ચેમ્બુરમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું મોત

30 August, 2019 01:05 PM IST  |  મુંબઈ

ચેમ્બુરમાં સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી યુવતીનું મોત

પ્રતિકાત્મક તસવીર

ગઈ ૭ જુલાઈએ ચેમ્બરુમાં ચાર નરાધમોના સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી ૧૯ વર્ષની યુવતી બુધવારે રાતે ઔરંગાબાદની હૉસ્પિટલમાં મૃત્યુ પામી હતી. મૂળ જાલનાના ધનસાવંગી તાલુકાની રહેવાસી યુવતી પોતાના જન્મદિવસની મુંબઈમાં ઉજવણી માટે ચેમ્બુરમાં તેનાં ભાઈ-ભાભીના ઘરે રહેવા આવી હતી. એ દરમ્યાન ૭ જુલાઈએ બહેનપણી સાથે જન્મદિવસની ઉજવણી માટે જવાનું કહીને તે છોકરી બહાર નીકળી ત્યારે ચાર જણે તેને ઘેનની દવા પીવડાવીને બેભાન કરીને તેના પર બળાત્કાર કર્યો હતો.
બળાત્કારીઓએ ધમકી આપી હોવાથી તેમ જ માનસિક અને શારીરિક આઘાતને કારણે યુવતીએ કોઈને કંઈ ન કહ્યું, પરંતુ તેના પગ ધ્રુજતા હોવાથી તેના પિતાને મુંબઈ બોલાવવામાં આવ્યા હતા. પિતા ૨૩ જુલાઈએ મુંબઈ આવીને દીકરીને પોતાના ઘરે લઈ ગયા હતા, પરંતુ ગુપ્તાંગમાંથી લોહી વહેતું બંધ થતું નહોતું અને આહાર લેવાનું સાવ બંધ કરતાં યુવતીની તબિયત કથળી હતી. એથી ૨૫ જુલાઈએ તે યુવતીને ઔરંગાબાદની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમ્યાન ડૉક્ટરોને યુવતી પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. ત્યાર પછી ૧ ઑગસ્ટે ઔરંગાબાદના બેગમપુરા પોલીસ સ્ટેશને ચાર અજાણ્યા યુવાનો વિરુદ્ધ ઝીરો ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધીને મુંબઈના ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનને કેસ સોંપ્યો હતો. ગુનાનું સ્થળ ધ્યાનમાં રાખ્યા વગર દેશના કોઈ પણ ઠેકાણે નોંધવામાં આવતી ફરિયાદને ઝીરો એફઆઇઆર કહેવામાં આવે છે. ચુનાભઠ્ઠી પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ઔરંગાબાદની હૉસ્પિટલમાં જઈને પીડિત યુવતીનું નિવેદન નોંધ્યું હતું.

chembur mumbai