રાજ્યની કેમિસ્ટની દુકાનો ત્રણ દિવસ માટે બંધ

15 October, 2012 03:27 AM IST  | 

રાજ્યની કેમિસ્ટની દુકાનો ત્રણ દિવસ માટે બંધ



ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (એફડીએ)ની જોહુકમીના વિરોધમાં રાજ્યના ૫૦,૦૦૦ કેમિસ્ટો અને આશરે ૧૦,૦૦૦ હોલસેલરો તથા ડિસ્ટ્રિબ્યુટરો આજે મધરાતથી ૧૮ ઑક્ટોબર સુધી ત્રણ દિવસ માટે તેમની દુકાનો બંધ રાખવાના છે. મુંબઈમાં આશરે ૬૦૦૦ મેડિકલ સ્ટોર બંધ રહેશે. એફડીએની જોહુકમી સામે આવતી કાલે સવારે સાડાદસ વાગ્યે કેમિસ્ટો બાંદરા (ઈસ્ટ)માં આવેલી ચેતના કૉલેજથી એફડીએની ઑફિસ સુધી એક વિશાળ મોરચો પણ કાઢવાના છે. તેઓ એફડીએ કમિશનર મહેશ ઝઘડેને એક આવેદનપત્ર આપશે અને એમાં તેમની માગણીઓ રજૂ કરશે. આ હડતાળ દરમ્યાન લોકોને અને ખાસ કરીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય એવા દરદીઓને દવા મેળવવામાં તકલીફ પડે નહીં એ માટે મુંબઈમાં લગભગ તમામ વિસ્તારોની મોટી હૉસ્પિટલોમાં દવાની દુકાનો ખુલ્લી રહેશે. હડતાળના પહેલા દિવસ પછી પરિસ્થિતિ જોઈને વધુ મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવા કે નહીં એનો નર્ણિય લેવામાં આવશે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં સ્ત્રીભ્રૂણહત્યાના કેસ બહાર આવ્યા પછી એફડીએએ કેમિસ્ટોની દુકાનોને ટાર્ગેટ બનાવીને તેમના પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી અને ૩૫ કેમિસ્ટો સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે અને ૨૧૦૦ દુકાનોને કારણ બતાવો નોટિસ મોકલવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે દુકાનદારોમાં નારાજગી ફેલાઈ છે. આ વિશે ધ ફાર્માસ્યુટિકલ હોલસેલર્સ અસોસિએશન તેમ જ રીટેલ ડિસ્પેન્સિંગ કેમિસ્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ દિલીપ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ત્રણ દિવસ દુકાનો બંધ રાખીને અમારો વિરોધ નોંધાવવાના છીએ. ટેક્નિકલ કારણો બતાવીને અમારાં લાઇસન્સ રદ કરવામાં આવી રહ્યાં છે.’

આવતી કાલે મોરચો

રીટેલ ઍન્ડ ડિસ્પેન્સિંગ કેમિસ્ટ્સ અસોસિએશનના કમિટી મેમ્બર અને ઘાટકોપર કેમિસ્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ દીપક છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આવતી કાલના મોરચા માટે પરવાનગી મળી ગઈ છે અને આશરે ૨૦૦૦ કેમિસ્ટો એમાં જોડાશે. એફડીએની કેવી જોહુકમી છે એ દર્શાવતાં પ્લૅકાર્ડ્સ કેમિસ્ટોના હાથમાં જોવા મળશે.’

હૉસ્પિટલના મેડિકલ સ્ટોર ખુલ્લા

આ આંદોલન દરમ્યાન તમામ કેમિસ્ટ-શૉપ બંધ રહેશે, પણ હૉસ્પિટલમાં દાખલ થયેલા દરદીઓને તકલીફ પડે નહીં એ માટે મુંબઈના છ ઝોનમાં આવેલી હૉસ્પિટલોના મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવશે. આ કેમિસ્ટ-શૉપમાંથી લોકોને દવાઓ મળી શકશે. નૉર્થ ઈસ્ટ ઝોનમાં મુલુંડ અને ચેમ્બુર વચ્ચે ફૉર્ટિસ, ઇન્લેક, જૉય, ગોદરેજ, પરખ અને હીરાનંદાણી હૉસ્પિટલ; લાઇફલાઇન મેડિકલ સ્ટોર; શ્રીપાલ સ્ટોર અને ભવાની સ્ટોર; બોરીવલી ઝોનમાં બોરીવલી અને અંધેરી વચ્ચે કરુણા, નાણાવટી, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી અને સેવન હિલ્સ હૉસ્પિટલ; વેસ્ટર્ન ઝોનમાં જોગેશ્વરી અને બાંદરા વચ્ચે કાપડિયા, લીલાવતી, હોલી ફૅમિલી, એશિયન હાર્ટ અને ગુરુનાનક હૉસ્પિટલ તેમ જ શ્રી શ્યામ એન્ટરપ્રાઇઝ અને ધન્વંતરિ સ્ટોર; દાદર ઝોનમાં દાદર, સાયન તથા ધારાવી વચ્ચે કેઈએમ, તાતા, શુશ્રૂષા, સોમૈયા, સાયન હૉસ્પિટલ અને ઑસ્કર ફાર્મસી તેમ જ વૈષ્ણવી મેડિકલ સ્ટોર; કોલાબા ઝોનમાં કોલાબા અને વાલકેશ્વર વચ્ચે સૈફી, જસલોક, બ્રીચ કૅન્ડી, જે. જે. અને બૉમ્બે હૉસ્પિટલ તથા ભાયખલા ઝોનમાં ફૉર્ટ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે નૂર અને નાયર હૉસ્પિટલની કેમિસ્ટ-શૉપ ખુલ્લી રાખવામાં આવશે.