09 February, 2026 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
છત્રપતિ સંભાજીનગરના પૈઠણ તાલુકાના ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન (EVM) બૂથમાં શિવસેનાના વિધાનસભ્ય વિલાસ ભૂમરે તેમના ટીનેજ દીકરાને લઈને ગયા બાદ ગઈ કાલે ફરજ બજાવતા ૩ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જિલ્લાપરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી દરમ્યાન મતદાનના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાથી ભારે હોબાળો થયો હતો. આ ઘટના સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થઈ હતી. કાર્યવાહીને પગલે મતદાનમથક ૫૮/૭નાં વડાં દિલીપા નરવડે, બૂથ-ઑફિસર સંગીતા કેદાર અને હોમગાર્ડ રેણુકા બોમ્બલેને ઘટનાનો તપાસ-રિપોર્ટ સબમિટ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
સાંગલીમાં પણ શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ઉમેદવાર અર્જુનસિંહ મોહિતે પાટીલ યશવંતનગર ખાતેના મતદાનમથકની અંદર તેમના ટીનેજ દીકરાને લઈને પહોંચ્યા હતા. ટીનેજરે EVMનું બટન પણ દબાવ્યું હતું. જોકે બન્ને બનાવમાં ટીનેજરો ફક્ત મતદાન કેવી રીતે થાય છે એ જોવા માગતા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.