મેયરના બંગલાની જગ્યાએ સ્મારક બનાવવાનું છગન ભુજબળનું સૂચન

21 November, 2012 06:03 AM IST  | 

મેયરના બંગલાની જગ્યાએ સ્મારક બનાવવાનું છગન ભુજબળનું સૂચન



સુધરાઈ દ્વારા ૧૯૨૫માં આ મેદાનને રમતગમતના મેદાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તેમ જ છત્રપતિ શિવાજી મહારાજની ૩૦૦મી જન્મજયંતીને ધ્યાનમાં લઈને ૧૯૨૭માં એને શિવાજી પાર્ક નામ આપ્યું હતું. જો આ જગ્યાએ સ્મારક બનાવવામાં આવે તો અહીં થતી ક્રિકેટની પ્રવૃત્તિઓ પર એની અસર થાય અને ખેલાડીઓ પર જાતજાતનાં નિયંત્રણો લાદવાં પડે. ડૉ બાબાસાહેબ આંબેડકરના સ્મારક માટે સરકાર ઇન્દુ મિલની જગ્યા આપવા માગે છે એમાં થોડો ભાગ બાળ ઠાકરેના સ્મારક માટે પણ ફાળવવામાં આવે. દરમ્યાન શિવાજી પાર્કની નજીક આવેલા મેયરના બંગલાની જગ્યાએ તેમનું સ્મારક બનાવવામાં આવે એવું સૂચન જાહેર બાંધકામ ખાતાના પ્રધાન છગન ભુજબળે કર્યું છે. તેમનું કહેવું છે કે આ બંગલાની કેટલીક જગ્યાનો ઉપયોગ સ્મારક બનાવવા માટે કરવામાં આવે.

સુધરાઈના હૉલમાં બાળ ઠાકરેનું સ્ટૅચ્યુ મૂકવાની ડિમાન્ડ


સુધરાઈના હૉલમાં બે સમાજસુધારકો તથા એક મરાઠી કવિની પ્રતિમા મૂકવા વિશે હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાં શિવસેનાના કૉર્પોરેટર ગણેશ સાનપ તથા બીજેપીના કૉર્પોરેટર વિનોદ શેલારે બાળ ઠાકરેની પ્રતિમા મૂકવાની માગણી ગઈ કાલે કરી હતી. સુધરાઈની જનરલ બૉડીની મીટિંગ જ્યાં યોજવામાં આવે છે એ હૉલમાં અત્યારે ૧૩ જેટલાં પૂતળાં છે.

સુધરાઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘જ્યાં સુધી આ હૉલને રિનોવેટ કરવામાં નહીં આવે તેમ જ કૉર્પોરેટરોને બેસવા માટેની વધારે જગ્યા કરવામાં નહીં આવે ત્યાં સુધી નવી પ્રતિમા મૂકી શકાય એટલી જગ્યા જ નથી. ૧૨૯ વર્ષ જૂની સુધરાઈની ઇમારતનું ઐતિહાસિક મહત્વ છે. જો હૉલને રિનોવેટ કરવામાં આવે તો ૨૩૨ની જગ્યાએ ૩૦૦ કૉર્પોરેટરોને સમાવી શકાશે.’

મેયર સુનીલ પ્રભુએ કહ્યું હતું કે આ માટે તમામ પક્ષોની બેઠક બોલાવવામાં આવશે. ૨૦૧૦માં સુનીલ પ્રભુ લીડર ઑફ ધ હાઉસ હતા ત્યારે તેમણે જાણીતા મરાઠી કવિ વી. વી. ક્ષીરવાડકરની પ્રતિમા મૂકવાની માગણી કરી હતી તો ભારતમાં મહિલાઓ માટેની પ્રથમ સ્કૂલ શરૂ કરનાર સમાજસુધારક સાવિત્રીબાઈ ફુળેની પ્રતિમા મૂકવાની માગણી એનસીપીના કૉર્પોરેટર મંગેશ બન્સોડેએ લેખિતમાં કરી હતી.

એનસીપી = નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી