટેબલ પર જ પડ્યો છે. બધું એમનું એમ જ છે, બસ પપ્પા નથી હવે...’