મોદીનું વારાણસી ચેમ્બુરના ટિળકનગરમાં

30 July, 2014 05:16 AM IST  | 

મોદીનું વારાણસી ચેમ્બુરના ટિળકનગરમાં



ચેમ્બુરના ટિળકનગરમાં ગણેશોત્સવમાં વષોર્થી અવનવી થીમ રજૂ કરવામાં માહેર સહ્યાદ્રિ મિત્ર મંડળે આ વર્ષે ગંગાઘાટની સાથે હિન્દુઓના પવિત્રધામ વારાણસીની આબેહૂબ પ્રતિકૃતિ ઊભી કરવાની આજથી એક મહિના પહેલાં શરૂઆત કરી દીધી છે. આ પ્રતિકૃતિની રચનામાં ગણેશની મૂર્તિ બિરાજમાન કરવામાં આવશે.

બનારસ કે કાશી તરીકે જાણીતું વારાણસી શહેર દેશના ઉત્તર ભાગમાં આવેલું છે. વારાણસી ગંગા નદીને તીરે વસેલું શહેર છે. એની ગણના વિશ્વનાં સૌથી જૂનાં વસેલાં શહેરોમાં થાય છે. કાશીના ધાર્મિક મહત્વને કારણે જ ગુજરાતીમાં કહેવત છે, ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. એમાં લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વાર ગુજરાતની બહાર વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવી અને વિજય મેળવતાં વારાણસી હૉટ સ્પૉટ બની ગયું છે. એથી જ સહ્યાદ્રિ મિત્ર મંડળે આ ગણેશોત્સવમાં વારાણસીની આબેહૂબ પ્રતિકૃતિ બનાવીને ગણેશને એમાં સ્થાપિત કરવાનો નિર્ણય લીધો હતો. આ મંડળે ગયા ગણેશોત્સવમાં ‘૧૦૦ યર્સ ઑફ બૉલીવુડ’ની થીમ પર મંડપની સજાવટ કરી હતી. એ પહેલાં બાળકોને માટે ‘કિડ્સ વલ્ર્ડ’ બનાવવામાં આવ્યું હતું.

આ માહિતી આપતાં મંડળના અધ્યક્ષ રાહુલ વાળુંજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદીની વારાણસીની સફળતાએ અમને આ ગણેશોત્સવમાં વારાણસીની રચના બનાવવા પ્ર્રેયા હતા. આ રચના આર્ટિસ્ટ તપન રૉયના માર્ગદર્શન હેઠળ ૮૦થી ૧૦૦ કારીગરોની ટીમ બનાવી રહી છે. આ ટીમ છેલ્લા એક મહિનાથી ૨૪ કલાક કામ કરી રહી છે. અમે અહીં ગંગાઘાટ સહિત અનેક ઘાટની પ્રતિકૃતિ પણ રચીશું. આખી રચના ૯૦ ફૂટƒ૨૦૦ ફૂટમાં બનાવવામાં આવશે, જે ૨૪ ઑગસ્ટ સુધીમાં તૈયાર થઈ જશે. ગંગાઘાટમાં ગંગાજળ પણ પધરાવવામાં આવશે. મોદીએ ગંગા નદીને સ્વચ્છ કરવાનો જે પ્રોજેક્ટ બનાવ્યો છે એને અમે આવકારીએ છીએ.’