કોવિડના હૉટ-સ્પૉટ ચેમ્બુરમાં કોરોનાની સ્પીડ પર બ્રેક મારવાના પ્રયત્નો

17 February, 2021 12:20 PM IST  |  Mumbai | Preeti Khuman Thakur

કોવિડના હૉટ-સ્પૉટ ચેમ્બુરમાં કોરોનાની સ્પીડ પર બ્રેક મારવાના પ્રયત્નો

મુંબઈના વિવિધ વૉર્ડ પૈકી ચેમ્બુરને કવર કરતા એમ-વેસ્ટ વૉર્ડમાં કોવિડ-19ના નવા કેસ વધતા જોવા મળ્યા હતા. એમાં હાઈ-રિક્સ કૉન્ટૅક્ટ સાથે ૬૦ ટકા કેસમાં ૪૦ વર્ષથી વધુ વયજૂથના લોકોનો સમાવેશ છે. એના પગલારૂપે વહીવટી તંત્ર તરત જ સતર્ક થયું હતું અને વૉર્ડ-ઑફિસ દ્વારા સોસાયટીઓને નવી માર્ગદર્શિકા બહાર પાડવાની સાથે અનેક કડક પગલાં લેવાઈ રહ્યાં છે જેથી ચેમ્બુરમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ શકે.

કોવિડ-કેસમાં

કેટલો વધારો થયો?

એક અઠવાડિયા અગાઉ વૉર્ડમાં દરરોજ ૧૫ કરતાં ઓછા નવા કેસ નોંધાતા હતા, જે ૯થી ૧૩ ફેબ્રુઆરી સુધી વધીને ૨૫થી વધુ નોંધાયા હતા. દરરોજનો વૉર્ડનો કોવિડ-19નો ગ્રોથરેટ ૦.૨૮ ટકા હતો, જે શહેરના સરેરાશ ગ્રોથરેટ ૦.૧૪ ટકા કરતાં વધારે હતો.

વહીવટી તંત્રે કોરોનાના વધતા કેસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરતા નાગરિકો દ્વારા થતા બેદરકારીભર્યા વર્તનને દોષી ઠેરવ્યું છે. પરિસ્થિતિનો ખ્યાલ રાખતાં બીએમસીએ વૉર્ડમાં રેસિડેન્શિયલ સોસાયટીઓને કોવિડની ગાઇડલાઇન્સનું કડક રીતે પાલન કરવાનું કહ્યું છે. આ ઉપરાંત પ્રશાસન દ્વારા કોવિડના વધુ કેસ ધરાવતી સોસાયટી-બિલ્ડિંગને સીલ કરવાની શરૂઆત પણ કરવામાં આવી છે.

આ વિશે એમ-વેસ્ટ વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજ ચવાણે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સીએમની મીટિંગમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એસઓપીનું સ્ટ્રિક્ટ્લી ફૉલોઅપ કરવામાં આવે. અમે મૅરેજ હૉલ, બર્થ-ડે પાર્ટી, હોટેલ વગેરે પર પણ નજર રાખવાના છીએ.’

કોરોનાનો ગ્રાફ કેવી રીતે નીચે લાવ્યા એના ઉત્તરમાં પૃથ્વીરાજ ચવાણે જણાવ્યું હતું કે ‘લોકો કોરોનાના નિયમને નજરઅંદાજ કરીને પાર્ટી કરે છે. પૉઝિટિવ પેશન્ટ્સના પરિવારજનો ૧૪ દિવસ ક્વૉરન્ટીન થતા નથી. કોરોનાનો ગ્રાફ ચેમ્બુરમાં વધતાં અમે છેલ્લા અમુક દિવસના કેસનો ડેટા જોયો હતો. પછી અમે હાઉસ ટુ હાઉસ જઈને સર્વે કર્યો, હાઉસિંગ સોસાયટીઓને નોટિસ આપીને લોકોને સમજાવ્યા, કોરોનાના નિયમોનું સખત રીતે પાલન કરાવ્યું તથા હૉકર્સ, કરિયાણાની દુકાનો, હોટેલ, કેટરર્સ, સોસાયટીમાં ટેસ્ટિંગ કરાવ્યું હતું. ઉપરાંત અમે પ્લે-ગ્રાઉન્ડ, મેદાન, સ્ટ્રીટ-ફૂડ, હૉકર્સ, સ્ટેશન નજીક જેવી જગ્યાએ આવેલી સોસાયટીઓને વધુ સતર્ક રહેવા જણાવ્યું છે.’

ચેમ્બુરનો કોરોના-ગ્રાફ

તારીખ                 કોરોનાના નવા કેસ

૧૪ ફેબ્રુઆરી                 ૮

૧૫ ફેબ્રુઆરી                 ૧૫

૧૬ ફેબ્રુઆરી                 ૧૫

mumbai mumbai news coronavirus covid19 chembur preeti khuman-thakur